Trending News
સ્થાનિક સમાચાર

કચ્છના પશુપાલકો માટે સરકારનો મોટો નિર્ણય

18 July


કચ્છના તમામ તાલુકાઓમાં ખાસ કિસ્સામાં રાહત દરે સુકો ઘાસચારો અપાશે

પ્રતિકિલો માત્ર બે રૂપિયા લેખે વિતરણ શરૂ કરવા મહેસૂલ વિભાગનો આદેશ 


ભુજ - કચ્છઉદય : ચાલુ વર્ષ દરમિયાન કચ્છ જિલ્લામાં નોંધપાત્ર વરસાદ ન થવાના કારણે કુદરતી ઘાસનું ઉત્પાદન થઈ શક્યું નથી. વિલંબિત ચોમાસાની આ ગંભીર પરિસ્થિતિને ધ્યાને રાખીને ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા જિલ્લાના તમામ તાલુકાઓના પશુધારકો માટે એક ખૂબ જ મહત્વપૂર્ણ અને રાહત આપતો નિર્ણય લેવામાં આવ્યો છે. કચ્છ જિલ્લા કલેક્ટર તરફથી પશુપાલકોની જરૂરિયાતો અંગે મોકલવામાં આવેલી વિગતવાર દરખાસ્ત પર પુખ્ત વિચારણા કર્યા બાદ, રાજ્ય સરકારે ખાસ કિસ્સામાં રાહત દરે ઘાસ વિતરણ કરવાની મંજૂરી આપી દીધી છે. સરકારના આ નિર્ણયથી વરસાદની અછતનો સામનો કરી રહેલા હજારો માલધારીઓ અને ખેડૂતોને મોટી આર્થિક મદદ મળશે.આ સરકારી ઠરાવ અનુસાર, કચ્છ જિલ્લાના તમામ તાલુકાઓમાં વસતા નાના ખેડૂતો, સીમાંત ખેડૂતો, જમીન વિહોણા પશુપાલક ખેતમજૂરો તેમજ સ્થાનિક માલધારીઓને આ રાહત યોજનાનો લાભ આપવામાં આવશે. પાત્રતા ધરાવતા પ્રત્યેક પશુધારક પરિવાર દીઠ વધુમાં વધુ પાંચ પશુઓ માટે એક ઘાસ કાર્ડ ઇસ્યુ કરવામાં આવશે. આ કાર્ડના આધારે દૈનિક પશુદીઠ ચાર કિલોગ્રામ સૂકો ઘાસચારો માત્ર બે રૂપિયા પ્રતિ કિલોગ્રામના સસ્તા અને રાહત દરે વિતરણ અથવા વેચાણ કરવામાં આવશે. પશુપાલકોની સુવિધા માટે એક સામટો સાત દિવસનો ઘાસચારાનો જથ્થો પણ વિતરણ કરી શકાશે, જેથી તેમને રોજબરોજ ડેપોના ચક્કર કાપવા ન પડે.
ઘાસ વિતરણની તમામ વ્યવસ્થા અને વહીવટી પ્રક્રિયા સુચારૂ રીતે થાય તે માટે કચ્છ જિલ્લા કલેક્ટરને સંપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે. આ વ્યવસ્થા હેઠળ પશુપાલકોના ફોટાવાળા વિશેષ ઘાસ કાર્ડ બનાવવામાં આવશે, જેમાં પશુધારકની વિગતો, તેમની પાસે રહેલા પશુઓની સંખ્યા અને વિતરણ કરાયેલા ઘાસના જથ્થાની સચોટ નોંધ રાખવામાં આવશે. સ્થાનિક જરૂરિયાતો અને માલધારીઓની અનુકૂળતાને ધ્યાનમાં રાખીને જિલ્લામાં જરૂરી સંખ્યામાં નવા ઘાસ ડેપો શરૂ કરવામાં આવશે અથવા વન વિભાગના હયાત ઘાસ ડેપો પરથી જ વિતરણની પ્રક્રિયા હાથ ધરાશે. આ સમગ્ર રાહત કામગીરી માટે વધારાના કોઈ નવા મહેકમ રાખવાના બદલે હયાત સ્ટાફનો જ ઉપયોગ કરવાનો રહેશે.સરકારના આ આદેશ મુજબ, આ ઘાસ વિતરણ પ્રક્રિયા ઠરાવ જાહેર થયાની તારીખથી આગામી ૧૫ દિવસ સુધી પાત્રતા ધરાવતા લાભાર્થીઓની માંગણીના આધારે ચાલુ રાખવામાં આવશે. જો ઘાસચારાના પરિવહનની જરૂરિયાત ઉભી થશે, તો પ્રવર્તમાન નાણાકીય નીતિ-નિયમોને આધીન રહીને આગળની કાર્યવાહી કરવામાં આવશે. આ સમગ્ર રાહત કામગીરી પાછળ થનારું તમામ આનુષંગિક ખર્ચ રાજ્ય સરકારના બજેટમાંથી ચૂકવવામાં આવશે અને ઘાસ વેચાણથી થનારી આવક સરકારી ધારાધોરણ મુજબ નિયત સદરે જમા લેવામાં આવશે. 


...............


કચ્છના પશુપાલકો પ્રત્યે સરકારની કરુણા અને સંવેદના


વરસાદની અછતને કારણે સર્જાયેલી ચારા સંકટની સ્થિતિમાં ગુજરાત સરકાર અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છના પશુપાલકોને તાત્કાલિક રાહત આપવા મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કલેક્ટરની દરખાસ્તને મંજૂરી આપીને સમગ્ર કચ્છ જિલ્લામાં રાહત દરે સુકો ઘાસચારો ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય લેવાયો છે. સરકારના આ પગલાથી હજારો માલધારીઓ અને ખેડૂતોને આર્થિક રાહત મળશે તેમજ પશુધનની સુરક્ષા માટે મહત્વપૂર્ણ સહારો મળશે.


.............

મુખ્ય મુદ્દા


• કચ્છના તમામ તાલુકાઓમાં રાહત દરે સુકો ઘાસચારો ઉપલબ્ધ કરાશે. • પ્રતિ કિલો માત્ર ૨ના દરે ઘાસચારો મળશે. • નાના, સીમાંત ખેડૂતો, જમીનવિહોણા પશુપાલકો અને માલધારીઓને લાભ.• પરિવાર દીઠ વધુમાં વધુ ૫ પશુઓ માટે ઘાસ કાર્ડ આપવામાં આવશે. • પશુદીઠ દરરોજ ૪ કિલો સૂકો ઘાસચારો મળશે. • એકસાથે ૭ દિવસનો જથ્થો પણ મેળવી શકાશે. • ફોટાવાળા વિશેષ ઘાસ કાર્ડ દ્વારા વિતરણ થશે. • જરૂરિયાત મુજબ નવા ઘાસ ડેપો શરૂ કરાશે અથવા હાલના ડેપોનો ઉપયોગ થશે. • સમગ્ર કામગીરીની જવાબદારી જિલ્લા કલેક્ટરને સોંપાઈ. • યોજના ઠરાવ જાહેર થયાની તારીખથી ૧૫ દિવસ સુધી અમલમાં રહેશે. • સમગ્ર ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવશે.

 

Comments

COMMENT / REPLY FROM