કચ્છ યુનિવર્સિટી અને ઇન્ડિયન આર્મી વચ્ચે કચ્છી નવા વર્ષના દિવસે ઐતિહાસિક એમઓયુ
રાષ્ટ્ર સુરક્ષા અને શૈક્ષણિક ક્ષેત્રનો ઐતિહાસિક સમન્વય
ભુજ - કચ્છઉદય : સરહદી જિલ્લા કચ્છ માટે શૈક્ષણિક અને રાષ્ટ્ર સુરક્ષાના ક્ષેત્રે એક ઐતિહાસિક દિવસ સાબિત થયો છે. ક્રાંતિગુરૂ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીઅને ભારતીય સેનાના ભુજ મિલિટરી સ્ટેશન વચ્ચે એક અત્યંત મહત્વપૂર્ણ સમજૂતી કરાર એટલે કે એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. ભુજ મિલિટરી સ્ટેશન ખાતે સંપૂર્ણ સૈન્ય શિસ્ત અને ગરિમાપૂર્ણ વાતાવરણમાં યોજાયેલી આ હસ્તાક્ષર વિધિમાં યુનિવર્સિટીના કુલપતિ ડો. મોહન પટેલ, કુલસચિવ ડો. અનીલ ગોર, બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યો, વિવિધ વિદ્યાશાખાના ડીન, વિભાગીય વડાઓ અને યુનિવર્સીટી સ્ટાફ તેમજ ભારતીય સેનાના સ્ટેશન કમાન્ડર નીરજ ખજુરિયા સહિત ઉચ્ચ સૈન્ય અધિકારીઓ અને બહાદુર જવાનો મોટી સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે કચ્છ યુનિવર્સિટીના કુલપતિએ જણાવ્યું હતું કે, આ એમઓયુ માત્ર શૈક્ષણિક કરાર નથી, પરંતુ રાષ્ટ્ર સેવામાં અગ્રેસર રહેતી આપણી સેનાને શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે મજબૂત બેકઅપ આપવાનો નમ્ર પ્રયાસ છે. જ્યારે ભુજ મિલિટરી સ્ટેશનના સ્ટેશન કમાન્ડરે પણ આ વહીવટી અને શૈક્ષણિક જોડાણને સૈન્ય જવાનોના મનોબળ અને વ્યવસાયિક વિકાસ માટે ગેમ-ચેન્જર ગણાવ્યું હતું. આ પહેલને મીલીટરી સ્ટેશન કમાન્ડર નીરજ ખજુરિયાએ એક સરહદી જિલ્લા કચ્છમાં વ્યૂહાત્મક સંશોધન, આપત્તિ વ્યવસ્થાપન અને સૈન્ય જવાનો તથા તેમના પરિવારોના ઉચ્ચ શિક્ષણ માટે અનન્ય પહેલ ગણેલ છે.કર્નેલ વિશાલ કુમાર સિંહ દ્વારા એમઓયુના મુખ્ય ઉદ્દેશ્યો અને લાભોની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી, જેમા સૈન્ય જવાનો અને પરિવાર માટે વિશેષ ઉચ્ચ શિક્ષણ અંતર્ગત કચ્છના રણ અને ક્રિક જેવા દુર્ગમ વિસ્તારોમાં ફરજ બજાવતા આર્મીના જવાનો માટે તેમની પ્રેક્ટિકલ ટ્રેનિંગના ક્રેડિટ વેલ્યુના આધારે યુનિવર્સિટી દ્વારા ડિપ્લોમા ઇન ડિફેન્સ એન્ડ સ્ટ્રેટેજિક સ્ટડીઝ ઇન રણ એન્ડ ક્રિક સેક્ટર એનાયત કરવામાં આવશે. આ ઉપરાંત સેનાના અધિકારીઓ, જવાનો અને તેમના આશ્રિત પરિવારો માટે યુનિવર્સિટીના તમામ અંડર ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ અને ડિપ્લોમા કોર્સમાં વિશેષ પ્રવેશની જોગવાઈ કરવામાં આવી છે તેમજ પીએચડી પ્રોગ્રામ્સમાં સુપરન્યુમરરી (વધારાની) બેઠકો ફાળવવામાં આવશે. સૈન્ય વિસ્તારમાં જ યુનિવર્સિટી એક્સ્ટેન્શન સેન્ટર પણ શરૂ કરી શકશે. એજ રીતે વ્યૂહાત્મક અને ભૌગોલિક સંશોધન, કચ્છ યુનિવર્સિટી પોતાના ભૂસ્તરશાસ્ત્ર, પુરાતત્વશાસ્ત્ર અને અન્ય અદ્યતન પ્રયોગશાળાઓના માધ્યમથી સરહદી વિસ્તારોમાં જમીનની ક્ષમતા, રણ વિસ્તારમાં ભૂગર્ભ જળની સ્થિતિ અને ક્ષાર પ્રવેશ જેવા સંરક્ષણ માટે મહત્વના વિષયો પર વૈજ્ઞાનિક પરામર્શ અને સહયોગ આપશે તથા વિદ્યાર્થીઓ માટે આપત્તિ વ્યવસ્થાપન અને શારીરિક શિસ્તની ટ્રેનિંગ ભારતીય સેના દ્વારા કચ્છ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ, સ્ટાફ અને એનસીસી - એનએસએસના કેડેટ્સને આપત્તિ વ્યવસ્થાપન, ભૂકંપ કે અન્ય કુદરતી આફતો સમયે સર્વાઇવલ સ્ટ્રેટેજી તેમજ કટોકટીની સ્થિતિમાં મેડિકલ ઇવેક્યુએશન અંગે વિશેષ તાલીમ આપવામાં આવશે. યુનિવર્સિટીના સ્ટાફ અને વિદ્યાર્થીઓ માટે શારીરિક ફિટનેસ, ડિસિપ્લિન મેન્ટરશિપ અને મહિલા સુરક્ષા માટે ટેક્ટિકલ સેલ્ફ-ડિફેન્સ વર્કશોપનું પણ આયોજન કરવામાં આવશે.આ ઉપરાંત બોર્ડર ટુરિઝમ અને સ્થાનિક ભાષા ઓરિએન્ટેશન માટે દેશભરમાંથી કચ્છ સરહદે નિયુક્ત થતા નવા સૈન્ય જવાનો સ્થાનિક સરહદી સમુદાયો સાથે સરળતાથી સંવાદ સાધી શકે તે માટે યુનિવર્સિટી દ્વારા તેમને કચ્છી અને ગુજરાતી ભાષાનું વિશેષ ઓરિએન્ટેશન અને ક્રેશ કોર્સ કરાવવામાં આવશે. વધુમાં બંને પક્ષો સાથે મળીને દેશભક્તિની ભાવના જગાડતા બોર્ડર એરિયા ટુરિઝમ અને હેરિટેજ ટ્રેઇલ્સને પ્રોમોટ કરશે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રોટોકોલ મુજબ દીપ પ્રાગટ્ય અને રાષ્ટ્રગાન સાથે સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું. આ કાર્યક્રમની સફળતા માટે યુનિવર્સિટી તરફથી નોડલ ઓફિસર ડૉ. ગૌરવ ડી. ચૌહાણ (વડા, સંશોધન અને વિકાસ વિભાગ) અને આર્મીના પ્રતિનિધિ કર્નેલ વિશાલ કુમાર સિંહે જહેમત ઉઠાવી હતી.
-----

Comments