રાજ્ય સરકાર ખેડૂતોના હિત માટે હંમેશા કટિબદ્ધ છે : કાંતિલાલ અમૃતિયા
પ્રભારીમંત્રીએ કચ્છના ખેડૂતો સાથે યોજ્યો પરિસંવાદ
ભુજ - કચ્છઉદય : ભુજ સ્મૃતિવન ખાતે પ્રભારીમંત્રી કાંતિલાલ અમૃતિયાએ કચ્છ જિલ્લાના ખેડૂતો સાથે પરિસંવાદ યોજીને તેમના પ્રશ્નોને ઉકેલવાની ખાતરી સાથે વરસાદના પાણીનો મહત્તમ સંગ્રહ કરવા અનુરોધ કર્યો હતો.
આ પરિસંવાદમાં પ્રભારીમંત્રી તથા શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાએ ખેડૂતો સાથે સીધો સંવાદ કરીને જમીન માપણી, સર્વે, શ્રીસરકાર જમીનની નિયમિતતા, નર્મદા કેનાલના અધૂરાકામ, નકશામાં સર્વે નંબર બેસાડવાની કામગીરી, વીજટાવર અને પવનચક્કી કામમાં વળતરની અસમાનતા સહિતના ખેડૂતો દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નો સાંભળીને તેને કિસાનોના હિતમાં તત્કાલ ઉકેલવા તથા વરસાદ ખેંચાતા સર્જાયેલી ઘાસ-ચારાની તંગીને નિવારવાની ખાતરી આપી હતી.
આ પ્રસંગે તેમણે ધરતીપુત્રો સીધો સંવાદ કરતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર હંમેશા ખેડૂતોના હિતમાં કામગીરી કરવા કટિબદ્ધ છે, આર્થિક રીતે ખેડૂતોને મહત્તમ ફાયદો થાય તે માટે વિવિધ યોજનાના અમલીકરણ સાથે રાજ્ય સરકારે વીજટાવરના વળતર મુદે ચિંતા સેવીને નવા ખેડૂત હિતલક્ષી નિર્ણયો લીધા છે. રાજ્ય સરકારની નીતિથી ખેડૂતોને વધુમાં વધુ ફાયદો થાય તે માટે કોઇ બાંધછોડ નહીં કરાય તેવી ખાતરી પ્રભારીમંત્રીએ આપી હતી. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, વડાપ્રધાનના દિલમાં કચ્છ વસે છે, તેમણે કચ્છનું નવનિર્માણ કરીને આ જિલ્લા માટે વિકાસના નવા દ્વાર ખોલ્યા છે. નર્મદાના નીરના અવતરણથી લઇને ઉદ્યોગો થકી કચ્છની કાયાપલટ થઇ છે, બાગાયતી ક્ષેત્રે કચ્છ નામના ઉભી કરી છે ત્યારે રાજ્ય સરકારના પ્રયત્નોમાં સામાન્ય નાગરિક સાથે ખેડૂત પણ સહયોગી બને તે જરૂરી છે. તેમણે આ પ્રસંગે વરસાદી પાણીના દરેક ટીપાંને બચાવવા હાકલ કરતા, રહેણાંકથી લઇને ખેતી સુધી પાણીનો સંગ્રહ કરવા તથા ભૂગર્ભ જળની સપાટી વધારવાની દિશામાં કામગીરી કરવા અનુરોધ કર્યો હતો.
પરિસંવાદમાં કચ્છ કલેક્ટર અનિલ રાણાવસિયાએ ખેડૂતોને સોલારપાર્કની વીજળી દેશના ખૂણે ખૂણે પહોંચાડવા હેતુ ઉભા કરતા વીજટાવર તથા કોરીડોરના વળતર મુદ્દે રાજ્ય સરકારના નવા પરિપત્ર અંગે સમજ સહિત માહિતી આપતા જણાવ્યું હતું કે, ખેડૂતોના ખેતરમાં ઉભા કરાતા વીજટાવર તથા કોરીડોર મુદે ખેડૂતોને ન્યાયિક વળતર મળે તે મુખ્યમંત્રી ચિંતા સેવીને કમિટી રચવા નિર્ણય કર્યો છે. આ કમિટિમાં જેમાં અસરગ્રસ્ત ખેડૂતોના પ્રતિનિધિ પણ સામેલ હશે. આ કમિટીના ગઠન તથા તેની કામગીરી, વળતર સહિતના આનુસંગિક મુદાઓ અંગે કલેક્ટરે છણાવટ કરીને ખેડૂતોને એડવાન્સમાં નિયમ મુજબ મહત્તમ વળતર ચૂકવીને કામગીરી કરાશે તે અંગે કિસાનોને માહિતગાર કર્યા હતા. આ સાથે પાક વળતર, ઝાડ વળતર પણ અમલી નિયમ મુજબ આપવામાં આવશે તેવું કલેક્ટરેે ઉમેર્યું હતું.
આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ પ્રભાબેન હુણ, ધારાસભ્યો કેશુભાઇ પટેલ, પ્રદ્યુમનસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ જાડેજા, માલતીબેન મહેશ્વરી, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ મહાવીરસિંહ જાડેજા, ભુજ તાલુકા પંચાયત પ્રમુખ લક્ષ્મીબેન ખેતાણી, ગાંધીધામ મહાનગરપાલિકાના મેયર દિવ્યાબેન નાથાણી, આગેવાન ફલજીભાઈ ચૌધરી, દેવજીભાઈ વરચંદ સહિતના આગેવાનો, અધિકારીઓ તથા મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
--------

Comments