Trending News
સ્થાનિક સમાચાર

નખત્રાણા તાલુકા રમતોત્સવમાં સંતકૃપા વિદ્યાલયનો દબદબો

17 July


કબડ્ડી, વોલીબોલ, ખો-ખો અને એથ્લેટિક્સમાં શાનદાર દેખાવ : એથ્લેટિક્સમાં ઓવરઓલ ચેમ્પિયન બન્યું

નખત્રાણા - કચ્છઉદય : તાલુકા કક્ષાના સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા રમતોત્સવમાં સંતકૃપા વિદ્યાલય, વિરાણી મોટીનો સર્વાંગી દબદબો જોવા મળ્યો હતો. તાલુકાની વિવિધ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના સેંકડો ખેલાડીઓ વચ્ચે યોજાયેલી સ્પર્ધાઓમાં સંતકૃપા વિદ્યાલયે અનેક વિભાગોમાં વિજય મેળવી પોતાની રમતગમતની પરંપરાને વધુ મજબૂત બનાવી હતી. ખાસ કરીને એથ્લેટિક્સમાં સૌથી વધુ ગુણ મેળવી ઓવરઓલ ચેમ્પિયન બનવાની સિદ્ધિ સંતકૃપા વિદ્યાલયના શિરે રહી હતી.
રમતોત્સવનું ભવ્ય આયોજન ૧૨ જુલાઈના સંતકૃપા વિદ્યાલયના વિશાળ રમત મેદાન ખાતે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો શુભારંભ વિદ્યાલયના આચાર્ય વિપુલભાઈ તથા સી.આર.સી. યોગેશભાઈ પટેલના હસ્તે ટોસ ઉછાળીને કરવામાં આવ્યો હતો. તેમણે ખેલાડીઓને રમતને જીત-હારથી ઉપર રાખી શિસ્ત, સંયમ અને ખેલદિલી સાથે શ્રેષ્ઠ પ્રદર્શન કરવા પ્રેરણા આપી હતી. દિવસભર ચાલેલી સ્પર્ધાઓમાં ખો-ખો, કબડ્ડી, વોલીબોલ અને એથ્લેટિક્સની રસાકસીભરી સ્પર્ધાઓએ દર્શકોમાં ભારે ઉત્સાહ જગાવ્યો હતો. ખેલાડીઓએ ઉત્તમ રમતવીરતા, ટીમ સ્પિરિટ અને અનુશાસનનું પ્રદર્શન કર્યું હતું.
સ્પર્ધાના પરિણામોમાં ખો-ખોની અંડર-૧૪ ભાઈઓ અને બહેનો વિભાગમાં સુખસાણ પ્રાથમિક શાળા, અંડર-૧૭ ભાઈઓમાં વિથોણ હાઇસ્કૂલ, અંડર-૧૭ બહેનોમાં સંતકૃપા વિદ્યાલય, અંડર-૧૯ ભાઈઓમાં સંતકૃપા વિદ્યાલય તથા અંડર-૧૯ બહેનોમાં ટી.ડી. વેલાણી હાઇસ્કૂલ વિજેતા રહી હતી. કબડ્ડીમાં અંડર-૧૪ અને અંડર-૧૭ના ભાઈઓ તથા બહેનો એમ ચારેય વિભાગોમાં સંતકૃપા વિદ્યાલયે પ્રભુત્વ જમાવ્યું હતું. અંડર-૧૯ ભાઈઓમાં પણ સંતકૃપા વિદ્યાલય વિજેતા રહ્યું હતું, જ્યારે બહેનો વિભાગમાં બી. કે. વિદ્યાલય, કોટડા પ્રથમ સ્થાને રહ્યું હતું.
વોલીબોલમાં અંડર-૧૪ ભાઈઓમાં સંતકૃપા વિદ્યાલય, બહેનોમાં અર્ચના સ્કૂલ, અંડર-૧૭ ભાઈઓ અને બહેનોમાં ઉમા વિદ્યાલય, અંડર-૧૯ ભાઈઓમાં સંતકૃપા વિદ્યાલય તથા બહેનોમાં ઉમા વિદ્યાલય વિજેતા બન્યા હતા. સમગ્ર એથ્લેટિક્સ સ્પર્ધામાં સૌથી વધુ ગુણ મેળવી સંતકૃપા વિદ્યાલયે ઓવરઓલ ચેમ્પિયન ટ્રોફી પોતાના નામે કરી, જે સમગ્ર રમતોત્સવનું સૌથી મોટું આકર્ષણ રહ્યું હતું. રમતોત્સવનું સફળ સંચાલન સહ-કન્વીનર સોઢા શંકરસિંહ દ્વારા કરવામાં આવ્યું હતું. જ્યારે ડૉ. વિપુલ કે. મોદી, રબારી માલાભાઈ, નલીનભાઈ, પ્રવીણસિંહ, અનિલભાઈ અને અમિતભાઈ સહિતના અધિકૃત રેફરીઓએ તમામ સ્પર્ધાઓને નિષ્પક્ષ અને સફળતાપૂર્વક પૂર્ણ કરાવી હતી. સમાપન સમારોહમાં દિલીપદાદા તથા સંતકૃપા વિદ્યાલયના ટ્રસ્ટી મુરૂભા જાડેજા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિજેતા ખેલાડીઓને અભિનંદન પાઠવી ટ્રોફી અને પ્રમાણપત્રો એનાયત કર્યા હતા તેમજ આગામી જિલ્લા કક્ષાની સ્પર્ધાઓમાં નખત્રાણા તાલુકાનું ગૌરવ વધારવા શુભેચ્છાઓ પાઠવી હતી. રમતોત્સવ દરમિયાન સંતકૃપા વિદ્યાલય દ્વારા કરવામાં આવેલી સુચારુ આયોજન વ્યવસ્થા, સમયબદ્ધ આયોજન, ખેલાડીઓ માટેની ઉત્તમ સુવિધાઓ અને શિસ્તબદ્ધ સંચાલનની ઉપસ્થિત મહાનુભાવો, શિક્ષકો, વાલીઓ અને રમતવીરો દ્વારા મુક્તકંઠે પ્રશંસા કરવામાં આવી હતી.
-----------

Comments

COMMENT / REPLY FROM