Trending News
સ્થાનિક સમાચાર

પશ્ચિમ કચ્છના રક્ષિત ફોરેસ્ટમાં કરોડોનું કૌભાંડ ઉજાગર થતાં વન વિભાગમાં ભારે હડકંપ 

17 July




ટ્રાન્ઝિટ પાસ કૌભાંડ ઉજાગર થયા બાદ ઉચ્ચ સ્તરીય તપાસના ચક્રો ગતિમાન : ભ્રષ્ટ તત્વો અને મોટા માથાઓમાં ફફડાટ

ભુજ - કચ્છઉદય : કચ્છ જિલ્લાના પશ્ચિમ વિસ્તારમાં આવેલા રક્ષિત ફોરેસ્ટ વિભાગમાં લાકડાના ઓકશન (હરાજી) અને તેના પરિવહનમાં આચરવામાં આવેલા કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર અંગેનો સનસનાટીભર્યો અહેવાલ કચ્છઉદયમાં પ્રસિદ્ધ થતાં જ સમગ્ર વન વિભાગ અને સરકારી તંત્રમાં ભારે હડકંપ મચી ગયો છે. સુત્રો દ્વારા મળતી વિગતો અનુસાર, આ ચોંકાવનારી વિગતો બહાર આવ્યા બાદ ઉચ્ચ કક્ષાએથી આ દિશામાં તપાસના ચક્રો અત્યંત ગતિમાન કરવામાં આવ્યા છે.
કથિત કૌભાંડની વિગત અનુસાર પર્યાવરણની જાળવણી અને જંગલોના સંરક્ષણના મોટા-મોટા દાવાઓ વચ્ચે પશ્ચિમ કચ્છના રક્ષિત ફોરેસ્ટ વિસ્તારમાં વન સંપદાની ખુલ્લેઆમ લૂંટ ચલાવવામાં આવી રહી હતી. ફોરેસ્ટ વિભાગના જ કેટલાક જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓની મિલીભગતથી કરોડોનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની પ્રબળ આશંકાઓ સેવાઈ રહી છે.નિયમોને નેવે મૂકીને આ આખા ખેલ પાછળ કોઈ મોટા માથાઓનો હાથ હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. સૌથી મોટો અને સળગતો સવાલ ટ્રાન્ઝિટ પાસના ઈસ્યુ અંગે ઊભો થયો છે. નિયમ મુજબ જે તે સમયે માત્ર અંદાજિત ૨૫૦ ટન જેટલા જ લાકડાના ઓકશન માટે સક્ષમ સત્તાધારીઓ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. પરંતુ વાસ્તવિકતા કંઈક જુદી જ અને આઘાતજનક બહાર આવી છે. હકીકતમાં આ અંદાજિત ૨૫૦ ટનની કાર્યયોજનાની મંજૂરી સામે, અંદાજિત ૧૪૦૦ ટન જેટલા જંગી જથ્થા માટેના ટ્રાન્ઝિટ પાસ ઈસ્યુ કરી દેવામાં આવ્યા હતા.માત્ર ૨૫૦ ટનની મંજૂરી સામે ૧૪૦૦ ટન સુધીની ટીપી કઈ રીતે ઈસ્યુ થઈ અને કોના આશીર્વાદથી જારી થઈ? તે વન વિભાગ માટે સૌથી મોટો સવાલ બની ગયો છે. આ વિસંગતતા ચોખ્ખેચોખ્ખું દર્શાવે છે કે મંજૂરી કરતાં અનેક ગણો વધારે જથ્થો રક્ષિત જંગલમાંથી ગેરકાયદેસર રીતે બહાર જતો રહ્યો છે. જંગલોની સુરક્ષા અને વન સંપત્તિનું સંરક્ષણ કરવાની જેની પ્રાથમિક જવાબદારી છે, તે જ ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ અને સ્થાનિક વહીવટી તંત્રની સાંઠગાંઠ વિના આટલું મોટું કૌભાંડ શક્ય જ નથી.આ સનસનાટીભર્યા અહેવાલની શાહી હજુ સુકાઈ નથી ત્યાં સુધીમાં તો ઉચ્ચ અધિકારીઓ તરફથી આ બાબતને અત્યંત ગંભીરતાથી લેવામાં આવી છે. સુત્રોના જણાવ્યા અનુસાર ઉચ્ચ સ્તરેથી આ સમગ્ર કૌભાંડના પુરાવાઓ એકત્રિત કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. સ્થાનિક સ્તરે કયા અધિકારીની સહીથી અને કયા આધારે આ ખોટા ટ્રાન્ઝિટ પાસ ઈસ્યુ કરવામાં આવ્યા તેની ત્વરિત તપાસ માટે ખાસ આદેશો છૂટ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.આ ઘટનાને પગલે ભારે હોબાળો મચી ગયો છે. લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે આ કૌભાંડ પાછળ કોઈ મોટા વહીવટદારો અને આકાઓનો હાથ હોવો જોઈએ. વર્તમાન સંજોગોમાં, આ સમગ્ર મામલાની કોઈ તટસ્થ એજન્સી દ્વારા અથવા ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિ દ્વારા નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તે અત્યંત જરૂરી બન્યું છે. સ્થાનિક નાગરિકો અને પર્યાવરણ પ્રેમીઓમાં એવો સૂર ઉઠ્યો છે કે જો આ તમામ કૌભાંડના મૂળ સુધી તપાસ કરવામાં આવશે અને દસ્તાવેજોની બારીકાઈથી ચકાસણી થશે, તો જ આ વન સંપદાને ધોળા દિવસે લૂંટનારા ભ્રષ્ટ ગુનેગારો જેલના સળિયા પાછળ ધકેલાશે અને વન વિભાગના ઇતિહાસનું સૌથી મોટું કૌભાંડ સપાટી પર આવશે.

 

Comments

COMMENT / REPLY FROM