ભચાઉમાં એલસીબીનો પ્રોહિબિશન પર પ્રહારઃ ૧૪.૨૭ લાખનો વિદેશી દારૂ અને ક્રેટા કાર જપ્ત
ભચાઉ - કચ્છ ઉદય : પૂર્વ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી)એ ભચાઉ પોલીસ મથક વિસ્તારમાં પ્રોહિબિશન વિરોધી કાર્યવાહી હાથ ધરી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડી કુલ ૧૪.૨૭ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જ્યારે કારચાલક સ્થળ પરથી કાર મૂકી ફરાર થઈ જતાં તેને ઝડપી પાડવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં દારૂની હેરફેર અને વેચાણ સામે ચાલી રહેલી ઝુંબેશ દરમિયાન એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે જીજે-૦૮-એફએ-૩૪૮૮ નંબરની ક્રેટા કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરી ભચાઉથી ગાંધીધામ તરફ લઈ જવાઈ રહ્યો છે. બાતમીના આધારે વરસાણા બ્રિજ નજીક વોચ ગોઠવતા કારચાલકે વાહન રોડની સાઇડમાં મૂકી નાસી છૂટ્યો હતો. ત્યારબાદ પોલીસે કારની તપાસ કરતાં વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે કારમાંથી વિવિધ બ્રાન્ડની કુલ ૨,૨૨૦ બોટલ વિદેશી દારૂ, એક ક્રેટા કાર અને એક મોબાઇલ ફોન સહિત કુલ ૧૪,૨૭,૯૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ અંગે ભચાઉ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ સમગ્ર કાર્યવાહી એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ. વાળા, પીએસઆઈ ડી.જી. પટેલ તથા એલસીબી સ્ટાફે સફળતાપૂર્વક પાર પાડી હતી.

Comments