‘જૈશ મોડયુઅલ’ના આતંકીઓની કોઈ કચ્છ કડી તો નથી ને?
પાટણ-બનાસકાંઠાથી ઝડપાયેલા આતંકીઓએ કચ્છના કોઈ છેવાડાના વિસ્તારોની લટાર તો નથી મારી લીધીને? કચ્છમાથી કોઈ યુવાનોના બ્રેઈન વોસ કરવામાં આ તત્વોની ભુમિકા નથી રહેલી ને? અગાઉ અને હાલમાં પકડાયેલા ૭ નાપાક આતંકીઓએ સીમાવર્તી વિસ્તારમાં તો નેટવર્ક ઉભુ કરવાના પેંતરો નથી અજમાવી લીધો ને? અગમચેતી પૂર્વકની છાનબીન કરાય તે જરૂરી : ઝડપાયેલા તત્વોના કચ્છમાં તો જિલ્લા વડામથક આસપાસ કે પછી છેવાડના સરહદી વિસ્તારોમાં તો કોઈથી ઘરોબો નથી રહ્યો ને?
રાજયના વિવિધ વિસ્તારોમાથી એટીએસએ વધુ પાંચ આતંકીઓ ઝડપ્યા : પાછલા એકાદ પખવાડીયામાં ૧પથી વધુ આતંકીઓને એટીએસએ પકડતી વેળાએ સુચક આલબેલ
’
ભુજઃ અષાઢી દૂજની રથયાત્રા પૂર્વે ઉત્તર ગુજરાતના પાટણ અને બનાસકાંઠા જિલ્લામાંથી એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ દ્વારા ઝડપી પાડવામાં આવેલા જૈશ-એ-મોહમ્મદના ૭ આતંકીઓના તાર હવે રણ સરહદ ધરાવતા કચ્છ જિલ્લા સાથે જોડાયેલા છે કે કેમ, તે દિશામાં પણ ગંભીરતાથી વિચારવું અનિવાર્ય બન્યું છે. ભૌગોલિક રીતે સંવેદનશીલ અને દેશની આંતરરાષ્ટ્રીય સરહદને સ્પર્શતા કચ્છ જિલ્લામાં આ આતંકી મોડ્યુલની કોઈ ગતિવિધિ હતી કે નહીં, તેને લઈને સ્થાનિક સ્તરે અનેક સવાલો ઉઠી રહ્યા છે.સરહદી ક્ષેત્રના જાણકારો કહી રહ્યા છે કે, શું આતંકીઓએ કચ્છના છેવાડાના વિસ્તારોની લટાર મારી હતી?બનાસકાંઠા અને પાટણ એ કચ્છના સરહદી વિસ્તારોની ભૌગોલિક રીતે ખૂબ નજીક આવેલા જિલ્લાઓ છે. સૂત્રોના મતે, આ ઝડપાયેલા તત્વોએ ભૂતકાળમાં કચ્છના અખાત કે વાગડ પ્રદેશ અથવા સરહદી રાપર અને ખાવડા જેવા કે લખપત-અબડાસા સહિતના છેવાડાના વિસ્તારોની કોઈ મુલાકાત લીધી હતી કે કેમ? અથવા અહીં કોઈ ગુપ્ત આશ્રયસ્થાન ઊભું કરવાનો પ્રયાસ કર્યો હતો કે કેમ? તે અંગે ઊંડાણપૂર્વકની તપાસ થવી ખૂબ જરૂરી છે. કચ્છના વિશાળ રણ અને લાંબા દરિયાકાંઠાને કારણે રાષ્ટ્રીય સુરક્ષાની દ્રષ્ટિએ આ આશંકાઓને નકારી શકાય તેમ નથી. આ આતંકી મોડ્યુલનો મુખ્ય હેતુ જે-તે વિસ્તારના સ્થાનિક યુવાનોને દેશવિરોધી પ્રવૃત્તિઓ તરફ વાળવાનો અને ડિજિટલ માધ્યમો કે ધાર્મિક પ્રચારના નામે તેમનું ‘બ્રેઈનવોશ’ કરવાનો હોય છે. ત્યારે સવાલ એ થાય છે કે, શું ઉત્તર ગુજરાતના આ નેટવર્કે કચ્છના કોઈ સંવેદનશીલ વિસ્તારના ભોળા યુવાનોને પોતાના સકંજામાં લેવાનો પ્રયાસ કર્યો છે? શું કચ્છમાંથી આ આતંકીઓને કોઈ આડકતરી સ્થાનિક મદદ કે લોજિસ્ટિક સપોર્ટ મળતો હતો? આવા અનેક વેધક સવાલો હાલ સુરક્ષા એજન્સીઓ માટે તપાસનો વિષય બની શકે છે. ભૂતકાળમાં પણ કચ્છ સરહદેથી ઘૂસણખોરી અને ડ્રગ્સ નેટવર્કના પર્દાફાશ થઈ ચૂક્યા છે, ત્યારે જૈશ-એ-મોહમ્મદ જેવા ખતરનાક સંગઠનના આતંકીઓ પાડોશી જિલ્લાઓમાંથી પકડાતા જ કચ્છ પોલીસ અને સ્પેશિયલ બ્રાન્ચ પણ એક્શન મોડમાં આવે તે જરૂરી છે. કોઈપણ મોટી દુર્ઘટના રોકવા માટે અત્યારથી જ એજન્સીઓ દ્વારા કચ્છમાં ટેકનિકલ સર્વેલન્સ અને શંકાસ્પદ હિલચાલ પર નજર રાખીને અગમચેતી પૂર્વકની છાનબીન કરવામાં આવે તે જિલ્લા અને દેશની સુરક્ષા માટે અત્યંત આવશ્યક છે.

Comments