સરક્રીકમાં પેટ્રોલીંગ દરમ્યાન BSF ને બીનવારસુ પાકિસ્તાની બોટ મળી
માછીમારી બોટ હોવાનું અનુમાન : આસપાસ સર્ચ દરમ્યાન કાંઈ વાંધાજનક ન મળ્યું : લાંબા સમય બાદ પાકિસ્તાની બોટ પકડાઈ
ભુજ - કચ્છઉદય : કચ્છના દરિયાકાંઠે અને સરહદી વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી ડ્રગ્સ મળી આવવાનો સીલસીલો અટકયો છે ત્યારે હવે સીરક્રીક વિસ્તારમાંથી પાકિસ્તાની માછીમારી બોટ મળી આવી છે. કોઈ માછીમારો મળ્યા નથી. આ બાબતે બીએસએફ દ્વારા વધુ સર્ચ હાથ ધરવામાં આવ્યું છે. સરહદ પર સતત નજર રાખી રહેલા સીમા સુરક્ષા દળ દ્વારા સીરક્રીક વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવતું હતું ત્યારે શંકાસ્પદ બોટ જોવા મળતા જપ્ત કરવામાં આવી છે. ભારતીય જળસીમામાં કોઈ પણ પ્રકારની ઘૂસણખોરી કે ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રોકવા માટે બીએસએફના જવાનો દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવે છે. રૂટીન પેટ્રોલિંગ દરમિયાન સીરક્રીક જેવા દુર્ગમ વિસ્તારમાં જવાનોને એક પાકિસ્તાની બોટ બિનવારસી હાલતમાં મળી આવી હતી. સુરક્ષા દળોએ બોટનો કબ્જો લીધો હતો અને આસપાસના વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ પાકિસ્તાની બોટ ભારતીય જળસીમામાં કયા ઈરાદાથી પ્રવેશી હતી તેની તપાસ કરવામાં આવી રહી છે. શું આ માત્ર માછીમારોની બોટ છે કે પછી કોઈ ષડયંત્રનો ભાગ છે, તે દિશામાં તપાસ ચાલુ છે. બોટમાંથી કોઈ હથિયાર, ડ્રગ્સ કે અન્ય કોઈ પ્રતિબંધિત કે શંકાસ્પદ સામગ્રી લાવવામાં આવી છે કે કેમ તેની બારીકાઈથી ચકાસણી થઈ રહી છે. આ બોટ મારફતે કોઈ પાકિસ્તાની નાગરિકો કે આતંકી તત્વો ભારતીય સીમામાં પ્રવેશ્યા છે કે કેમ તે અંગે પણ એજન્સીઓ દ્વારા સઘન પૂછપરછ અને તપાસ ચાલી રહી છે. સીરક્રીક વિસ્તાર ભૂતકાળમાં પણ ઘૂસણખોરી અને ડ્રગ્સની હેરાફેરી માટે સંવેદનશીલ રહ્યો છે, હાલમાં સર્ચ ઓપરેશનને વેગવાન બનાવાયું છે.

Comments