Trending News
સ્થાનિક સમાચાર

વર્ધમાનનગરમાં સાધ્વી દ્રષ્ટિયશાશ્રીજી મહારાજ સાહેબનો ભવ્ય ચાતુર્માસ પ્રવેશ

16 July


વાજતે-ગાજતે નીકળેલી સ્વાગતયાત્રા વચ્ચે ભક્તિમય માહોલ સર્જાયો; પાઠશાળાના મહત્વ અંગે આપ્યો

ભુજ - કચ્છઉદય : ભુજ નજીક આવેલા જૈન સમાજના વર્ધમાનનગર ખાતે પ. પૂ. સા.દ્રષ્ટિયશાશ્રીજી મ. સા. આદિઠાણા-૮નો ભવ્યાતિભવ્ય ચાતુર્માસ પ્રવેશ ભક્તિ, શ્રદ્ધા અને આધ્યાત્મિક ઉમંગ વચ્ચે વાજતે-ગાજતે સંપન્ન થયો હતો. પૂજ્ય સાધ્વીના આગમનને લઈ સમગ્ર વર્ધમાનનગર ભક્તિમય માહોલથી ગુંજી ઊઠ્યું હતું.ચાતુર્માસ નિમિત્તે પૂજ્યશ્રી વર્ધમાનનગરની પાવન ધરા પર પધારતાં વર્ધમાન શ્વેતામ્બર જિનાલય ટ્રસ્ટ દ્વારા પરંપરાગત સામૈયાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વાગતયાત્રામાં મોટી સંખ્યામાં શ્રાવક-શ્રાવિકાઓ ઉત્સાહભેર જોડાયા હતા. આ પ્રસંગે વર્ધમાનનગરના અધ્યક્ષ રાહુલભાઈ મહેતા, ઉપપ્રમુખ વર્ધીલાલ પારેખ, મંત્રી હસમુખભાઈ વોરા તેમજ ચેતનભાઈ સંઘવી, ધીરજભાઈ પારેખ, અતુલભાઈ શાહ, ભુપેશ શાહ, નીમેશ શાહ, કિરીટ શાહ, ગૌતમ શાહ, દીપક લાલન, ભદ્રેશ શાહ, રોહિત ઝવેરી, અંકિત શાહ, દર્શક શાહ, જીતેન્દ્ર શાહ, મહેન્દ્ર લોડાયા, વિસ્તૃતભાઈ શાહ, હરીશ લોડાયા સહિત અગ્રણીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.ઉપાશ્રય પહોંચ્યા બાદ પૂજ્ય સાધ્વીએ પોતાના પ્રેરણાદાયી પ્રવચનમાં જણાવ્યું હતું કે, જૈન ધર્મના સંસ્કારોનું જતન અને જ્ઞાનનું સિંચન કરવા માટે બાળકો તથા યુવાનો, મહિલાઓ માટે પાઠશાળામાં નિયમિત જવું અત્યંત જરૂરી છે. ધાર્મિક શિક્ષણ જીવનને મૂલ્યનિષ્ઠ, સંસ્કારી અને ચારિત્ર્યવાન બનાવે છે, તેમ તેમણે જણાવ્યું હતું. આ પ્રસંગે આઠ કોટી મોટી પક્ષના પ. પૂ. વિમળાબાઈ મહાસતીજી આદિઠાણાએ પણ નિશ્રા આપીને પ્રસંગને ગૌરવવંતો બનાવ્યો હતો.
વિધિવિધાન દરમિયાન ‘હૃદય પ્રદીપ’ જ્ઞાનપુસ્તક પૂજ્યને વહોરાવવાનો લાભ નલીનીબેન પ્રેમચંદ શાહ પરિવારે લીધો હતો. જ્ઞાન ચરિત્ર ચંદ રાજાનો રાસ વહોરાવવાનો લાભ વર્ધમાનનગરના અધ્યક્ષ, ઉપપ્રમુખ અને મંત્રી પરિવારોએ મેળવ્યો હતો. પૂજ્યશ્રીના ગુરુપૂજનનો લાભ માતુશ્રી કમળાબેન હંસરાજ પારેખ પરિવારે લીધો હતો, જ્યારે પૂજ્યશ્રીને કામળી વહોરાવવાનો લાભ હંસાબેન શશિકાન્તભાઈ ભાછા પરિવારે લીધો હતો. આશિષભાઈ શાહ એન્ડ પાર્ટીએ ભક્તિમય સંગીતની રમઝટ જમાવી સમગ્ર વાતાવરણને ભાવવિભોર બનાવી દીધું હતું. કાર્યક્રમનું અસરકારક સંચાલન ભાવિન શાહે કર્યું હતું, જ્યારે પ્રબોધ મુનવરે આભારદર્શન વ્યક્ત કર્યું હતું. 
---------------

Comments

COMMENT / REPLY FROM