Trending News
સ્થાનિક સમાચાર

ભુજના રણજીત વિલાસ પેલેસ ખાતે રાજ પરિવાર અને કચ્છ ઇતિહાસ પરિષદ દ્વારા કચ્છી નવા વર્ષ ‘આષાઢી બીજ’ની ભવ્ય ઉજવણી

16 July


ભુજ - કચ્છઉદય : પવિત્ર અને મંગલમય એવા કચ્છી નવા વર્ષ ’આષાઢી બીજ’ના પાવન પર્વે ભુજ સ્થિત ઐતિહાસિક રણજીત વિલાસ પેલેસ ખાતે એક વિશેષ અને ગૌરવપૂર્ણ સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. કચ્છની સમૃદ્ધ સંસ્કૃતિ અને ભવ્ય વારસાને જીવંત રાખતી સંસ્થા ‘કચ્છ ઇતિહાસ પરિષદ’ ના સભ્યો અને કચ્છના રાજપરિવારના સન્માનનીય સભ્યોની ગરિમામય ઉપસ્થિતિમાં આ ઉજવણી હર્ષોલ્લાસ સાથે સંપન્ન થઈ હતી.
કાર્યક્રમની શરૂઆતમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા સ્વ. મહારાવ પ્રાગમલજી ત્રીજાના બાવલા (પ્રતિમા) સમક્ષ પુષ્પો અર્પણ કરી ભાવભરી શ્રદ્ધા સુમન અંજલિ આપવામાં આવી હતી. ત્યારબાદ રાજપરિવારના સભ્યોએ પરંપરાગત શૈલીમાં સૌ મહેમાનોનું ઉષ્માભર્યું સ્વાગત કરી કચ્છી નવા વર્ષની મનભરીને વધાઈ આપી હતી. આ શુભ પ્રસંગે પરંપરા મુજબ સૌના મોં મીઠા કરાવીને નવા વર્ષના મંગલ આશીર્વાદ પાઠવવામાં આવ્યા હતા.
આ ગરિમાપૂર્ણ સ્નેહમિલનમાં રાજપરિવાર તરફથી ઠાકોર કૃતાર્થસિંહ (દેવપુર), કુંવર ઇન્દ્રજીતસિંહ, તેરા ઠાકોર મયુરધ્વજસિંહ, આરતીબા, પદ્મિનીબા તેમજ હર્ષદિત્યસિંહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે કચ્છ ઇતિહાસ પરિષદ વતી પ્રમુખ નરેન્દ્રભાઈ વ્યાસ, મહામંત્રી પ્રમોદ જેઠી, નરેન્દ્ર ગોર, ભૂપેન્દ્ર મહેશ્વરી,  એમ.આઇ. બાયડ, એ.કે. શેખ, વિનોદ ગોર, મદન ભટ્ટ તેમજ પુષ્પરાજસિંહ જાડેજાએ હાજરી આપી કાર્યક્રમની શોભા વધારી હતી.
આ પ્રસંગને વધુ આકર્ષક અને ઇતિહાસમય બનાવતા સંસ્થાના ઉપપ્રમુખ કિરીટસિંહ જાડેજા તથા મંત્રી વનરાજસિંહ જાડેજાએ કચ્છી ભાષાની સુંદર કવિતાઓનું પઠન કર્યું હતું અને કચ્છના ગૌરવશાળી ઇતિહાસની રસપ્રદ પ્રસ્તુતિ રજૂ કરીને સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. રણજીત વિલાસ પેલેસ ખાતેના મુખ્ય કાર્યક્રમ બાદ કચ્છ ઇતિહાસ પરિષદના સભ્યો દ્વારા ભુજના રમણીય મેમોરીયલ ગાર્ડન રણજીત વિલા ખાતે પણ એકત્રિત થઈને કચ્છી નવા વર્ષની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન પ્રાગ મહેલ તથા રણજીત વિલાસ પેલેસના કર્મચારી ભાઈઓએ વ્યવસ્થા સંભાળી હતી. સમગ્ર કચ્છ અને દેશ-વિદેશમાં વસતા કચ્છી માડુઓને રાજપરિવાર અને ઇતિહાસ પરિષદ દ્વારા સુખ, શાંતિ અને સમૃદ્ધિદાયક નવા વર્ષની હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
------

Comments

COMMENT / REPLY FROM