Trending News
સ્થાનિક સમાચાર

કચ્છના ૧૨ યુવાનોએ પંચમ કૈલાશ એવાં દુર્ગમ “મણીમહેશ” ની યાત્રા પૂર્ણ કરી

15 July



આજના યુવાનો ખોરાકની શુદ્ધતા સાથે શારીરિક સ્વાસ્થ્ય જાળવીને ભારતમાં જ સાહસિક યાત્રા - પ્રવાસો કરે એ સમયની માંગ

ભુજ - કચ્છઉદય : હિંદુ ધર્મમાં કેલાશ માન સરોવરનું વિશેષ મહત્ત્વ છે અને ઘણાં શ્રદ્ધાળુઓ અહીની યાત્રા કરવાનું સ્વપ્ન સાકાર કરે છે, પણ તે ઉપરાંત અન્ય ચારમાં આદિ કૈલાશ, કિન્નોર કૈલાશ, શ્રીખંડ કૈલાશ અને મણીમહેશ કૈલાસ. વગેરે ચાર કૈલાશનું મહત્ત્વ અને માહાત્મ્ય પણ જરાય ઓછું નથી.
વાત કરીએ પંચમ કૈલાશ “મણિ મહેશ”ની તો હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાં આવેલ આ સ્થળે પહોંચનાર શ્રદ્ધાળુઓ સામાન્ય રીતે માત્ર પવિત્ર શિવકુંડમાં ડુબકી લગાવવા ઉપરાંત એ તળાવની જ પરિક્રમા કરે છે, પરંતુ બહુ જ ઓછા લોકો અહીં વિશાળ પર્વત સ્વરૂપે બિરાજતા ભગવાન મણિ મહેશની કુલ બાવન કિલોમીટર લાંબી અને અતિ મુશ્કેલ એવી સંપૂર્ણ પરિક્રમા કરે છે.
ચાલુ મહિને કચ્છનાં માધાપર, મિરઝાપર, માનકુવા, નારણપર અને દહિંસરાના કુલ ૧૨ મિત્રોએ આ પરિક્રમા કરવાનું સાહસ કર્યું અને બેઝ કેમ્પથી લઈને જોતનુ પાસ સુધી ૧૬ હજાર ફુટની ઊંચાઈએથી કુલ ચાર દિવસે સફળતાપૂર્વક પરત નીચે આવ્યા. ૧ ૮ વર્ષના કેશવ હાલાઈથી લઈને ૫૧ વર્ષિય મનજીભાઈ હિરાણી સહિતના ટ્રેક બડીશ (ચડાઈ સાહસિક મિત્રો) ગ્રુપના આ કચ્છી સાહસિકોએ જ્યાં જુઓ ત્યાં બરફ અને રસ્તાની બંને બાજુ ઉંચાં ગ્લેશિયરની દિવાલો વચ્ચે છેક ઉપર પહોંચીને રાષ્ટ્રનું ગૌરવ એવો તિરંગો લહેરાવીને નોંધ્યું કે શુન્ય ડીગ્રી તાપમાન અને તંબુમાં નિવાસ વચ્ચે રાત્રી રોકાણ સાથે ચાલુ વર્ષે પોતાનાથી અગાઉ માત્ર એક જ ગ્રુપ આ પર્વતની દુર્લભ પરિક્રમા પૂર્ણ કરી શક્યું છે.
અગાઉ શ્રીખંડ કૈલાશ અને કિન્નોર કૈલાશની અતિ સાહસિક યાત્રા પૂરી કરી ચૂકેલ માધાપરનો યુવાન દેવ વરસાણી કહે છે કે, અહીં અથવા આવી કોઈપણ જગ્યાએ પહોંચવા માટે ખર્ચ કરતાં પણ વધુ શારીરિક સ્વાસ્થ્ય, સાહસ અને તેથીયે વધુ મહાદેવ પ્રત્યેની અપ્રતિમ શ્રદ્ધાની જરૂર પડે છે. દેવ કહે છે કે, માત્ર મોજ મસ્તી ખાતર મોટા ખર્ચ સાથે વિદેશમાં ફરવા કરતાં દેશના યુવાનોએ નિર્વ્યસની રહેવા સાથે શારીરિક સ્વાસ્થ્ય માટે ખોરાકની શુધ્ધતા અને મનની શાંતિ માટે આધ્યાત્મમાં રસ લઈને આપણા ભારતનાં જ આવાં અનેક સુંદર પ્રાકૃતિક સ્થળોએ યાત્રા અને પર્યટનને પ્રાધાન્ય આપવા સાથે આવશ્યક હોય ત્યાં વિમાન અને સારી ટ્રેનની સુવિધાનો લાભ લેવા સાથે જરૂર પડે ત્યાં એસટી જેવી સ્થાનિક પરિવહનની સસ્તી અને અઘરી મુસાફરી ઉપરાંત ગમે તેવી પરિસ્થિતિમાં ગમે ત્યાં રહેવું, જમવું અને સુઈ જવાની માનસિકતા પણ કેળવવી જોઈએ. 
----------

Comments

COMMENT / REPLY FROM