Trending News
સ્થાનિક સમાચાર

કચ્છ યુનિવર્સિટીનો મોટો નિર્ણય : સેલ્ફ-ફાઇનાન્સ પીજી અભ્યાસક્રમોમાં વિદ્યાર્થીઓને ફીમાં મોટી રાહત

15 July


તમામ સેલ્ફ-ફાઇનાન્સ અભ્યાસક્રમોને ગ્રાન્ટ-ઇન-એઇડ ધોરણે સેમેસ્ટર-૧માં ચલાવવાની અને સુધારેલ ફી લેવાની મંજૂરી અપાઈ 

ભુજ - કચ્છઉદય : ક્રાંતિગુરૂ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટી દ્વારા શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭થી અમલમાં આવે તે રીતે એક મહત્વપૂર્ણ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. ભૂતકાળમાં યુનિવર્સિટી કેમ્પસ ખાતે શૈક્ષણિક સ્ટાફની અછતને કારણે કેટલાક મહત્વપૂર્ણ અનુસ્નાતક એટલે કે પીજી અભ્યાસક્રમો સેલ્ફ-ફાઇનાન્સ ધોરણે ચલાવવામાં આવી રહ્યા હતા. જો કે, નવા શૈક્ષણિક વર્ષથી યુનિવર્સિટીમાં ૩૨ નવી શૈક્ષણિક જગ્યાઓ ભરવામાં આવતા આ વ્યવસ્થામાં મોટો સુધારો કરવામાં આવ્યો છે. એક્ઝિક્યુટિવ કાઉન્સિલ અને બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠકમાં લેવાયેલા નિર્ણય અનુસાર, હવેથી આ તમામ સેલ્ફ-ફાઇનાન્સ અભ્યાસક્રમોને ગ્રાન્ટ-ઇન-એઇડ ધોરણે સેમેસ્ટર-૧માં ચલાવવાની અને તે મુજબ સુધારેલ ફી લેવાની મંજૂરી આપવામાં આવી છે.
આ ઉપરાંત વિદ્યાર્થી સંગઠનો દ્વારા કરવામાં આવેલી રજૂઆતને ધ્યાને રાખીને બોર્ડ ઓફ મેનેજમેન્ટ સમક્ષ સેમેસ્ટર-૩માં પણ પ્રવેશેલા વિદ્યાર્થીઓ માટે ગ્રાન્ટ-ઇન-એઇડ ધોરણે ફી ઉઘરાવવાની માગ મૂકવામાં આવી હતી. આ રજૂઆતને બોર્ડ ઓફ મેનેજમેન્ટ દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે. આ મંજૂરી મળતાની સાથે જ હવે એલએલએમ, એમ.એસસી. આઇટી, બી.એસ. કોમ્પ્યુટર સાયન્સ, એમ.એસ.ડબલ્યુ., એમ.પી.એ. અને ઇતિહાસ જેવા મહત્વના અભ્યાસક્રમોમાં સેમેસ્ટર-૩માં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓ પાસેથી પણ ગ્રાન્ટ-ઇન-એઇડ ધોરણે જ ફી વસૂલવામાં આવશે. યુનિવર્સિટીના આ નિર્ણયથી સેંકડો વિદ્યાર્થીઓને આર્થિક રીતે મોટો ફાયદો થશે.
-------- 

Comments

COMMENT / REPLY FROM