વાયોર પીએચસીને સીએચસીમાં તબદીલ કરવા ગ્રામ પંચાયતની રજૂઆત
ભુજ - કચ્છઉદય : અબડાસા તાલુકાના ગરડા પંથકના મુખ્ય મથક એવા વાયોર ગામે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે અપૂરતી સુવિધાઓ અને સ્ટાફની ભારે અછતને કારણે સ્થાનિક લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે. આ અંગે વાયોર જૂથ ગ્રામ પંચાયત દ્વારા જિલ્લા આરોગ્ય કેન્દ્રને લેખિત રજૂઆત કરીને આ કેન્દ્રને તાકીદે સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં તબદીલ કરવા તેમજ કાયમી ધોરણે ડોક્ટરની નિમણૂક કરવા માંગ કરવામાં આવી છે.
વાયોર જૂથ ગ્રામ પંચાયતના સરપંચ પ્રભાતસિંહ જાડેજા અને ઉપસરપંચ કુંભાર ઇસ્માઇલ ખમીસા દ્વારા કરાયેલી રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે, આ વિસ્તારના અંદાજે ૪૪ જેટલા ગામો વાયોરથી ૪૦ કિલોમીટરના અંતરે આવેલા છે, જેથી આ કેન્દ્ર આશરે ૨૪,૦૦૦થી વધુની વસ્તીને આરોગ્ય સેવાઓ પૂરી પાડે છે. આમ છતાં, વાયોર પીએચસીમાં સ્ટાફની ભારે અછત પ્રવર્તી રહી છે અને ખાસ કરીને પ્રસૂતિ સેવાઓ માટે નર્સ સ્ટાફની અત્યંત જરૂરિયાત છે. અહીં નિયુક્ત ડોક્ટર પાસે નલિયાનો પણ વધારાનો ચાર્જ હોવાથી તેઓ મોટાભાગે નલિયા ખાતે જ રહે છે, જેના કારણે વાયોર કેન્દ્રમાં ડોક્ટરની હાજરી નહિવત રહે છે. આ વિષમ પરિસ્થિતિને લીધે સામાન્ય ઇન્જેક્શન કે બાટલા ચડાવવા જેવી પ્રાથમિક સારવાર માટે પણ દર્દીઓને પારાવાર તકલીફ પડે છે.
કોઈ અકસ્માત કે ડિલિવરી જેવા કટોકટીના સમયે દર્દીઓને નાછૂટકે નલિયા સુધી લાંબા થવું પડે છે. પંચાયતના જણાવ્યા અનુસાર, છસરા, વાયોર અને મોટીબેર સબ-સેન્ટર ખાતે સીએચઓ, ફાર્માસિસ્ટ, એમપીએચએસ તેમજ એફએચએસ જેવી મહત્વની જગ્યાઓ લાંબા સમયથી ખાલી પડી છે. અગાઉ પણ આ બાબતે તંત્ર સમક્ષ રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ યોગ્ય ઉકેલ આવ્યો નથી. તેથી, ગ્રામજનોના વ્યાપક હિતમાં આ કેન્દ્રને સીએચસીનો દરજ્જો આપી કાયમી ડોક્ટર અને પૂરતો સ્ટાફ તાકીદે ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી પંચાયત દ્વારા ઉગ્ર માંગણી કરવામાં આવી છે. આ રજૂઆતની નકલ જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રભાબેન રબારી, ઉપપ્રમુખ મહાવીરસિંહ જાડેજા અને સ્થાનિક ધારાસભ્ય પીએમ જાડેજાને પણ મોકલી આપી યોગ્ય કાર્યવાહી કરવા અનુરોધ કરાયો છે.
---------

Comments