સુરતમાં સર્જાયેલી પુરની સ્થિતિથી અસરગ્રસ્તો માટે સરકારે સહાય પેકેજ જાહેર કર્યું
સુરત - કચ્છઉદય : સુરત જિલ્લા અને મહાનગરપાલિકા વિસ્તારમાં જુલાઈ ૨૦૨૬ દરમિયાન થયેલા ભારેથી અતિભારે વરસાદથી આવેલ પૂરના કારણે સુરત શહેર તથા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિથી સ્થાનિક વાણિજય, વેપાર અને સેવાકીય એકમોને મોટા પાયે આર્થિક નુકશાન થયું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ વિકટ સ્થિતિમાંથી અસરગ્રસ્ત વિસ્તારોમાં વેપાર-ધંધા ઝડપથી પુનઃકાર્યાન્વિત થાય તેમજ સ્થાનિક અર્થતંત્રને વેગ મળે તે હેતુથી અસરગ્રસ્ત વાણિજય, વેપાર અને સેવાકીય એકમો માટે ઉદારતમ પુનઃવસન સહાય પેકેજ જાહેર કર્યું છે.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ અનુસાર રાજ્ય સરકારે જાહેર કરેલા આ સહાય પેકેજની વિસ્તૃત વિગતો આપી હતી. તેમણે જણાવ્યું કે, આ પુનઃવસન સહાય પેકેજ અંતર્ગત અસરગ્રસ્ત વિસ્તારોમાં નાના માણસોના વેપાર-ધંધા પૂર્વવત થઇ શકે તે માટે લારી/રેકડી, નાની કેબિન, મોટી કેબિન ધરાવતા દુકાનધારકોને ઉચ્ચક રોકડ સહાય આપવામાં આવશે. જેમણે છેલ્લા ત્રિમાસિકનું જીએસટી રીટર્ન ભરેલ હોય તેવા દુકાનધારકોને રૂ. ૧ લાખની ઉચ્ચક રોકડ સહાય આપવાનો સંવેદનાસ્પર્શી નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. છેલ્લા ત્રિમાસિકનું જીએસટી રીટર્ન ભરેલ હોય તેવા વેપારી/મોટી દુકાન અને પાકા બાંધકામવાળી દુકાનો માટે બેંકો અને નાણાંકીય સંસ્થાઓ દ્વારા અસરગ્રસ્ત એકમોને લોન આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું. ઉચ્ચક રોકડ સહાય મેળવવાપાત્ર અસરગ્રસ્તોને નુકસાન સહાય માટે સરવે કરી ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી જેવા આધાર ધ્યાનમાં લઇને સહાય ચૂકવવામાં આવશે. આવા ઉચ્ચક રોકડ સહાય મેળવવાપાત્ર અસરગ્રસ્તોએ તા. ૩૦/૦૯/૨૦૨૬ સુધીમાં સંબંધિત સુરત મ્યુનિસિપલ કમિશનર, મામલતદાર, નગરપાલિકાના ચીફ ઓફીસરને નિયત નમૂનામાં અરજી કરવાની રહેશે. આવી ઉચ્ચક રોકડ સહાય મંજૂર કરવા માટે સુરત મહાનગરપાલિકાના જે-તે ઝોનના ડેપ્યુટી કમિશનર અથવા ગ્રામ્ય વિસ્તાર માટે સંબંધિત પ્રાંત અધિકારી અધ્યક્ષ હોય તેવી સમિતિની રચના જિલ્લા કલેકટર સુરત દ્વારા કરવામાં આવશે. જેમણે છેલ્લા ત્રિમાસિકનું જીએસટી રિટર્ન ભરેલુ હોય તેવા અસરગ્રસ્તોએ વ્યાજ સહાય મેળવવામાટેની અરજી પેકેજનો ઠરાવ થયાની તારીખથી છ માસ સુધીમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્રને નિયત નમૂનામાં બેંકમાંથી લોન મેળવ્યાના પુરાવા સાથે કરવાની રહેશે. એટલું જ નહિ, જે અસરગ્રસ્ત એકમોએ એપીએમસી માટેની સહાય યોજના હેઠળ સહાય મેળવી હશે તેવા એકમો આ પેકેજ અંતર્ગત સહાયપાત્ર થશે નહી. નાયબ મુખ્યમંત્રીએ સુરતના અસરગ્રસ્ત વિસ્તારોમાં કેશ ડોલ અને ઘરવખરી સહાયની ચૂકવણીની વિગતો પણ આપી હતી. તેમણે કહ્યું કે, સુરતમાં ૧૪ જુલાઈ ૨૦૨૬ સુધીમાં કુલ ૧૯૨૫૬ પરિવારોને રૂ. ૯.૬૨ કરોડની ઘરવખરીની સહાય અને ૩૯૨૩૭ વ્યક્તિઓને રૂ. ૩.૫૩ કરોડની કેશડોલ મળીને કુલ ૧૩.૧૫ કરોડ રૂપિયાનું ચૂકવણું રોકડ સહાય સ્વરૂપે કરવામાં આવ્યુંછે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તથા કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે સુરતના ભારે પૂર અસરગ્રસ્ત વિસ્તારોની જાત માહિતી મેળવવા તથા નુકસાનીનો ક્યાસ કાઢવા પ્રત્યક્ષ મુલાકાત લીધી હતી. તેમણે અસરગ્રસ્ત વેપારીઓ / વાણિજ્યિક એકમો પાસેથી આ પૂરથી થયેલા વ્યાપક નુકસાનની તલસ્પર્શી વિગતો મેળવીને તેમના પ્રત્યે સહાનુભૂતિ અને સંવેદના દર્શાવીને અસરગ્રસ્તો ઝડપભેર પૂર્વવત થાય તેવા અભિગમથી આ ઉદારતમ પુનઃવસન સહાય પેકેજ જાહેર કર્યુ છે.
--------------

Comments