કચ્છના ગામડાઓમાં સુકાયેલા તળાવો નર્મદાના નીરથી ભરો
કચ્છમાં મોટા પ્રમાણમાં રહેલું પશુધન જ્યારે પાણી વગર તરફડી રહ્યું છે ત્યારે અષાઢી બીજની ભેટરૂપે સરકાર નર્મદાના નીરથી કચ્છના સુકાઇ રહેલા તળાવ ભરવાની યોજના મૂર્તિમંત કરી આપી તેવી લાગણી : સાંસ્કૃતિક કાર્નિવલ પછી હવે "પશુ બચાવો કાર્નિવલ" ઉજવવો જોઈએ : બન્ની જેવા વિસ્તારમાં "મહાઅવાડા" બનાવી અને તેને નર્મદાના નીરથી ભરેલા રહે તેવી યોજના બનાવવી જોઈએ
ભુજ - કચ્છઉદય : ભુજ તાલુકાના દેશલપર ગામમાં આવેલા તળાવમાં હવે નહીંવત પ્રમાણમાં પાણી રહ્યું છે. કચ્છના મોટાભાગના ગામડાઓમાં તળાવ સુકાઈ ગયા છે અથવા તો સુકાઇ જાય તેને થોડો સમય બાકી રહ્યો છે. દેશલપરમાં ત્રણેક હજાર જેટલા પશુઓનો આધાર આ તળાવના પીવાના પાણી ઉપર રહેલો છે. જો આ પાણી સાવ સુકાઈ જશે તો પશુઓનું શું થશે એવો વિચાર ગામ લોકો અને પશુપાલકો કરી રહ્યા છે.
લોકોના જણાવ્યા પ્રમાણે જ્યાં પશુ મોટા પ્રમાણમાં રહેતા હોય તે સર્વે ગામના તળાવ નર્મદાના પાણીથી ભરવા જોઈએ. આ ઉપરાંત જળ સ્ત્રોત વિકસાવવા માટે અને વરસાદી પાણી બચાવવા માટેના ઉપાયો ભવિષ્યમાં હોય છે કે સંસ્થાઓ અને સરકારે કરવા જોઈએ. અગાઉ આવી જાહેરાત કરાઈ હતી પરંતુ હજુ સુધી ઘણા વિસ્તારો અને ઘણા તળાવો નર્મદાના પાણીથી ભરવામાં આવતા નથી. અહીં તળાવને ફરતા વધારે વૃક્ષો વાવવામાં આવે તો વરસાદની શક્યતા વધી જાય. આ માટે પણ ગામ લોકોએ અને સરકારી તંત્રએ એ વૃક્ષારોપણ તરફ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. સ્વભાવિક રીતે તળાવ કિનારે વૃક્ષો. જલ્દી ઉગી જાય અને મોટા થઈ જાય. વૃક્ષો વરસાદની ખેંચી લાવે છે તેવું જાણકારોનું માનવું છે.
લોકોએ જણાવ્યું કે જ્યારે વરસાદ ખેંચાઈ ગયો છે ત્યારે સાંસ્કૃતિક ઉત્સવો ઉજવવા લોકોનું મન પ્રસન્ન કરવા જરૂરી છે પરંતુ સાથે સાથે પાણી અને ઘાસચારાના પ્રશ્ન તરફ પણ પરિણામજનક રીતે ધ્યાન કેન્દ્રિત કરાય તે પણ ખૂબ જરૂરી છે. દક્ષિણ ગુજરાતમાં જ્યારે ભારે વરસાદ પડ્યો છે ત્યારે નર્મદા નદીના સરદાર સરોવર ડેમના પાણી દ્વારા કચ્છના તળાવો અને પશુઓ માટે ઠેર ઠેર અવાડા બનાવી અને તે ભરવાની વ્યવસ્થા કરવામાં આવે તેવી કચ્છની લાગણી છે. કચ્છને અષાઢી બીજની ભેટ તરીકે કચ્છના તળાવ નર્મદાના પાણીથી ભરવાની યોજના પ્રજાકીય પ્રતિનિધિઓ દ્વારા રજૂઆત કરવામાં આવે અને મુખ્યમંત્રી દ્વારા મંજૂર કરવામાં આવે તેવી કચ્છની અને ખાસ કરીને ગામડાના લોકોની લાગણી છે.
---------

Comments