અલંગ શિપ રિસાઇકલિંગ યાર્ડ વૈશ્વિક કેન્દ્રબિંદુ સાબિત થયું
ભાવનગર - કચ્છઉદય : મેરીટાઇમ ઇન્ડિયા વિઝન ૨૦૩૦ના લક્ષ્યાંકને સમય કરતાં પાંચ વર્ષ વહેલાં સિદ્ધ કરીને ભારત ૩૫.૪ ટકા વૈશ્વિક હિસ્સા સાથે વિશ્વનો સૌથી મોટો શિપ રિસાઇકલિંગ દેશ બન્યો છે. આ ઐતિહાસિક સિદ્ધિમાં ગુજરાતનું અલંગ શિપ રિસાઇકલિંગ યાર્ડ વૈશ્વિક કેન્દ્રબિંદુ સાબિત થયું છે. યુનાઇટેડ નેશન્સની સંસ્થાના અહેવાલ અનુસાર વર્ષ ૨૦૨૫માં ભારતના જહાજ રિસાઇકલિંગ ક્ષેત્રમાં ૬૦ ટકાનો જંગી ઉછાળો આવ્યો છે, જેનાથી જૂના જહાજો તોડીને તેના પુનઃઉપયોગની ક્ષમતા ૧૮.૬ લાખ ગ્રોસ ટનથી વધીને ૨૯.૯ લાખ ગ્રોસ ટન પર પહોંચી ગઈ છે.
આંતરરાષ્ટ્રીય સ્તરે પર્યાવરણ - અનુકૂળ રિસાઇકલિંગ વ્યવસ્થા અને હોંગકોંગ કન્વેન્શનના માપદંડોનું ચુસ્ત પાલન થવાને કારણે અલંગ હવે યુરોપિયન દેશોના જહાજો માટે પહેલી પસંદ બન્યું છે. શિપ રિસાઇકલિંગ એક્ટ-૨૦૧૯ અને ૫૩.૫ કરોડ રૂપિયાના ખર્ચે થયેલા આધુનિકીકરણને લીધે આ વૈશ્વિક પરિવર્તન આવ્યું છે તેવું શિપ રિસાઇકલિંગ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના સેક્રેટરી હર્ષકુમાર પરમારે જણાવ્યું હતું.
અલંગનો આ ઉદ્યોગ વાર્ષિક અંદાજે ૧૦,૦૦૦ કરોડ રૂપિયાનું ટર્નઓવર જનરેટ કરે છે, જેમાંથી રાજ્ય સરકારને ૧,૫૦૦થી ૨,૦૦૦ કરોડ રૂપિયાની મહેસૂલી આવક મળે છે. આ પ્રક્રિયામાં કચરાનું પ્રમાણ માત્ર ૦.૦૫ ટકાથી પણ ઓછું હોવાથી આ ક્ષેત્ર ‘વેસ્ટ-ટુ-વેલ્થ’નું એક શ્રેષ્ઠ મોડેલ બન્યું છે. અહીં ૧૫ થી ૨૦ હજાર લોકોને સીધી રોજગારી મળે છે, જ્યારે સ્થાનિક સ્તરે સ્ક્રેપ અને સાધનોના વેપારથી હજારો લોકો આજીવિકા મેળવે છે. શ્રમિકો માટે આવાસ, ભોજન, આર્થિક બોનસ અને વાર્ષિક ૪૦ દિવસની સવેતન રજાઓ જેવી ઉત્તમ સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવાઈ છે.
વેપારી વશરામભાઈ અને અલંગ શિપ રિસાઇકલિંગ યાર્ડના કર્મચારી ગિરિરાજ રામચંદરએ જણાવ્યું હતું કે, અલંગના ૧૧૫ શિપ રિસાઇકલિંગ યાર્ડ આજે દેશના અનેક આનુષંગિક ઉદ્યોગોને લોખંડી આધાર પૂરો પાડી રહ્યા છે. ગ્રીન અને સેફ રિસાઇકલિંગ ક્ષમતાના આ સતત વિસ્તારથી ગુજરાત વૈશ્વિક દરિયાઈ નકશા પર અગ્રેસર રહ્યું છે, જે ‘વિકસિત ભારત’ના લક્ષ્ય તરફ ટકાઉ વિકાસનું એક સશક્ત કદમ છે.
-------------

Comments