Trending News
સ્થાનિક સમાચાર

કચ્છમાં ચાંદીપુરા વાયરસની આશંકા વચ્ચે તંત્રને મોટી રાહત :  ગળપાદરના બાળકના સેમ્પલનો રિપોર્ટ નેગેટિવ આવતા હાસકારો

15 July


ગળપાદરના બાળકનો સેમ્પલ રીપોર્ટ નેગેટીવ આવ્યો છે, કચ્છમાં કયાય ચાંદીપુરા વાયસરના શંકાસ્પદ પણ એક કેસ પણ નથી : શ્રી કેશવકુમાર (જીલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી)

ગાંધીધામ : રાજ્યમાં ચાંદીપુરા વાયરસના વધતા જતા કેસો અને બાળકોના મોતના સમાચારો વચ્ચે કચ્છ જિલ્લામાં પણ આ વાયરસને લઈને ભારે સતર્કતા જોવા મળી રહી છે. આ દરમિયાન ગાંધીધામના ગળપાદર વિસ્તારમાં એક ૧૦ વર્ષના બાળકમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો દેખાતા જ સમગ્ર આરોગ્ય વિભાગ એક્શન મોડમાં આવી ગયું હતું. બાળકના સેમ્પલ તાત્કાલિક અસરથી વધુ તપાસ માટે ગાંધીનગર સ્થિત લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા હતા. જો કે, હવે તંત્ર અને પરિવાર માટે રાહતના સમાચાર સામે આવ્યા છે.આ બાબતે જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારીશ્રી કેશવકુમારની સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યુ હતુ કે, ગળપાદરમાં એક શંકાસ્પદ ચાંદીપુરા કેસ આવ્યો હતો અને તેના સેમ્પલો ગાંધીનગર મુકવામા આવ્યા હતા, જેનો રીપોર્ટ ગઈકાલે સાંજે આવી ગયો છે તે રીપોર્ટ નેગેટીવ આવ્યો છે. હાલમાં કચ્છમાં ચાંદીપુરાનો કોઈ પણ કેસ શંકાસ્પદ પણ ન હોવાનુ શ્રી કેશવકુમારે જણાવ્યુ હતુ. આ ઉપરાંત ગળપાદરમાં જયાથી શંકાસ્પદ કેસ સામે આવ્યો હતો તેની આસપાસના પણ ૧૧પ ઘરોની અંદર આરોગ્ય વિભાગની ટીમ દ્વારા જરૂરી નિયંત્રણ કરવાની કાર્યવાહી પાવડરના છંટકાવ સહિતની કરી દેવામા આવી હોવાનુ શ્રી કેશવકુમારે જણાવ્યુ હતુ. આ ઉપરાંત વર્તમાન સમયે કચ્છમાં ડેન્ગ્યુ, મલેરીયા કે ટાઈફોઈડ અથવા તો જાડા-ઉલ્ટી સહિતના પણ કોઈ વધુ કેસો નોધાવવા પામ્યા નથી. હાલમાં કચ્છમાં કયાય કોઈ એપેડેમીક સ્થિતી સર્જાયેલી ન હોવાનું શ્રી કેશવકુમારે જણાવ્યુ હતુ.

....................

ગાંધીનગર લેબનો રિપોર્ટ નેગેટિવ, તંત્રએ લીધો રાહતનો શ્વાસ
’

ગાંધીધામ : આરોગ્ય વિભાગ તરફથી મળતી સત્તાવાર માહિતી અનુસાર, ગાંધીનગરની પ્રયોગશાળામાં મોકલવામાં આવેલા આ શંકાસ્પદ કેસના સેમ્પલનો રિપોર્ટ આવી ગયો છે અને તે સંપૂર્ણપણે નેગેટિવ જાહેર થયો છે. રિપોર્ટ નેગેટિવ આવતા જ આરોગ્ય વિભાગ અને સ્થાનિક લોકોએ મોટી રાહત અનુભવી છે અને તંત્રનો ફફડાટ દૂર થયો છે. હાલ આ ૧૦ વર્ષના બાળકને ગાંધીધામની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. રોગચાળા નિયંત્રણ અધિકારી કેશવકુમારે જણાવ્યું હતું કે, બાળકની તબિયતમાં સતત રિકવરી (સુધારો) જોવા મળી રહી છે, જેથી હાલ ગભરાવા જેવો કોઈ ચિંતાનો વિષય નથી.


....................

ભૂતકાળના કડવા અનુભવથી આરોગ્ય વિભાગ એલર્ટ પર

ગાંધીધામ : કચ્છ જિલ્લામાં વર્ષ ૨૦૨૪ દરમિયાન પણ ચાંદીપુરા વાયરસનો પ્રકોપ જોવા મળ્યો હતો, જેમાં કમનસીબે ૩ નિર્દોષ બાળકોના મૃત્યુ નીપજ્યા હતા. આ ભૂતકાળના કડવા અનુભવ અને કડક 
પાઠને ધ્યાનમાં રાખીને, વર્તમાન સમયમાં રાજ્યભરમાં ફેલાયેલા આ વાયરસ સામે કચ્છનું આરોગ્ય વિભાગ અત્યંત સાવચેતી વર્તી રહ્યું છે.


....................

સઘન સર્વેલન્સ અને દેખરેખની કામગીરી ચાલુ

ગાંધીધામ : ભલે આ કેસનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હોય, 
પરંતુ તંત્ર સહેજ પણ ઢીલ મૂકવા તૈયાર નથી. વાયરસના સંભવિત ફેલાવાને અટકાવવા માટે આરોગ્ય વિભાગ દ્વારા અસરગ્રસ્ત અને આસપાસના વિસ્તારોમાં સઘન સર્વેલન્સ, સ્ક્રીનિંગ અને દેખરેખની કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ રાખવામાં આવી છે. અધિકારીઓએ નાગરિકોને બાળકોમાં તાવ, ઉલ્ટી કે બેભાન થવા જેવા લક્ષણો દેખાય તો તુરંત નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરવા અપીલ કરી છે.

Comments

COMMENT / REPLY FROM