Trending News
સ્થાનિક સમાચાર

કચ્છના પેટાળમાં કુદરતી ખજાનો રેર અર્થ મિનરલ્સ શોધવા કેન્દ્ર સરકાર એક્શનમાં, કલકત્તાની એજન્સી દ્વારા ભુજ-નખત્રાણા પંથકમાં મેગા સર્વેનો ધમધમાટ શરૂ

15 July


જમ્મુ-કાશ્મીરમાં લિથિયમના ભંડાર મળ્યા બાદ, હવે ભારત સરકારની નજર કચ્છના રેર અર્થ મિનરલ્સ પર સ્થિર થઈ

ગાંધીધામ : કાળઝાળ ગરમી અને રણ સરહદ ધરાવતા કચ્છ જિલ્લાના પેટાળમાં કુદરતનો એવો અનમોલ ખજાનો ધરબાયેલો છે જે દેશની તકદીર બદલી શકે તેમ છે. જમ્મુ-કાશ્મીરમાં લિથિયમના ભંડાર મળ્યા બાદ, હવે કેન્દ્ર સરકારની નજર કચ્છના રેર અર્થ મિનરલ્સ (Rare Earth Minerals)  પર સ્થિર થઈ છે. કચ્છના ભૌગોલિક પેટાળ તેમજ દરિયાઈ વિસ્તારોમાં સોના-ચાંદીના કણો, થોરિયમ અને લિથિયમ સહિતના અત્યંત કિંમતી તત્વો હોવાની પ્રબળ સંભાવનાઓને પગલે કેન્દ્રના ખાણ-ખનિજ મંત્રાલયે આંતરિક રીતે એક દેશવ્યાપી મહા-સર્વે હાથ ધર્યો છે, જેમાં કચ્છને મોખરાનું સ્થાન આપવામાં આવ્યું છે.““આ મેગા પ્રોજેક્ટ અંતર્ગત કલકત્તાની પ્રતિષ્ઠિત ‘ગેટવેલ એજન્સી’ ને કચ્છની જવાબદારી સોંપાઈ છે અને આ એજન્સીએ ભુજ, દેશલપર રોડ તેમજ નખત્રાણા પંથકમાં હાઈટેક સાધનો સાથે સર્વે અને સર્ચની ટેકનિકલ કાર્યવાહી ધમધમતી કરી દીધી હોવાના  અહેવાલો સાંપડી રહ્યા છે.

..........


રેર અર્થ મિનરલ્સ વર્તમાન માર્કેટમાં નવુ સોનું કહેવાય છે.!


ગાંધીધામ : રેર અર્થ મિનરલ્સને આજના યુગનું ‘નવું સોનું’ કહેવામાં આવે છે, કારણ કે તેના વિના આધુનિક ટેકનોલોજી શક્ય જ નથીઃ હાઈ-ટેક ડિફેન્સ ક્ષેત્રેઃ ફાઈટર જેટ, મિસાઈલ ગાઈડન્સ સિસ્ટમ, સ્પેસ શટલ અને રડાર સિસ્ટમમાં રેર અર્થ એલિમેન્ટ્‌સનો વ્યાપક 
ઉપયોગ થાય છે.સેમિકન્ડક્ટર અને ચીપ મેકિંગઃ સ્માર્ટફોન, લેપટોપ અને કોમ્પ્યુટર ચિપ્સ બનાવવા માટે આ ખનીજો અનિવાર્ય રો-મટીરિયલ છે. ગ્રીન એનર્જી ક્રાંતિઃ વિન્ડ ટર્બાઇન અને સોલાર પેનલ્સની ઉત્પાદન ક્ષમતા વધારવા આ ખનિજો ચાવીરૂપ ભૂમિકા ભજવે છે.


.........


કચ્છ ફરી એકવાર દેશના વિકાસનું સીમાચિહ્ન બનશે

તો કચ્છ જિલ્લો ગુજરાત જ નહીં, પરંતુ સમગ્ર એશિયાનું સૌથી મોટું ‘માઈનિંગ અને ટેકનોલોજી હબ’ બનીને ઉભરી આવશે
ગાંધીધામ : ભૂકંપ બાદ ઉદ્યોગોના ધમધમાટથી વૈશ્વિક સ્તરે ચમકેલું કચ્છ હવે સંરક્ષણ અને આધુનિક વિજ્ઞાન ક્ષેત્રે ભારતનું સુકાન સંભાળવા તૈયાર થઈ રહ્યું છે. ભુજ અને નખત્રાણા પંથકમાં શરૂ થયેલી આ કવાયત જો સફળ રહેશે, તો કચ્છ આગામી સમયમાં માત્ર ગુજરાત જ નહીં, પરંતુ સમગ્ર એશિયાનું સૌથી મોટું ‘માઈનિંગ અને ટેકનોલોજી હબ’ બનીને ઉભરી આવશે તેમાં કોઈ બેમત નથી. કેન્દ્ર સરકારની સીધી દેખરેખ હેઠળ ચાલી રહેલી આ ગુપ્ત અને મહત્વપૂર્ણ કામગીરી પર હાલ તો સમગ્ર દેશની નજર મંડાયેલી છે.

.........


દેશવ્યાપી સર્ચ ઓપરેશનઃ કઈ એજન્સીઓ કેવી રીતે કરી રહી છે કામગીરી?

ગુજરાતના કચ્છ ઉપરાંત રાજસ્થાનની અરવલ્લી ગિરિમાળાઓ, આંધ્રપ્રદેશ અને ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારો (બીચ સેન્ડ મિનરલ્સ) તેમજ લદ્દાખના પહાડી વિસ્તારોમાં ચાલે છે સ્રર્વેની કાર્યવાહી

ચીનની મોનોપોલી (એકહથ્થુ શાસન) તૂટશેઃ હાલમાં વિશ્વના રેર અર્થ માર્કેટ પર ૭૦% થી વધુ કંટ્રોલ ચીનનો છે. જો કચ્છમાંથી આ ખનીજો પૂરતી માત્રામાં મળી આવશે, તો ભારતની ચીન પરની નિર્ભરતા સંપૂર્ણ નાબૂદ થશે અને ભારત મોટું નિકાસકાર બની શકશે


ગાંધીધામ : કેન્દ્ર સરકારના ગ્રીન એનર્જી અને સેમિકન્ડક્ટર મિશનને વેગ આપવા માટે ખાણ-ખનિજ મંત્રાલય દ્વારા દેશભરમાં રેર અર્થ મિનરલ્સ શોધવાનું ગુપ્ત અભિયાન શરૂ કરાયું છે. 
ક્યાં - ક્યાં ચાલી રહ્યો છે સર્વે? ગુજરાતના કચ્છ ઉપરાંત રાજસ્થાનની અરવલ્લી ગિરિમાળાઓ, આંધ્રપ્રદેશ અને ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારો (બીચ સેન્ડ મિનરલ્સ) તેમજ લદ્દાખના પહાડી વિસ્તારોમાં અલગ-અલગ એજન્સીઓને કામ સોંપાયું છે. કઈ રીતે થઈ રહી છે કામગીરી? કલકત્તાની ગેટવેલ એજન્સી જેવી નિષ્ણાત સંસ્થાઓ અત્યાધુનિક સેટેલાઈટ ઈમેજિંગ, ઈલેક્ટ્રોમેગ્નેટિક સર્વે અને જીઓ-ફિઝિકલ ડેટાના આધારે પોઈન્ટ નક્કી કરી રહી છે. એજન્સીનો અંતિમ પડાવઃ આ એજન્સી માત્ર સર્વે પૂરતી સીમિત નથી. પ્રાથમિક નકશા તૈયાર થયા બાદ આ વિસ્તારોમાં ઊંડું ડ્રિલિંગ કરવામાં આવશે. ડ્રિલિંગ દ્વારા કાઢવામાં આવેલા સેમ્પલ્સનું લેબોરેટરીમાં સેગ્રેગેશન (અલગીકરણ) કરી કયા ખનીજની માત્રા કેટલી છે તેનો આખરી અહેવાલ તૈયાર કરાશે. આ તમામ ડેટા તબક્કાવાર સીધો કેન્દ્ર સરકાર અને સેન્ટ્રલ માઈનિંગ ડિપાર્ટમેન્ટને સોંપવામાં આવશે.

.........

Comments

COMMENT / REPLY FROM