ભુજ બહુમાળી ભવન ખાતે ‘પર્યાવરણ જતન અભિયાન’ અંતર્ગત ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
ભુજ - કચ્છઉદય : સરકારના ‘સ્વચ્છ ભારત અભિયાન’ને વેગ આપવા અને સરકારી કચેરીઓમાં સ્વચ્છતાની સાથે સુંદર, હરિયાળું વાતાવરણ નિર્માણ પામે તેવા ઉમદા હેતુ સાથે ભુજ સ્થિત બહુમાળી ભવન ખાતે એક સરાહનીય અને પ્રેરણાદાયી પહેલ કરવામાં આવી છે.બહુમાળી ભવન ખાતે કાર્યરત બહુમાળી ભવન ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળીની વિનંતીને માન આપી કચ્છ જિલ્લા સામાજિક વનીકરણ વન વિભાગના નાયબ વન સંરક્ષક જયન પટેલના વિશેષ સહયોગ તેમજ મંડળીના સંયુક્ત ઉપક્રમે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત વૃક્ષોના જતન અને સુરક્ષા માટે ૩૦ જેટલા વૃક્ષના છોડ તેમજ તેની ફરતે રાખવા માટે લોખંડની જાળીવાળા સુરક્ષા પાંજરા (ટ્રી-ગાર્ડ) ફાળવવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન મુખ્ય અધિકારી જયન પટેલના હસ્તે શાસ્ત્રોક્ત અને ઉત્સાહભર્યા વાતાવરણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ધિરાણ મંડળીના પ્રમુખ શૈલેષ મારુ, મંત્રી ભરત માંગલીયા તેમજ સહકારી મંડળીના પ્રમુખ બાબુલાલ આહીર અને મંત્રી એમ.આઇ. બાયડ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત પેન્શનર મંડળીના અનિરૂદ્ધસિંહ ગોહીલ, હમીરભાઇ ખાખલા, સામાજિક વનીકરણ વન વિભાગના કચેરી અધિક્ષક શંકરભાઈ ભરવાડ, મંડળીના કારોબારી સભ્યો તેમજ અન્ય કર્મચારીઓ-અધિકારીઓ સહિત બહુમાળી ભવન સ્થિત વિવિધ સરકારી વિભાગોના કર્મચારીઓ ખૂબ મોટી સંખ્યામાં હાજર રહીને આ ભગીરથ કાર્યમાં સહભાગી બન્યા હતા.બહુમાળી ભવનની મંડળીઓના હોદ્દેદારો અને ઉપસ્થિત અધિકારીઓએ સામાજિક વનીકરણ વન વિભાગના અધિકારી જયન પટેલની સામાજિક જવાબદારી અને પર્યાવરણ પ્રત્યેની ઉદાર નીતિની મુક્તકંઠે પ્રશંસા કરી હતી. સરકારી પરિસરમાં પર્યાવરણ અને સ્વચ્છતા પ્રત્યે પ્રશંસનીય જાગૃતિ લાવવા બદલ તમામ સભ્યો દ્વારા વન વિભાગનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
------

Comments