કચ્છની ધરા પર મેઘકૃપા માટે વહેલી સવારે ‘મેઘ મલ્હાર’ના સુરો રેલાયા
વોક વે ગ્રુપ દ્વારા મેઘરાજાને આરાધના
ભુજ - કચ્છઉદય : આ વર્ષે અષાઢના આગમન છતાં મેઘરાજાએ મન મૂકીને હેત ન વરસાવતા સરહદી કચ્છ પંથકમાં ચિંતાના વાદળો ઘેરાયા છે. કચ્છીઓનું પાવન પર્વ ‘અષાઢી બીજ’ અને કચ્છી નવું વર્ષ તદ્દન નજીક છે, ત્યારે કચ્છની તરસતી ધરાને તૃપ્ત કરવા માટે ભુજના જાણીતા સામાજિક અગ્રણી મિતેષભાઇ હીરાલાલ શાહના પ્રેરણાદાયી માર્ગદર્શન હેઠળ ‘વોક વે ગ્રુપ’ ના સભ્યો દ્વારા એક અનોખી સૂર- આરાધનાનું આયોજન કરવામાં આવ્યું હતું.વહેલી સવારના મનોહર વાતાવરણમાં ગ્રુપના મિત્રોએ એકત્રિત થઈને પરમકૃપાળુ પરમાત્માનું સ્મરણ કર્યું હતું અને મેઘરાજા પાસે કાલાવાલા કર્યા હતા કે, “હે ભોળાનાથ, હે મેઘરાજા! હવે પ્રકોપ છોડો અને કચ્છની આ પવિત્ર ભૂમિ પર અમૃતધારા વરસાવીને ધરાને લીલીછમ અને તરબોળ કરી દો. ભક્તિમય અને ભાવસભર પ્રસંગે ગ્રુપના સુપ્રસિદ્ધ ગાયક હર્ષદભાઈ દોશીએ પોતાના મધુર અને બુલંદ અવાજમાં શ્રોતાઓને મંત્રમુગ્ધ કરતા ‘મેઘ મલ્હાર’ રાગ પર આધારિત ગીતો રજૂ કર્યા હતા. તેમના કંઠે ગવાયેલા વર્ષા ગીતોથી સમગ્ર વાતાવરણ આહલાદક બની ગયું હતું અને ઉપસ્થિત સૌ કોઈ ભક્તિભાવમાં લીન થઈ ગયા હતા.ભુજના જાણીતા એડવોકેટ અને નોટરી તેમજ યુવા અગ્રણી બી.એસ. મહેશ્વરી દ્વારા મિતેષભાઇ હીરાલાલ શાહની નિઃસ્વાર્થ સામાજિક પ્રવૃત્તિઓથી પ્રભાવિત થઈને માનવ સેવાના કાર્યો અવિરત ચાલતા રહે તે હેતુથી નવ હજાર રૂપિયાનું દાન અર્પણ કર્યું હતું.
-----------

Comments