ભુજમાં આરટીઓ કચેરીના ગેટ પાસે બેફામ ટ્રેઈલરે છ વાહનોને ઉડાવ્યા
સદનસીબે મોટી જાનહાની ટળી : એક્ટીવા પર સવાર મહિલા સહિત બેને ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા : કલાક સુધી રોડ પર ટ્રાફીકજામ સર્જાયો
ભુજ - કચ્છઉદય : જિલ્લા ઉદ્યોગ કેન્દ્રથી આરટીઓ વિસ્તારમાં વારંવાર અકસ્માત થાય છે ત્યારે આજે સવારે વધુ એક બનાવ બન્યો હતો. જેમાં સદનસીબે મોટી જાનહાની ટળી હતી. ટ્રેઈલર ચાલકે ટક્કર મારતા એક મેકમાં છ વાહનો ભટકાયા હતા. બે લોકોને ઈજા થઈ હતી. કલાક સુધી રોડ પર ટ્રાફીકજામ થયો હતો. આ બાબતે સ્થળ પરથી જાણવા મળતી માહિતી મુજબ આરટીઓ સર્કલથી કચેરીએ આવતા માર્ગે સવારે દસ વાગ્યે આ બનાવ બન્યો હતો. એક ટ્રેઈલર ચાલકે બાજુમાંથી પસાર થતી બ્રેઝા કાર સાથે ભટકાવતા તેની બાજુમાં વધુ એક કાર તેમજ તેની બાજુમાં ત્રણ મોપેડ અને એક બાઈક એક મેકમાં ભટકાતા કુલ્લ છ વાહનો અકસ્માતનો ભોગ બન્યા હતા. જેમાં બન્ને કારમાં સાઈડના ભાગે નુકશાન થયું છે. જયારે એક એક્ટિવાનો સાવ બુકડો બોલી ગયો હતો. એક્ટિવા પર સવાર મહિલા સહિત બે જણા રોડમાં ખાલી સાઈડ પટકાયા હતા. તાત્કાલિક ૧૦૮ બોલાવી તેઓને સારવાર માટે જી.કે.માં મોકલવામાં આવ્યા હતા. અન્ય વાહનોમાં નજીવો નુકશાન થયું છે. અહીં ખુણા પર ઝુપડા બાંધીને લોકો રહે છે. જો ટ્રેઈલર બેકાબુ બનીને ઘૂસી ગયું હોત તો મોટી જાનહાની થવાની શકયતા સ્થાનીકે એકત્ર થયેલા લોકોએ વ્યકત કરી હતી. બનાવને પગલે આર્મીના જવાનો દોડી આવ્યા હતા. રોડ પર મઢુલી સુધી ટ્રાફીકજામ થયો હતો. અકસ્માતમાં ભોગ બનનારે ૧૧ર નંબર પર જાણ કરતા ટ્રાફીક પોલીસ આવી હતી. સતત ભારે વાહનોની અવરજવરના કારણે ટ્રાફીકજામ થતા અનેક વાહન ચાલકો કલાક સુધી અટવાઈ પડયા હતા. દરમ્યાન સ્થાનીકેથી મળેલી વધુ વિગતો મુજબ સર્કલ પાસે રસ્તો પહોળો કરતા થ્રી લેન બન્યો છે પરંતુ આગળ આવતા કચેરી સુધી રસ્તો ટુ લેનમાંં ફેરવાઈ જાય છે. વાહનો એક સાથે નિકળે પરંતુ અહીં નિકળવાની જગ્યા ન મળતા અકસ્માત થતા હોવાનું સ્થાનીકે ભેગા થયેલા લોકોએ જણાવ્યું હતું. અગાઉ એચડીએફસીમાં બેંકમાં ટ્રેઈલર ઘૂસી ગયું હતું. રેન્જ આઈજીના બંગલામાં પણ ઘણી વખત ટ્રેઈલર ઘૂસી ગયા છે. આ રોડ પર અકસ્માત અટકાવવા માટે ઢાળ ઓછો કરવો અને પહોળાઈ વધારવી જરૂરી બની ગઈ છે. પરંતુ માર્ગ મકાન વિભાગ દ્વારા હયાત રોડ પર ડામર પાથરી દેવામાં આવ્યો છે, જેના પરીણામે અકસ્માતો વધી રહ્યા છે. રવિવારે સ્મૃતિવનની સામે રસ્તો ક્રોસ કરતા વૃદ્ધાનું અકસ્માતમાં મોત થયું હતું. ખરેખર અહીં કટ છે, વાહનો ધીમા થવા જોઈએ પરંતુ ફુલ સ્પીડમાં જતા વાહનો રોકવા માટે સ્પીડ બ્રેકર લગાવાયા નથી. અગાઉ પણ અકસ્માત થયા ત્યારે તંત્રે રસ્તો પહોળો થતા અકસ્માત ઘટશે તેવું વચન આપ્યું હતું. પરંતુ હાલે પરિસ્થિતિ જૈસે થે છે. અને ભારે વાહનોની અવરજવર બન્ને માર્ગો પર બેફામ વધી ગઈ છે.

Comments