પાટણ પાસે કચ્છ બ્રાન્ચ કેનાલમાં ભ્રષ્ટાચારના ગાબડાં? નર્મદાના માટીભગા અધિકારી-ઠેકેદારોનો લ્યો ઉધડો.!
કચ્છ સુધી સમગ્ર કેબીસીનું કેમ ન થાય સિવિલ ઓડીટ-સર્વે.!
પાટણના સાંતલપુર પાસે કચ્છ બ્રાન્ચ કેનાલમાં ૪૦ ફૂટનું મોટું ગાબડુંઃ કરોડોના મેઈન્ટેનન્સના દાવાઓની પોલ ખૂલી“ભ્રષ્ટાચારના ગાબડાથી ખેડૂતોમાં ભારે રોષઃ સમગ્ર કેનાલનું ઓડિટ કરી કૌભાંડી ઠેકેદારો અને અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવી જોઈએ : પાટણ નહી પરંતુ કચ્છભરમાં પણ આ જ રીતે કેનાલામાં ભુતકાળમાં પડી ચુકયા છે મોટા ગાબડાઓ, ઠેકેદારો અને નર્મદાના અમુક ભ્રષ્ટ અધિકારીઓની
મીલીભગત જ આવા ગતકડાઓમાં છે કારણભુત
ગાંધીધામ : પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ઝઝામ ગામ પાસેથી પસાર થતી મુખ્ય કચ્છ બ્રાન્ચ કેનાલમાં ૪૦ ફૂટ જેટલું મોટું ગાબડું પડતાં તંત્રની ઘોર બેદરકારી અને ભ્રષ્ટાચાર સપાટી પર આવ્યા છે. કેનાલ તૂટવાને કારણે લાખો લીટર પાણીનો વેડફાટ થયો છે, જેને પગલે સ્થાનિક ખેડૂતો દ્વારા વહીવટીતંત્ર સામે ભારે રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. આ ઘટનાને પગલે સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે કરાતા મેઈન્ટેનન્સના દાવાઓની પોલ ખુલ્લી પડી ગઈ છે.સમગ્ર કચ્છ બ્રાન્ચ કેનાલના સર્વે અને ઓડિટની માંગ આ તબક્કે ઉઠે તે સહજ છે. સ્થાનિકો અને ખેડૂતોના જણાવ્યા અનુસાર, કચ્છ સુધી અને કચ્છની અંદર પણ અગાઉ આવી જ રીતે કેનાલો તૂટવાની અનેક ઘટનાઓ બની ચૂકી છે. આ વારંવાર બનતી ઘટનાઓને રોકવા માટે સમગ્ર કચ્છ બ્રાન્ચ કેનાલનું તાત્કાલિક ધોરણે ટેકનિકલ સર્વે અને ઓડિટ કરવામાં આવે તેવી માંગ બુલંદ બની છે. નબળું કામ કરનાર ઠેકેદારો અને મિલીભગત વાળા અધિકારીઓ સામે લાલઆંખ કરવી સમયની માંગ બની રહી છે. આ મામલે ખેડૂતો અને જાગૃત નાગરિકો આક્રોશપૂર્વક જણાવી રહ્યા છે કે, ’લોટ-પાણી ને લાકડા’ જેવું નબળું કામ કરનારા જવાબદાર ઠેકેદારો (કોન્ટ્રાક્ટર્સ) સામે વહીવટીતંત્ર દ્વારા લાલઆંખ કરવામાં આવે. માત્ર ઠેકેદારો જ નહીં, પરંતુ આવા નબળા કામોને લીલી ઝંડી આપનારા અને ભ્રષ્ટાચારની કટકીઓ લઈને ફાઈલો મંજૂર કરનારા નર્મદા નિગમના ’માટીપગા’ અધિકારીઓ સામે પણ ધાક બેસાડતા કડક પગલાં લેવાવા જોઈએ.આવા ભ્રષ્ટાચારી કામો કરનારા ઠેકેદારોના બિલો કોની સહીથી મંજૂર થયા, તે સમયના તમામ જવાબદાર અધિકારીઓની જવાબદારી નક્કી કરવામાં આવે.એકાઉન્ટ્સ વિભાગ અને કામનું ઇન્સ્પેક્શન કરનારા નિરીક્ષકોને પણ આ ગુનાહિત મદદગારી બદલ કાયદાના દાયરામાં લાવવામાં આવે.જ્યાં સુધી આવા ભ્રષ્ટ અધિકારીઓ અને ઠેકેદારોની મિલીભગત પર કડક કાનૂની સકંજો નહીં કસાય, ત્યાં સુધી સરકારી નાણાંનો આવો દુર્વ્યય અને કેનાલોમાં ગાબડાં
પડવાની ઘટનાઓ અટકાવવી કપરી બનશે.હાલમાં ખેડૂતો દ્વારા આ મામલે તાત્કાલિક ન્યાયિક તપાસ કરી દોષિતો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવાની ઉગ્ર માંગ કરવામાં આવી રહી છે.નર્મદા નિગમના ઉચ્ચ વહીવટી તંત્ર દ્વારા આ મામલે તટસ્થ ટેકનિકલ ઓડિટ કરાવીને, ગાબડું પડવા પાછળ જવાબદાર તમામ સ્તરના (સુપરવાઈઝરથી લઈને ચીફ એન્જિનિયર સુધીના) અધિકારીઓની યાદી તૈયાર કરી, તેમના વિરુદ્ધ દાખલારૂપ કાનૂની પગલાં લેવામાં આવે તેવી લોકશાહી ઢબે માંગ ઉગ્ર બની છે.
’
..............
અધિકારીઓ પણ કાયદાના સકંજામાં : સરકારી નિયમો શું કહે છે?
નબળા કામોને લીલી ઝંડી આપનારા ક્લાસ-૧ અને ૨ ના અધિકારીઓ સામે ત્વરિત સસ્પેન્શન અને ફોજદારી ગુનો નોંધવાની જોગવાઈ
ગાંધીનગરઃ પાટણના સાંતલપુર પાસે કચ્છ બ્રાન્ચ કેનાલમાં પડેલા ૪૦ ફૂટના ગાબડા બાદ માત્ર ઠેકેદારો (કોન્ટ્રાક્ટર્સ) જ નહીં, પરંતુ નબળું કામ મંજૂર કરનારા નર્મદા નિગમના જવાબદાર અધિકારીઓ સામે પણ સરકારી નિયમો અનુસાર કડક કાર્યવાહીની માંગ ઉઠી છે. સરકારી નિયમો અને ગુજરાત સિવિલ સર્વિસીસ રૂલ્સ મુજબ, જાહેર જનતાના નાણાંનો દુરુપયોગ થવા દેવો કે નબળા કામને બહાલી આપવી એ ગંભીર કાનૂની ગુનો બને છે. આવા કિસ્સાઓમાં જવાબદાર અધિકારીઓ સામે કયા સરકારી નિયમો હેઠળ કાયદાકીય સકંજો કસાઈ શકે છે, તેની જો વાત માંડીએ તો :૧. ગુજરાત સિવિલ સર્વિસીસ (કંડક્ટ) રૂલ્સ :“આ નિયમ અનુસાર, દરેક સરકારી કર્મચારી અને અધિકારીએ પોતાની ફરજ દરમિયાન સંપૂર્ણ પ્રમાણિકતા અને કર્તવ્યનિષ્ઠા જાળવવી ફરજિયાત છે. જો કોઈ સુપરવાઈઝર, આસિસ્ટન્ટ એન્જિનિયર કે એક્ઝિક્યુટિવ એન્જિનિયર કેનાલની નબળી ગુણવત્તા જાણવા છતાં તેને લીલી ઝંડી આપે, તો તે આ નિયમનો સીધો ભંગ ગણાય છે. આ અંતર્ગત અધિકારીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ (મોકૂફ) કરી શકાય છે.૨. વિજિલન્સ કમિશન (સતર્કતા આયોગ) અને ખાતાકીય તપાસ :“સરકારી બાંધકામમાં જ્યારે પણ ગુણવત્તાનો પ્રશ્ન ઊભો થાય ત્યારે વિજિલન્સ તપાસ સોંપવામાં આવે છે.મેઝરમેન્ટ બુક માં ખોટી નોંધઃ જો અધિકારીએ સ્થળ તપાસ કર્યા વિના જ કાગળ પર કામ મંજૂર કરીને ઠેકેદારના બિલ પાસ કર્યા હોય, તો તે મેજર ગેરરીતિ ગણાય છે.આવા કિસ્સામાં અધિકારીના ખાતાકીય પ્રમોશન રોકવા, પેન્શનમાં કાપ મૂકવો અથવા તેમને નોકરીમાંથી બરતરફ કરવા સુધીની કડક જોગવાઈ છે.૩. ભારતીય ન્યાય સંહિતા હેઠળ ફોજદારી ગુનો :“કેનાલ તૂટવાને કારણે જો જાનમાલનું નુકસાન થાય કે જાહેર સંપત્તિને ભારે નુકસાન પહોંચે, તો ભ્રષ્ટ અધિકારીઓ સામે માત્ર ખાતાકીય પગલાં જ નહીં, પરંતુ ફોજદારી ગુનો પણ બને છે.ગુનાહિત ષડયંત્ર અને વિશ્વાસઘાતઃ ઠેકેદાર સાથે મિલીભગત કરીને કટકી લેવાના મામલે અધિકારીઓ સામે સરકાર અને જનતા સાથે વિશ્વાસઘાત કરવા બદલ ગુનાહિત કાવતરાની કલમો હેઠળ ગુનો નોંધી જેલભેગા કરી શકાય છે. રિકવરી ઓફ લોસ (નુકસાનીની વસૂલાત)ઃ સરકારી નિયમો મુજબ, ભ્રષ્ટાચારને કારણે સરકારને થયેલા આર્થિક નુકસાનની વસૂલાત જવાબદાર એન્જિનિયરો અને અધિકારીઓની અંગત મિલકતો કે પગાર-ભથ્થામાંથી કરવાની પણ કાનૂની જોગવાઈ છે.
૪. નાણાકીય નિયમોનો ભંગઃ“સરકારના ફાઇનાન્સિયલ રૂલ્સ મુજબ, કોઈપણ જાહેર કામનું પેમેન્ટ કરતાં પહેલાં ક્વોલિટી કંટ્રોલ સર્ટિફિકેટ અનિવાર્ય છે. જો તૂટેલી કેનાલના કામનું સર્ટિફિકેટ જે તે સમયના કયા ઇન્સ્પેક્શન અધિકારીએ આપ્યું અને કોની સહીથી બિલ મંજૂર થયા, તે તમામ સહી કરનારા અધિકારીઓ આર્થિક કૌભાંડના સહ-આરોપી બને છે.

Comments