Trending News
સ્થાનિક સમાચાર

વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ જ કારકિર્દીની સફળતાનો પાયો : પૂજ્ય સ્વામીજી

13 July


સફળ કારકિર્દી સાથે રાષ્ટ્રસેવાઃ મહેનતની સાથે માતા-પિતા, ગુરુ અને ઈશ્વરના આશીર્વાદ જ સાચી માસ્ટર કી : ફિનિક્સ સાયન્સ એકેડમી ભુજ દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે સંયુક્ત સેમિનાર

ભુજ - કચ્છઉદય : ફિનિક્સ સાયન્સ એકેડમી ભુજ દ્વારા કચ્છમાં સૌ પ્રથમ વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે સંયુક્ત સેમિનાર “કર્મણ્યેવાધિકારસ્તે” માસ્ટર કી ટુ સક્સેસફુલ લાઈફ નામે યોજાયો હતો. કાર્યક્રમનો પ્રારંભ પૂજ્ય પ્રદીપ્તાનંદ સરસ્વતીજી, આર્ષ અધ્યયન કેન્દ્રના ટ્રસ્ટીઓ કિરણભાઈ ગણાત્રા અને ગુલાબભાઈ ગજ્જર તથા ફિનિક્સ એકેડમીના શ્રી પોલરા, કમલભાઈ ગોર, શ્રી ભમર, શ્રી પાર્થ અને શ્રી યશ સહિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યું હતું. સ્વાગત નૃત્ય પ્રિયલ ઠકકર અને કેશવી સોલંકી દ્વારા ‘ભો શંભો’ સ્તુતિ સાથે પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. 
ભુજના ટાઉનહોલ ખાતે પ્રદીપ્તાનંદ સરસ્વતીજીએ જણાવ્યું કે, શૈક્ષણિક સત્રની શરૂઆતમાં જ વિદ્યાર્થીએ બાબત સ્પષ્ટ હોય કે મારા નિષ્ઠાપૂર્વકના અને સાતત્યપૂર્વકના અભ્યાસથી મારી કારકિર્દી અને સંકલ્પોની સિદ્ધિ થશે પણ સાથે માતા-પિતા, ગુરૂજનો, સમાજના અને રાષ્ટ્રના સંકલ્પો પણ સિદ્ધ થશે અને રાષ્ટ્રસેવામાં એક સફળ કારકિર્દી સાથેનું જીવન હું ભેટ ધરી શકીશ. સ્વામીજીએ કહ્યું કે, વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ એ કારકિર્દીની સફળતાનો પાયો છે અને સંકલ્પની પૂર્તિ માટે દૈનિક અભ્યાસનું આયોજન અને અમલ સાતત્યપૂર્ણ કરીને વિદ્યાર્થી પોતાનો ‘સ્વધર્મ’ એટલે કે અત્યારે જે કરવા જેવું છે તે ‘અભ્યાસ’ ગમતો કરી શકે, પરિણામ તો સારું આવશે જ, તેની બહુ ચિંતા કરવી નહિ, ધ્યાન અભ્યાસ તરફ જ રાખવું જોઈએ તેમ હ્યું હતું. 
પૂજ્ય સ્વામીજીએ ધોરણ ૧૦ અને ૧૨ ના અભ્યાસના મહત્વના વર્ષમાં શરીરનું સ્વાસ્થ્ય બરાબર જળવાય તે માટે કસરત, ખોરાક, ઊંઘ, યોગાસન તથા મેડીટેશનનું મહત્વ પણ જણાવ્યું હતું. સાથોસાથ એ પણ જણાવ્યું હતું કે સ્થૂળ જગતની મહેનતની સાથે સૂક્ષ્મ જગતમાંથી માતા-પિતા, ગુરૂજનો અને ઈશ્વરના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે માતા - પિતા અને ગુરૂજનો પ્રત્યેનો પૂજ્યભાવ અને ઈશ્વરને પ્રાર્થના કરવાથી સફળતા નિશ્ચિત બને છે. સાથે સ્વામીજીએ વાલીઓને ટકોર કરતાં જણાવ્યું હતું કે માતા-પિતાએ પોતાના બાળકોની સરખામણી ક્યારેય બીજા સાથે કરવી નહીં.
ફિનિક્સ સાયન્સ એકેડેમીના કમલભાઈ ગોરનું આર્ષ અધ્યયન કેન્દ્રના ટ્રસ્ટીઓએ અભિવાદન કર્યું હતું. વક્તા પૂજ્ય સ્વામીજીનું અભિવાદન એકેડેમીની સમગ્ર ટીમે કર્યું હતું. અંતમાં પ્રશ્નોત્તરીમાં વિદ્યાર્થીઓ અને ઉપસ્થિત વાલીઓએ ભાગ લીધો હતો. 
શિક્ષક કમલેશભાઈ ગોરે જણાવ્યું હતું કે, આજનો વિદ્યાર્થી હોશિયાર છે, પણ એકલો છે, તેની પાસે અદ્યતન પુસ્તકો છે પણ જીવન માટે માર્ગદર્શક નથી. વિદ્યાર્થીએ એ સમજવાની જરૂર છે કે માર્કશીટ જીવન નક્કી નથી કરતી, પરંતુ માઈન્ડસેટ જીવન નક્કી કરે છે. વિદ્યાર્થી માટે માત્ર કારકિર્દી જ નહિ, પણ ચારિત્ર્ય પણ ખુબ અગત્યનું છે. વિદ્યાર્થી માટે શિસ્ત, સખત મહેનત, સંઘર્ષવાળો જે અભ્યાસ માટેનો માર્ગ છે, તે શરૂઆતમાં કઠિન લાગે છે, પણ સફળતા તરફ પણ એ જ માર્ગ લઇ જશે. 
પ્રસંગ પરિચય આપી પ્રશ્નોત્તરી અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન શિક્ષણવિદ  સ્નેહલભાઇ વૈદ્યએ કર્યું હતું. આભારવિધિ ફિનિક્સ સાયન્સ એકેડેમીના કમલભાઈ ગોર કરી હતી. અંતે સર્વે વિદ્યાર્થીઓને સ્વામીજીએ દરેક વિદ્યાર્થીઓને આશીર્વાદ અને ભેટ આપી હતી.
અત્રે નોંધનીય છે કે,  સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતીજી વર્ષોથી ભારતીય સંસ્કૃતિ, ગીતાજીના જ્ઞાન અને મૂલ્યનિષ્ઠ શિક્ષણના પ્રસાર માટે અવિરત કાર્યરત છે. માત્ર આધ્યાત્મિકતા જ નહીં, પરંતુ આજના આધુનિક યુગમાં વિદ્યાર્થીઓ માનસિક તણાવ મુક્ત બની, સખત પરિશ્રમ અને સાતત્યપૂર્ણ અભ્યાસ દ્વારા રાષ્ટ્રનિર્માણમાં પોતાનું યોગદાન આપી શકે તે માટે તેઓ સતત માર્ગદર્શન પૂરું પાડે છે. ગહન વિષયોને પણ એકદમ સરળ, વ્યવહારુ અને પ્રેરણાદાયી શૈલીમાં રજૂ કરવાની તેમની કળા વાલીઓ અને વિદ્યાર્થીઓ બંનેના હૃદયને સ્પર્શી જાય છે.
------ 

Comments

COMMENT / REPLY FROM