કચ્છ જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓના નવનિયુક્ત ચેરમેનોનું ‘કચ્છ કમલમ’ ખાતે ભવ્ય સ્વાગત
ભુજ - કચ્છઉદય : કચ્છ જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓના ચેરમેનોની સોમવારે વિધિવત વરણી કરવામાં આવી હતી. આ તમામ નવનિયુક્ત સમિતિના ચેરમેનશ્રીઓએ પોતપોતાનો હોદ્દો અને કાર્યભાર સંભાળ્યા બાદ ભુજ સ્થિત કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મધ્યસ્થ કાર્યાલય ‘કચ્છ કમલમ’ની મુલાકાત લીધી હતી. પંચાયતના નવા સુકાનીઓ કાર્યાલયે પહોંચતા જ પક્ષના હોદ્દેદારો અને કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
‘કચ્છ કમલમ’ ખાતે કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ અને અન્ય વરિષ્ઠ પદાધિકારીઓ દ્વારા તમામ નવનિયુક્ત ચેરમેનશ્રીઓનું પુષ્પગુચ્છ અને ખેસ પહેરાવીને ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જિલ્લા પ્રમુખે તમામ હોદ્દેદારોને નવી જવાબદારી બદલ અભિનંદન પાઠવીને પંચાયતની લોકાભિમુખ કામગીરીને વધુ વેગવંતી બનાવવા માટે માર્ગદર્શન આપ્યું હતું.
આ પ્રસંગે નવનિયુક્ત પદાધિકારીઓએ પક્ષના મોવડીમંડળ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. તેમણે પોતાનામાં વિશ્વાસ મૂકવા બદલ જિલ્લા ભાજપ તેમજ પ્રદેશ ભાજપ સંગઠનનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. આ સાથે જ તમામ ચેરમેનશ્રીઓએ કચ્છ જિલ્લાના છેવાડાના માનવી સુધી સરકારી યોજનાઓના લાભો પહોંચાડવા અને જિલ્લાના સર્વાંગી વિકાસ માટે સતત કાર્યરત અને પ્રયત્નશીલ રહેવાની મક્કમ ખાતરી આપી હતી.
-------

Comments