Trending News
સ્થાનિક સમાચાર

કચ્છમાં મોટા દસ્તાવેજી ખેલ : અંજાર આરટીઓ શંકાના દાયરામાં ગુનાહિત વાહનનું બેનામીકરણ : મુળ માલિકને બચાવવાનો કારસો?

13 July



તપાસનો કેન્દ્રબિંદુ માત્ર બનાવટી સહી સુધી મર્યાદિત નહીં રહી, પરંતુ દારૂના મોટા કેસ સાથે જોડાયેલા તમામ દસ્તાવેજી સગડ, વાહનની મૂળ માલિકી, ટ્રાન્સફર પ્રક્રિયામાં સામેલ મધ્યસ્થીઓ અને કચેરીય ભૂમિકા સુધી પહોંચે તે જરૂરી બની ગયું

નિર્દોષ શ્રમિકના નામે ડમ્પર ટ્રાન્સફર કરી દારૂના કેસમાં ફસાવવાના કૌભાંડના ખુલાસા વખતે સુચક ઈશારો 

ખાટલે મોટી ખોટ :  ડમ્પરના મુળ માલીકને બચાવવા પાછળનો ખોટુ કરનાર ટોળકીનો ઈરાદો શું હતો? દારૂના મોટા પ્રકરણમાં ઝડપાયેલ વાહનનું બેનામી કરણ કરી અને કઈ મોટી સિન્ડીકેટને બચાવવાનો રચાયો હતો પેંતરો? અંજાર આરટીઓમાં આ રીતે બની બેઠેલા એજન્ટ દ્વારા અગાઉ કેટકેટલી વખત અન્ય આવા ગુનાહિત કૃત્યોને કોની કોની મદદગારીથી અંજામ અપાયો? તેની કેમ તપાસ કરવામાં ન આવે..?



ગાંધીધામ - કચ્છઉદય : અંજાર તાલુકાના સિનુગ્રા ગામમાં એક ચોંકાવનારો દસ્તાવેજી ગોટાળો બહાર આવ્યો છે, જેમાં એક નિર્દોષ શ્રમિકની જાણ બહાર તેના નામે ડમ્પર વાહન ટ્રાન્સફર કરી દેવામાં આવ્યું હોવાનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે. સમગ્ર પ્રકરણને વધુ ગંભીર બનાવતી બાબત એ છે કે આ જ ડમ્પર અગાઉ લાખો રૂપિયાના દારૂ સાથે પકડાયેલા મોટા પ્રકરણમાં સંડોવાયેલું હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. એટલે હવે સવાલ માત્ર દસ્તાવેજી છેતરપિંડીનો જ નથી, પરંતુ શું દારૂના ગુનામાં સપડાયેલા વાહનને બચાવવા અથવા મૂળ માલિકી છુપાવવા માટે નિર્દોષ વ્યક્તિના નામનો ઉપયોગ કરવામાં આવ્યો હતો કે કેમ તે દિશામાં પણ તપાસ તેજ બની છે.મળતી વિગતો મુજબ, સિનુગ્રા ગામના જૂનાવાસ વિસ્તારમાં રહેતા અને ભારે વાહનોમાં કવર ફિટિંગનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા વ્યકિતને અચાનક ટપાલ મારફતે ડમ્પર વાહનની આર.સી. બુક મળી હતી. પોતાના નામે આવી આર.સી. આવતા તેઓ અને પરિવારજનો ચોંકી ઉઠ્યા હતા, કારણ કે હનિફ કકલએ ક્યારેય કોઈ ડમ્પર ખરીદ્યું નહોતું અને પોતાના નામે વાહન ટ્રાન્સફર કરાવ્યું પણ નહોતું. દસ્તાવેજોની તપાસ કરતાં જીજે-૧૨-એટી-૯૮૮૦ નંબરનું ડમ્પર તેમના નામે નોંધાયેલું હોવાનું સામે આવ્યું હતું.આ ઘટના સામે આવતા નિદોર્ષ શ્રમિકે પોલીસ તથા એલસીબીનો સંપર્ક કર્યો હતો. પ્રાથમિક ચકાસણીમાં જે હકીકત બહાર આવી તે વધુ ચોંકાવનારી હતી. તપાસમાં જાણવા મળ્યું કે ફરિયાદીના નામે ચઢાવાયેલું આ જ ડમ્પર અગાઉ દૂધઈ પોલીસ મથક વિસ્તારમાં મોટા દારૂના જથ્થા સાથે ઝડપાયું હતું. એટલે હવે સમગ્ર મામલો માત્ર ખોટી સહી કરીને વાહન ટ્રાન્સફર કરાવવાનો જ રહ્યો નથી, પરંતુ દારૂના ગંભીર ગુનામાં સપડાયેલા વાહનનું ‘બેનામીકરણ’ કરીને કાનૂની જવાબદારી કોઈ નિર્દોષ શ્રમિકના માથે ધકેલવાનો પ્રયાસ થયો હતો કે કેમ તેવો સશક્ત સવાલ ઉભો થયો છે. પોલીસ તપાસ મુજબ, આ ડમ્પર મૂળ ઝરપરા ગામના સવરાજ સામત લાખાણીની માલિકીનું હોવાનું સામે આવ્યું છે. જોકે ફરિયાદીની જાણ અને સંમતિ વિના જ ટ્રાન્સફર સંબંધિત ફોર્મમાં તેની ખોટી સહીઓ કરી કાગળો અંજાર આરટીઓ કચેરીમાં રજૂ કરવામાં આવ્યા હતા. આ દસ્તાવેજી ગોટાળામાં દબડા વિસ્તારના રાજેશ આહીર તથા આરટીઓ એજન્ટ તરીકે કામ કરતા રાહુલ રામજી આહીર ઉર્ફે મકવાણાનું નામ સામે આવ્યું હોવાનું જાણવા મળે છે. પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને પ્રાથમિક તબક્કે રાહુલ મકવાણાની ધરપકડ કરવામાં આવી હોવાનું તપાસ અધિકારી પી.એસ.આઈ. સી.એમ. ચૌધરીએ જણાવ્યું હતું. આ સમગ્ર બનાવે અંજાર આરટીઓ કચેરીની ટ્રાન્સફર પ્રક્રિયા સામે પણ ગંભીર સવાલો ઊભા કર્યા છે. કોઈ વ્યક્તિની હાજરી, ઓળખ ચકાસણી, સહીની ખરાઈ અને જરૂરી દસ્તાવેજોની કડક ચકાસણી વગર જો આ પ્રકારનું વાહન ટ્રાન્સફર થઈ શકે, તો એ માત્ર એક વ્યક્તિ સાથેની છેતરપિંડી નથી, પરંતુ સમગ્ર તંત્રની વિશ્વસનીયતા પર પ્રશ્નચિહ્ન મૂકે છે. હવે તપાસ એ દિશામાં પણ આગળ વધી રહી છે કે ટ્રાન્સફરની કાર્યવાહી દરમિયાન અન્ય કોઈ વ્યક્તિઓ અથવા કચેરીના કર્મચારીઓની ભૂમિકા હતી કે નહીં.


...............

આ કેસથી હવે અનેક ગંભીર પ્રશ્નો ઉભા થયા છે!

ગાંધીધામ : એક તરફ દારૂના મોટા ગુનામાં પકડાયેલું ડમ્પર અને બીજી તરફ નિર્દોષ શ્રમિકના નામે તેની માલિકી ચઢાવવાનો આરોપ  આ બન્ને બાબતો જોડાતા સમગ્ર મામલો સામાન્ય છેતરપિંડીથી ઘણો મોટો બની ગયો છે. કચ્છમાં દારૂની હેરાફેરી, વાહનોના ઉપયોગ અને પછી દસ્તાવેજી ખેલ દ્વારા જવાબદારી ખસેડવાના સંકેતો વચ્ચે આ કેસ હવે અનેક ગંભીર પ્રશ્નો ઉભા કરી રહ્યો છે. 
પોલીસ તપાસ આગળ વધતા હજુ વધુ ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા નકારી શકાય તેમ નથી.


..........

આ પ્રકરણમાં સૌથી ગંભીર મુદ્દો એ છે કે..,

ગાંધીધામ : આ પ્રકરણમાં સૌથી ગંભીર મુદ્દો એ છે કે દારૂના કેસમાં સપડાયેલા વાહનનો ટ્રાન્સફર જો ખરેખર ખોટા દસ્તાવેજોના આધારે કરવામાં આવ્યો હોય, તો તેનો સીધો અર્થ એ થાય કે ગુનામાં વપરાયેલા વાહનનો કાનૂની ટ્રેક બદલીને મૂળ જવાબદારોને બચાવવાનો પ્રયાસ થયો હોઈ શકે. એક સામાન્ય શ્રમિકના નામે વાહન ચઢાવી દેવાથી ભવિષ્યમાં પોલીસ, કોર્ટ કે કાનૂની કાર્યવાહીનો બોજ તેના માથે આવી શકે એવો ખતરો ઊભો થયો હતો. એટલે હવે તપાસનો કેન્દ્રબિંદુ માત્ર બનાવટી સહી સુધી મર્યાદિત નહીં રહી, પરંતુ દારૂના મોટા કેસ સાથે જોડાયેલા તમામ દસ્તાવેજી સગડ, વાહનની મૂળ માલિકી, ટ્રાન્સફર પ્રક્રિયામાં સામેલ મધ્યસ્થીઓ અને કચેરીય ભૂમિકા સુધી પહોંચે તે જરૂરી બની ગયું છે.


 

Comments

COMMENT / REPLY FROM