કચ્છ બ્રાન્ચ મુખ્ય કેનાલમાં ૪૦ ફૂટનું ગાબડું પડતાં લાખો ગેલન પાણીનો વેડફાટ
કરોડો રૂપિયાના મેન્ટેનન્સના દાવા પોકળ સાબિત થયા : પાણીના ભારે પ્રવાહમાં દીવાલો ધરાશાયી થતાં ખેડૂતોમાં ભારે ચિંતા અને આક્રોશનો માહોલ
ભુજ - કચ્છઉદય : પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકા અંતર્ગત આવતા ઝઝામ ગામ નજીકથી પસાર થતી નર્મદા નિગમની મુખ્ય કચ્છ બ્રાન્ચ કેનાલમાં મોડી રાત્રે અચાનક ૪૦ ફૂટ જેટલું ભયાનક ગાબડું પડવાની ગંભીર ઘટના સામે આવી છે. નર્મદા યોજનાની આ મુખ્ય નહેરોના નિર્માણમાં થયેલી વ્યાપક ગેરરીતિઓ ફરી એકવાર છતી થઈ છે. કેનાલમાંથી પાણીનો પ્રવાહ સંપૂર્ણ વેગ સાથે વહી રહ્યો હતો, તે દરમિયાન તેની નબળી અને ક્ષતિગ્રસ્ત દીવાલો પાણીનું સામાન્ય દબાણ પણ જીરવી શકી નહોતી અને જોતજોતામાં નહેરનું મસમોટું કોંક્રિટનું માળખું પત્તાના મહેલની જેમ તૂટી પડ્યું હતું.આ દુર્ઘટનાને કારણે નહેરમાંથી લાખો ગેલન કિંમતી પાણી વહી ગયું હતું અને આસપાસના નીચાણવાળા વિસ્તારો તેમજ ખેતરોમાં ફરી વળ્યું હતું. સરહદી કચ્છ જિલ્લા માટે જીવાદોરી સમાન ગણાતી આ મુખ્ય કેનાલ તૂટવાને કારણે કચ્છ તરફ જતા પાણીના પુરવઠાને મોટી અસર થવાની ભીતિ સેવાઈ રહી છે, જેને પગલે કચ્છના ખેડૂતોમાં ઊંડી ચિંતા વ્યાપી ગઈ છે. સ્થાનિક રહીશો અને ખેડૂતોના જણાવ્યા અનુસાર, સરકાર દ્વારા દર વર્ષે આ કેનાલોની મરામત અને લાઇનિંગ પાછળ કરોડો રૂપિયાનો ધુમાડો કરવામાં આવે છે. આમ છતાં ચોમાસાની શરૂઆતમાં અથવા તો પાણીના સામાન્ય પ્રવાહમાં પણ દીવાલો ધસી પડે છે, જે સાબિત કરે છે કે રિપેરિંગની કામગીરીમાં માત્ર કાગળ પર જ મોટા ખર્ચાઓ બતાવીને ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે.
આ ઘટનાની જાણ થતાં જ આસપાસના ગ્રામીણ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં જગતના તાત ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તંત્રની લાપરવાહી સામે ઉગ્ર સૂત્રોચ્ચાર કરીને પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો. ખેડૂતોએ સીધો આક્ષેપ કર્યો છે કે નબળી ગુણવત્તાનું મટીરિયલ વાપરનાર કોન્ટ્રાક્ટર અને ભ્રષ્ટ અધિકારીઓની મિલીભગતને કારણે જનતાના પરસેવાની કમાણીના કરોડો રૂપિયા પાણીમાં વહી રહ્યા છે. આક્રોશિત ખેડૂતોએ માંગ કરી છે કે બેજવાબદાર કોન્ટ્રાક્ટરનું લાઇસન્સ તાકીદે રદ કરી તેની સામે કડક કાયદાકીય પગલાં ભરવામાં આવે. આ સાથે જ, કચ્છ જિલ્લાના હિતને ધ્યાનમાં રાખીને આગળ જતાં કેનાલમાં આવા અન્ય કોઈ મોટા ભંગાણ ન સર્જાય તે માટે સમગ્ર કચ્છ બ્રાન્ચ કેનાલની ટેકનિકલ તપાસ અને સુરક્ષા સર્વેક્ષણ યુદ્ધના ધોરણે કરવામાં આવે તેવી વ્યાપક માંગ ઉઠી છે.

Comments