Trending News
સ્થાનિક સમાચાર

પૂર્વ કચ્છમાં કાયદો-વ્યવસ્થાના ધજાગરા  ગાંધીધામમાં બુકાનીધારીઓના સશસ્ત્ર આતંક ટાંકણે લાલબત્તી : માળીયાથી આવેલા શિરજોર તત્વોએ મચાવ્યો હાહાકાર

13 July



દિનદહાડે કોઈના ઘરમાં ઘૂસી તોડફોડ-લૂંટ ચલાવી મહિલા પર કર્યો જીવલેણ હુમલો : કાયદાના રક્ષકો સામે ગંભીર સવાલોઃ પોલીસની ધાક ઓસરી ગઈ હોવાનો પ્રજામાં પ્રચંડ આક્રોશ 


આવા માથાભારે લુંટારૂઓ-હુમલાખોરોના તો પોલીસે સરઘસ કાઢવા જોઈએ, આતંક મચાવનારની ગાંધીધામની પોલીસ કેવી અવદશા કરે છે તેથી લોકો અવગત કરાવવા જોઈએ, એટલુ માત્ર જ નહી પણ માળીયા-મોરબીવાળા શખ્સોના તો ફોટા-વીડીયો એ વિસ્તારના મીડીયા જગતને પણ સામેથી આપવા જોઈએ, જેથી તયાં પણ આવા તત્વોની બકરી ડબ્બામાં અને પુછડી બહાર આવેલી સ્થિતી દેખાય




ગાંધીધામ - કચ્છઉદય : પૂર્વ કચ્છના ઔદ્યોગિક પાટનગર ગણાતા ગાંધીધામ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સંપૂર્ણપણે કથળી ગઈ હોય અને ગુનેગારોને ખાખીનો કોઈ ખોફ જ ન રહ્યો હોય તેવી વધુ એક ચોંકાવનારી અને લોહીઉકાળનારી ઘટના સામે આવી છે. ગાંધીધામમાં ધોળા દિવસે ઇકો કારમાં ધસી આવેલા માળિયા પંથક સહિતના આઠ જેટલા હથિયારધારી બુકાનીધારીઓએ એક રહીશના ઘરમાં ઘૂસીને રીતસરનો આતંક મચાવ્યો હતો. આ માથાભારે તત્વોએ ઘરમાં તોડફોડ કરી, લૂંટ ચલાવી અને ઘરની મહિલાઓ પર પણ ઘાતક હુમલો કરતા સમગ્ર પંથકમાં ભારે સનસનાટી મચી ગઈ છે. આ શરમજનક ઘટના અંગે ફરિયાદ નોંધાતા પોલીસની કામગીરી સામે મોટા સવાલો ઊભા થયા છે. પૂર્વ કચ્છ ઐદ્યોગીક પંથક છે અહી વિવિધ પ્રતિષ્ઠતી ઉદ્યોગો પણ કાર્યરત છે. આવી રીતે જો માળીયા જેવા વિસ્તારમાથી બુકાની ધારીઓ હથિયારો સાથે તુટી પડી અને કોઈના ઘરમાં રહેલા મહીલાઓ પર પણ હુમલો કરતા ન અચકાય તો આવનારા સમયમાં આ સંકુલમાં આવા માથાભારે તત્વો કાયદાના કેવા કેવા ધજાગરા ઉડાળશે? પોલીસતંત્ર ન માત્ર આ ઘટનાક્રમમાં માથાભારે શખ્સોને ઝડપથી પકડવા જોઈએ બલ્કે આવા તત્વોની શાન ઠેકાણે આવે તે રીતે કાયદાની મર્યાદામાં કડક રીતે નશયત પણ કરવા જોઈએ તે જ સમયની માંગ બની રહી છે. 



..............................

પોલીસતંત્ર આ તમામ કડક કલમો કરે લાગુ

ગાંધીધામમાં બુકાનીધારીઓ દ્વારા ઘરમાં ઘૂસીને તોડફોડ, લૂંટ અને મહિલા પર હુમલો કરવાની આ ગંભીર ઘટનામાં આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ હેઠળ  કડક કલમો લગાડીને કાયદાકીય કાર્યવાહી થઈ શકે તેમ છે :મ્દ્ગજી (ભારતીય ન્યાય સંહિતા) ની લાગુ પડતી મુખ્ય કલમોઃકલમ ૩૧૦(૨) - સશસ્ત્ર લૂંટ :ઘાતક હથિયારો સાથે આવીને ઘરમાં લૂંટ ચલાવવાના ગુનામાં આ કલમ લાગુ પડે છે, જેમાં કડક સજાની જોગવાઈ છે.કલમ ૩૨૯(૩) - ઘરફોડી અને અનધિકૃત પ્રવેશ :ઈજા પહોંચાડવા, હુમલો કરવા કે લૂંટ કરવાના ઈરાદા સાથે પૂર્વ તૈયારી કરીને કોઈના ઘરમાં ગેરકાયદેસર ઘૂસવા બદલ આ કલમ હેઠળ ગુનો બને છે. કલમ ૧૧૫ અને ૧૧૭ - સ્વેચ્છાએ મહાવ્યથા કે ઈજા પહોંચાડવીઃઘરમાં હાજર લોકો અને ખાસ કરીને મહિલા પર ઘાતક હથિયારોથી હુમલો કરી ઈજા પહોંચાડવા બદલ આ કલમ હેઠળ ગુનો દાખલ થાય.કલમ ૭૪ - મહિલાની ગરિમાને ઠેસ પહોંચાડવી કે હુમલો કરવો : હુમલા દરમિયાન ઘરની મહિલાઓ પર બળપ્રયોગ કરવા અને તેમની ગરિમાને નુકસાન પહોંચાડવાના ગુના હેઠળ આ કલમ ઉમેરાય છે.કલમ ૩૨૪ - તોડફોડ અને મિલકતને નુકસાન : ઘરમાં ઘૂસીને મોટા પાયે આર્થિક નુકસાન અને કિંમતી સામાનની તોડફોડ કરવા બદલ આ કલમ લાગુ પડે છે.કલમ ૧૮૯ - ગેરકાયદે મંડળી રચવી અને રાયોટિંગ :આઠ જેટલા લોકોએ પૂર્વ આયોજિત કાવતરું રચી, ટોળું બનાવીને આતંક મચાવ્યો હોવાથી હિંસા ફેલાવવાનો ગુનો બને છે.કલમ ૬૧ - ગુનાહિત કાવતરું  : માળિયાથી ગાંધીધામ સુધી ઈકો કારમાં હથિયારો સાથે આવવું એ સ્પષ્ટ કરે છે કે આ આખો હુમલો પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે કરાયો હતો. આર્મ્સ એક્ટ (હથિયાર ધારો) કલમ ૨૫ : જાહેરમાં તીક્ષ્ણ અને ગેરકાયદેસર ઘાતક હથિયારો પ્રદર્શિત કરવા અને તેનો ગુનાહિત ઉપયોગ કરવા બદલ આ એક્ટ હેઠળ અલગથી ગુનો નોંધાય છે. 


.........................

ગણેશનગરમાં ઘૂસી સશસ્ત્ર લૂંટનો ભેદ ઉકેલાયોઃ ૭ આરોપી ઝડપાયા, ચાર હજુ ફરાર


જૂની અદાવતમાં રચાયું હતું હુમલાનું કાવતરું; ધોકા-છરી સાથે ત્રાટકેલી ટોળકીના કુલ 
૧૧ શખ્સોનાં નામ ખુલ્યાં


ગાંધીધામ બી-ડિવિઝનના ૈઁં એસ.વી. ગોજીયા અને ટીમની કાર્યવાહી; હુમલામાં વપરાયેલી 
ઇકો કાર અને બાઇક પણ રિકવર



પકડાયેલા આરોપીઓ
૧. હુશેન ઈકબાલ ભટ્ટી (ઉ.વ.૩૧), રહે. મોવર શેરી, દરબારગઢ પાછળ, માળિયા મિયાણા, જી. મોરબી
૨. ફારૂક દિલાવર ઝેડા (ઉ.વ.૩૫), રહે. સરકારી હોસ્પિટલની બાજુમાં, માળિયા મિયાણા, જી. મોરબી
૩. ઇબ્રાહીમ મુસ્તાકભાઈ કાજડીયા (ઉ.વ.૧૯), રહે. સરકારી હોસ્પિટલ પાછળ, માળિયા મિયાણા, જી. મોરબી
૪. લતીફ હૈદરભાઈ કાજેડીયા (ઉ.વ.૩૨), રહે. સરકારી હોસ્પિટલની બાજુમાં, માળિયા મિયાણા, જી. મોરબી
૫. સાહિલ અબ્દુલભાઈ મોવર (ઉ.વ.૧૯), રહે. વાડા વિસ્તાર, જામનગર રોડ, માળિયા મિયાણા, જી. મોરબી
૬. મેરાજઅલી રમજાનઅલી (ઉ.વ.૨૬), રહે. રેલવે ઝૂંપડપટ્ટી, કંડલા; મૂળ રહે. કુશીનગર, ઉત્તર પ્રદેશ
૭. નિઝામુદીન ઇસરાયલ મોહમ્મદ અંસારી (ઉ.વ.૨૨), રહે. રેલવે ઝૂંપડપટ્ટી, કંડલા; મૂળ રહે. દેવરિયા, ઉત્તર પ્રદેશ



પકડવાના બાકી આરોપીઓ
૧. આદમ અબ્દુલ જામ, રહે. કંડલા, તા. ગાંધીધામ૨. સદામ કરીમ ઝેડા, રહે. શિકારપુર, તા. ભચાઉ ૩. સિકંદર મુસ્તાક કાજડીયા, રહે. માળિયા મિયાણા, જી. મોરબી ૪. આર્યન રમજાન મોવર, રહે. માળિયા મિયાણા, જી. મોરબી


ગાંધીધામઃ ગાંધીધામના ગણેશનગર વિસ્તારમાં ધોકા અને છરી જેવાં હથિયારો સાથે ઘરમાં ઘૂસી તોડફોડ, મારામારી અને રૂ.૯૨ હજારની લૂંટ ચલાવવાના ચકચારી કેસનો ગાંધીધામ બી-ડિવિઝન પોલીસે ભેદ ઉકેલી સાત આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં હુમલા પાછળ જૂની અદાવત કારણભૂત હોવાનું સામે આવ્યું છે. હુમલામાં કુલ ૧૧ શખ્સોની સંડોવણી ખૂલતાં મુખ્ય આરોપીઓ સહિત ચાર ફરાર શખ્સોને ઝડપી પાડવા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. પોલીસે હુમલામાં ઉપયોગમાં લેવાયેલી ઇકો કાર અને બાઇક પણ રિકવર કરી છે.ગાંધીધામના સેક્ટર-૦૬ સ્થિત ગણેશનગરમાં રહેતાં ચેતનાબેન ગોવિંદભાઈ ચંદે (મહેશ્વરી)ના ઘરમાં ગત તા.૧૧/૦૭/૨૦૨૬ના બપોરે આશરે ૨ઃ૪૫ વાગ્યે ઇકો કાર અને બે મોટરસાઇકલ પર આવેલા શખ્સો ધોકા તથા છરી સાથે ધસી ગયા હતા. ટોળકીએ ઘરમાં પ્રવેશતાં જ સાહેદ ભાવનાબેનના પગમાં ધોકો મારી ભયનો માહોલ ઊભો કર્યો હતો. ત્યારબાદ હોલમાં રહેલી ટીપોઈ પર ધોકો મારી કાચ તોડી ગાળાગાળી અને તોડફોડ કરી હતી.આરોપીઓએ મંદિરની બાજુમાં આવેલા ખાનામાંથી રૂ.૧૨ હજારની રોકડ લૂંટી હતી. બારી પાસે રાખેલી વાહનોની ચાવીઓ આંચકી લઈ આંગણામાં પેટ્રોલ છાંટી આખું ઘર સળગાવી દેવાની ધમકી પણ આપી હતી. જતાં-જતાં ટોળકી રૂ.૮૦ હજારની કિંમતનું જ્યુપિટર સ્કૂટર બળજબરીથી લૂંટીને નાસી છૂટી હતી. આમ, રોકડ અને સ્કૂટર સહિત કુલ રૂ.૯૨ હજારની લૂંટ ચલાવવામાં આવી હતી. ઘટના બાદ ગાંધીધામ બી-ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.વી. ગોજીયા અને તેમની ટીમે ટેક્નિકલ તથા અન્ય કડીઓના આધારે તપાસ હાથ ધરી હતી. તપાસમાં હુમલો જૂની અદાવતના કારણે પૂર્વઆયોજિત રીતે કરવામાં આવ્યો હોવાનું અને તેમાં કુલ ૧૧ શખ્સોની સંડોવણી હોવાનું સામે આવ્યું હતું. પોલીસે સાત આરોપીઓને ઝડપી પાડવા સાથે હુમલામાં વપરાયેલી ઇકો કાર અને બાઇક રિકવર કરી વધુ તપાસ હાથ ધરી છે. આ મામલે ગાંધીધામ બી-ડિવિઝન પોલીસ મથકે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૧૦(૨), ૩૩૩, ૩૨૬(જી), ૬૨, ૩૫૧(૨), ૧૧૮(૧), ૨૯૬(બી), ૩૨૪(૨) તેમજ જી.પી. એક્ટની કલમ ૧૩૫ હેઠળ ગુનો નોંધાયો છે. ૈઁં એસ.વી. ગોજીયા અને બી-ડિવિઝનની ટીમ દ્વારા ચાર ફરાર આરોપીઓને ઝડપી પાડવા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.




..........................

અસામાજીક તત્વો પર 
પાસા-ગુજસીટોક કરો દાખલ



ગાંધીધામ : આ કેસમાં પોલસ આરોપીઓને પકડી લીધા છે ત્યારે તેમની પાસેથી મુદ્દામાલની રિકવરી કરવી જોઈએ. લૂંટાયેલી રકમ કે દાગીનાની રિકવરી સાથે હુમલામાં વપરાયેલા તીક્ષ્ણ હથિયારો અને વાહન (ઈકો કાર) તાકીદે જપ્ત કરવા. ચાર્જશીટ અને ફાસ્ટ ટ્રેક કોર્ટઃ સમાજમાં દાખલો બેસાડવા માટે આ કેસની તપાસ ચોક્કસ સમયમર્યાદામાં પૂરી કરી, મજબૂત પુરાવા સાથે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવી અને કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવા માંગ કરવી. પૂર્વ કચ્છમાં ભયનો માહોલ દૂર કરવા માટે પકડાયેલા માથાભારે તત્વો જો રીઢા ગુનેગાર હોય, તો તેમની સામે પાસકે ગુજસીટોક જેવા કડક કાયદા હેઠળ કાર્યવાહી કરી જેલભેગા કરવા જોઈએ.


.........................

તીક્ષ્ણ હથિયારો સાથે ત્રાટક્યા માથાભારે તત્વોઃ જાણે કાયદાનું અસ્તિત્વ જ ન હોય!

ગાંધીધામ : પ્રાપ્ત વિગતો અનુસાર, માળિયા વિસ્તારના શિરજોર અને માથાભારે તત્વો ચહેરા પર બુકાની બાંધી, હાથમાં તીક્ષ્ણ અને ઘાતક હથિયારો સાથે ગાંધીધામ જેવા ધમધમતા શહેરમાં ધોળા દિવસે ત્રાટક્યા હતા. અંગત હિસાબો સરભર કરવાના ઈરાદે આવેલા આ ગુંડાઓએ ઘરમાં રહેલા નિર્દોષ પરિવાર પર જીવલેણ હુમલો બોલાવી દીધો હતો. ધોળા દિવસે કોઈના ઘરમાં ઘૂસીને આ પ્રકારે આતંક મચાવવાની હિંમત એ સાબિત કરે છે કે પૂર્વ કચ્છમાં ગુનેગારો બેફામ બન્યા છે અને કાયદાના રક્ષકો સદંતર નિષ્ફળ નીવડ્યા છે.

....................

ઔદ્યોગિક ગઢમાં ભયનો માહોલ : 
સામાન્ય જનતા ક્યાં સુધી ભોગ બનશે?



ગાંધીધામ : પૂર્વ કચ્છ એ માત્ર ગુજરાતનું જ નહીં પરંતુ દેશનું મોટું ઔદ્યોગિક હબ છે. આવા સંવેદનશીલ અને આર્થિક રીતે સધ્ધર વિસ્તારમાં બહારના જિલ્લા કે પંથકમાંથી (માળિયા પટ્ટાથી) ગુનેગારો હથિયારો સાથે આવીને આતંક મચાવી જાય, તે 
પોલીસ તંત્ર માટે લાલબત્તી સમાન છે. છેલ્લા અમુક સમયથી પૂર્વ કચ્છમાં એકપછી એક બની રહેલી ગુનાહિત ઘટનાઓએ સામાન્ય નાગરિકોની ઊંઘ હરામ કરી દીધી છે. જો ગુનાહિત હિસાબ-કિતાબ હોય તો પણ કાયદાકીય માર્ગ અપનાવવાના બદલે, આ રીતે કાયદો હાથમાં લઈને ભયનો માહોલ ઊભો કરનારા તત્વો સામે કેમ હજુ સુધી સખત પગલાં નથી લેવાયા?


...............

પ્રજાજનોના આકરા સવાલો 


ગાંધીધામ : ક્યાં ગઈ કાયદાની ધાક? ધોળા દિવસે રહેણાંક વિસ્તારમાં સશસ્ત્ર લૂંટ અને હુમલો થાય ત્યાં સુધી પોલીસ ક્યાં ઘસઘસાટ ઊંઘતી હતી?પોલીસનો સિક્યુરિટી ગ્રાફ ક્યાં છે? માળિયાથી ઇકો કારમાં હથિયારધારી ગુંડાઓ ગાંધીધામ સુધી પહોંચી ગયા અને ચેકપોસ્ટ પર કોઈને ગંધ પણ ન આવી?માસૂમોની સુરક્ષા કોના ભરોસે? : ઘરમાં ઘૂસીને મહિલાઓ પર હાથ ઉપાડનારા આ નરાધમોને ક્યારે કાયદાના સકંજામાં ફીટ કરાશે? કડક નશ્યત વહેલી તકે અનિવાર્ય : આ ઘટનાએ ગાંધીધામની પ્રજાને આંચકો આપ્યો છે. સ્થાનિક લોકોમાં એવો ગણગણાટ છે કે જો આવા તત્વોને તાત્કાલિક ધોરણે કડક હાથે ડામી દેવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં પૂર્વ કચ્છ ગુનેગારોનું મોકળું મેદાન બની જશે. ઉચ્ચ પોલીસ અધિકારીઓ આ મામલાને ગંભીરતાથી લઈ, આ તમામ આઠેય બુકાનીધારીઓ અને તેમના આકાઓને જેલના સળિયા પાછળ ધકેલી એવી સખત નશ્યત કરે જે દાખલારૂપ બને, તેવી લોકમાંગ પ્રબળ બની છે.

 

Comments

COMMENT / REPLY FROM