સામખિયાળીની રૂ. ૯.૪૦ લાખની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
ઘરની વહુએ જ રચ્યું કાવતરું, મુંબઈથી આરોપી ઝડપાયો; રૂ. ૬.૮૯ લાખનો મુદ્દામાલ કબજે
ગાંધીધામ,ઃ પૂર્વ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે સામખિયાળી વિસ્તારમાં થયેલી રૂ. ૯.૪૦ લાખની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી મુખ્ય આરોપીની ધરપકડ કરી છે. તપાસ દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો છે કે ઘરફોડનું કાવતરું ઘરની જ વહુએ પારિવારિક અણબનાવને કારણે રચ્યું હતું.પોલીસના જણાવ્યા મુજબ, સામખિયાળીના પટેલ રેસિડન્સીમાં રહેતા શશાંક ધર્મપ્રકાશ શર્માના ઘરે ૬ જુલાઈએ અજાણ્યા શખ્સે પ્રવેશ કરીને કબાટના તાળા તોડી સોના-ચાંદીના દાગીના અને રોકડ મળી કુલ રૂ. ૯.૪૦ લાખની ચોરી કરી હતી. આ અંગે સામખિયાળી પોલીસ મથકે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૦૫ અને ૩૩૧(૩) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છના પોલીસ અધિક્ષક સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ એલસીબીના પીઆઈ જે. એમ. વાળાની આગેવાનીમાં અલગ-અલગ ટીમોએ ટેકનિકલ વિશ્લેષણ, હ્યુમન સોર્સ અને ખાનગી રાહે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ફરિયાદીની ભાભી રૂબીને પરિવાર સાથે અણબનાવ હોવાથી તેણે પોતાના જ ઘરે ચોરી કરવાનું કાવતરું ઘડ્યું હતું. તેણે મુંબઈમાં રહેતા પોતાના પિતરાઈ ભાઈ અમરકુમાર ભૈરવસિંહને સામખિયાળી બોલાવી પરિવારના સભ્યો ઘરની બહાર હોય તે સમયે ચોરી કરાવી હતી.તપાસમાં આરોપી અમરકુમાર ચોરી બાદ મુંબઈ ભાગી ગયો હોવાનું સામે આવતા એલસીબીની ટીમ વસઈ પહોંચી હતી. ત્યાંથી આરોપીને ઝડપી તેની પાસેથી ચોરીનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી બાદ વધુ તપાસ માટે સામખિયાળી પોલીસને સોંપવામાં આવ્યો છે.પોલીસે આરોપી પાસેથી સોનાના હાર, વીંટીઓ, મંગળસૂત્ર, ટીકા, નથણી સહિત વિવિધ સોનાના દાગીના, ચાંદીના આભૂષણો અને ચોરીમાં ઉપયોગમાં લેવાયેલ બેગ સહિત કુલ રૂ. ૬.૮૯ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ સમગ્ર કામગીરી એલસીબીના પીઆઈ જે. એમ. વાળા, પીએસઆઈ ડી. જી. પટેલ તથા સ્ટાફે સફળતાપૂર્વક પાર પાડી હતી.
......

Comments