ધંધાની નવી મોડસ ઓપરેન્ડીથી કચ્છમાં ડ્રગ પેડલરો બેફામ
કાયદાની મર્યાદા અને જોગવાઈનો ગેરલાભ
નાની માત્રામાં ડ્રગ્સનું વેચાણ કરતાં આરોપીઓ જામીન પર છૂટી જાય છે : ઠેકઠેકાણે પોલીસ દ્વારા એનડીપીએસના કેસ કરાય છે પરંતુ જથ્થો ઓછો હોવાનું અવલોકન : કેટલાક સ્થળોએ ખાખીધારીઓ જ ઓછી કવોન્ટીટીના કેસની સવલત કરી આપતા હોવાની ચર્ચા
ભુજ - કચ્છઉદય : રાજયમાં દરિયાઈ માર્ગે અબજો રૂપિયાનું ડ્રગ્સ પકડાય છે. અલગ અલગ વિસ્તારોમાં ડ્રગ્સના બંધાણીઓ વધી જતા તાજેતરમાં ડીજીપી જી.એસ.મલિકે આ બદીને ડામવા માટે તમામ થાણાઓને કેસ કરવા સુચના આપી હતી. પરંતુ કરવા ખાતરની કાર્યવાહી કરતી પોલીસે મોટા ભાગના કિસ્સામાં માત્ર કેસ જ કર્યા છે. ડીજીપીનો હેતુ હતો કે, ડ્રગ્સ પકડાય, તેને ખરીદનારા - વેચનારા, સેવન કરનારા પકડાય જેથી આ સાયકલ તુટે. પરંતુ કડક અમલવારી કરે તો ઘણા અમલદારોના હપ્તા બંધ થાય તેમ જણાતા મોટે ભાગે માત્ર કરવા ખાતર કેસ થયા છે. પશ્ચિમ કચ્છમાં પોલીસે ઉપરા ઉપરી ગાંજાના કેસ કર્યા પરંતુ મોટા ભાગના કિસ્સામાં માલ ૧૦ હજારની અંદર હતો. ઓછી ગુણવતા હોવાના કારણે ડ્રગ્સ પેડલરો છુટી જાય છે અને જેને પકડયા હતા તે તમામ બંધાણીઓ હતા. ખરેખર ડ્રગ્સના કેસમાં વિશેષ પંચનામુ, વીડિયોગ્રાફી સહિતની કામગીરી કરવાની હોય જેથી એક કેસ કરવામાં ઓછામાં ઓછા આઠથી દસ કલાક થાય છે. પરંતુ પોલીસની ઢીલાશના કારણે આરોપીઓ એટલો સમય પણ લોકઅપમાં રહેતા નથી. પકડાયા બાદ પણ ચાર્જશીટ કરવામાં શોધાતી છટકબારીથી કોર્ટમાં પણ આવા આરોપીઓને સજા થતી નથી.
વરિષ્ઠ અધિકારીઓ નીચેના કર્મચારીઓ દ્વારા થતી ડ્રગ્સની કામગીરીમાં નજર નાખશે તો કેટલીક ખામીઓ નજર આવશે. નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ હેઠળ દરેક પ્રકારના નશીલા પદાર્થ માટે સ્મોલ, ઇન્ટરમીડિયેટ અને કોમર્શિયલ ક્વોન્ટિટી નક્કી કરવામાં આવી છે. આરોપી પાસેથી મળતા જથ્થાના આધારે ગુનો અને સજાની જોગવાઈ નક્કી થતી હોવાથી ઘણા પેડલરો હવે કાયદાની આ જોગવાઈનો ગેરલાભ ઊઠાવી રહ્યા છે. કેટલાક કિસ્સાઓમાં ભ્રષ્ટ પોલીસ કર્મચારી જ ઓછા માલની ગોઠવણ કરી આપે છે. કાયદાની જોગવાઈઓનું જ્ઞાન મેળવી તેઓ હવે માત્ર સ્મોલ ક્વોન્ટિટીમાં જ ડ્રગ્સનો જથ્થો રાખીને આરોપીઓ વેપાર કરતા હોવાની ચર્ચા ચાલી રહી છે.પેડલરો પોતાની પાસે ક્યારેય મોટો જથ્થો રાખતા નથી. ગ્રાહકોની માગ પ્રમાણે જ ડ્રગ્સ મગાવી બે કે ત્રણ નાના ઝીપર પેકેટમાં સપ્લાય કરવામાં આવે છે. જો પોલીસના હાથે ઝડપાઈ જાય તો પણ આરોપી પાસેથી મોટા ભાગે સ્મોલ ક્વોન્ટિટી જ મળી આવતી હોવાથી પોલીસ માટે કાયદાકીય મર્યાદા ઊભી થાય છે. પરિણામે કેટલાક કિસ્સામાં પોલીસ સ્ટેશનમાંથી જ જામીન આપવા અથવા મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂઆત બાદ આરોપીને મુક્ત કરવાની ફરજ પડતી હોવાનું જાણવા મળે છે. જાણકારોનું માનવું છે કે અનેક વિસ્તારોમાં નાના પેડલરોનું નેટવર્ક ઝડપથી વિસ્તરી રહ્યું છે. ખાસ કરીને ગાંજાના વેચાણમાં સંકળાયેલા શખ્સો કાયદાની જોગવાઈઓને ધ્યાનમાં રાખીને જ પોતાનું મોડ્યુલ ચલાવી રહ્યા છે. જેના કારણે મોટા જથ્થા ઝડપાવાના બનાવો ઘટ્યા છે, પરંતુ નાના પ્રમાણમાં સતત થતો પુરવઠો પોલીસ માટે પડકારરૂપ બન્યો છે. જે રીતે ડ્રગ્સના નાના પેડલરો ઝીપરની અંદર સ્મોલ ક્વોન્ટિટીમાં ડ્રગ્સની હેરાફેરી કરતા થયા છે, તે વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નાના જથ્થાના વારંવાર થતા ગુનાઓ સામે વધુ અસરકારક કાયદાકીય વ્યવસ્થા અંગે વિચારણા કરવાની જરૂર છે. પૂર્વ કચ્છના ગાંધીધામ - અંજાર
વિસ્તારમાં પરપ્રાંતિય વસાહતના કારણે ઓરિસ્સાથી ટ્રેન મારફતે ગાંજો આવે છે અને તે મુંદરા, અબડાસા સહિતના ઔદ્યોગીક વિસ્તારોમાં પહોંચે છે. વાગડમાં અફીણ, પોશડોડાની વધારે બોલબાલા છે, અહીં ખેતી પણ ઝડપાઈ ચુકી છે.
ખાવડામાં આરઈ પાર્કમાં મોટી સંખ્યામાં રાજસ્થાન સહિત વિવિધ પ્રાંતના મજુરો કામ કરતા હોઈ રણ માર્ગે આવતી વખતે દારૂની સાથે ગાંજો અને અફીણ, પોશડોડા, ચરસની પણ ખેપ થતી હોય છે, જે ક્રીમ પબ્લિક છે તેના માટે ખાસ કરીને પંજાબ અને હરીયાણાથી એમડી, હેરોઈન, કોકેઈન સહિતનું મોંઘેરૂં ડ્રગ્સ આવતું હોય છે. ઘણી વખત માલ પકડાયો છે, આરોપી પકડાયા છે પરંતુ મુળ સુધી પહોંચવામાં પોલીસ સફળ થઈ નથી.
...........
કયા જથ્થાને સ્મોલ, ઇન્ટરમીડિયેટ અને કોમર્શિયલ ક્વોન્ટિટી ગણવામાં આવે છે?
• હેરોઈન : ૫ ગ્રામ સુધી સ્મોલ, ૫થી ૨૫૦ ગ્રામ ઇન્ટરમીડિયેટ અને ૨૫૦ ગ્રામથી વધુ કોમર્શિયલ.
• અફીણઃ ૨૫ ગ્રામ સુધી સ્મોલ, ૨૫ ગ્રામથી ૨.૫ કિલોગ્રામ ઇન્ટરમીડિયેટ અને ૨.૫ કિલોગ્રામથી વધુ કોમર્શિયલ.
• મોર્ફિનઃ ૫ ગ્રામ સુધી સ્મોલ, ૫ થી ૨૫૦ ગ્રામ ઇન્ટરમીડિયેટ અને ૨૫૦ ગ્રામથી વધુ કોમર્શિયલ.
• ગાંજોઃ ૧ કિલોગ્રામ સુધી સ્મોલ, ૧ થી ૨૦ કિલોગ્રામ ઇન્ટરમીડિયેટ અને ૨૦ કિલોગ્રામથી વધુ કોમર્શિયલ.
• ચરસઃ ૧૦૦ ગ્રામ સુધી સ્મોલ, ૧૦૦ ગ્રામથી ૧ કિલોગ્રામ ઇન્ટરમીડિયેટ અને ૧ કિલોગ્રામથી વધુ કોમર્શિયલ.
• કોકા પાનઃ ૧૦૦ ગ્રામ સુધી સ્મોલ, ૧૦૦ ગ્રામથી ૨ કિલોગ્રામ ઇન્ટરમીડિયેટ અને ૨ કિલોગ્રામથી વધુ કોમર્શિયલ.
• કોકેઈનઃ ૨ ગ્રામ સુધી સ્મોલ, ૨ થી ૧૦૦ ગ્રામ ઇન્ટરમીડિયેટ અને ૧૦૦ ગ્રામથી વધુ કોમર્શિયલ.
• એમડીઃ ૨ ગ્રામ સુધી સ્મોલ, ૨ થી ૫૦ ગ્રામ ઇન્ટરમીડિયેટ અને ૫૦ ગ્રામથી વધુ કોમર્શિયલ.
• એલએસડીઃ ૨ મિલીગ્રામ સુધી સ્મોલ, ૨ થી ૧૦૦ મિલીગ્રામ ઇન્ટરમીડિયેટ અને ૧૦૦ મિલીગ્રામથી વધુ
કોમર્શિયલ.

Comments