રાપરમાં તાલુકા પંચાયત પ્રમુખ રાજેશભાઈ આહીરની અચાનક તપાસથી સરકારી તંત્રમાં દોડધામ
આરોગ્ય કેન્દ્રો, આંગણવાડી અને શાળામાં કર્મચારીઓ ગેરહાજર : સંબંધિત વિભાગોને કાર્યવાહી માટે કરાઈ જાણ
રાપર - કચ્છઉદય :રાપર તાલુકા પંચાયત પ્રમુખ રાજેશભાઈ આહીર દ્વારા તાલુકામાં સરકારી કચેરીઓમાં જવાબદારી તથા પારદર્શિતા વધારવાના હેતુથી શરૂ કરવામાં આવેલી અચાનક નિરીક્ષણ મુહિમ અંતર્ગત તાલુકાના વિવિધ ગામોમાં સરકારી કચેરીઓની ઓચિંતી મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાત દરમિયાન અનેક સ્થળોએ કર્મચારીઓ ગેરહાજર તેમજ સરકારી કચેરીઓ તાળાબંધ હાલતમાં જોવા મળી હતી. તાલુકા પંચાયત પ્રમુખે જણાવ્યું છે કે હવે ગમે ત્યારે અને ગમે ત્યાં સરકારી સમય દરમિયાન સરકારી કચેરીઓ, આરોગ્ય કેન્દ્રો, શાળાઓ, પંચાયતો તથા અન્ય વિભાગોની અચાનક મુલાકાત લેવામાં આવશે અને ગેરહાજર અથવા બેદરકારી દાખવનાર કર્મચારીઓ સામે નિયમોનુસાર નોટિસ, ખુલાસા તેમજ શિક્ષાત્મક કાર્યવાહી કરવા માટે સંબંધિત વિભાગોને જાણ કરવામાં આવશે. આ ઝુંબેશ અંતર્ગત સૌપ્રથમ બાદરગઢ સ્થિત આયુષ્માન આરોગ્ય મંદિરની મુલાકાત લેવામાં આવી હતી. જ્યાં ફરજ પર રહેનાર સીએચઓ ભૂમિબેન ડામોર તેમજ ફિમેલ હેલ્થ વર્કર ગેરહાજર જોવા મળ્યા હતા. સબ સેન્ટર અલીગઢી તાળાથી બંધ હાલતમાં જોવા મળ્યું હતું. આ મામલે તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. મોતીલાલ રાયને તાત્કાલિક જાણ કરી જવાબદાર કર્મચારીઓ પાસેથી ખુલાસો માંગવા સૂચના આપવામાં આવી હતી. બાદરગઢ ગામમાં આવેલી આંગણવાડી પણ બંધ હાલતમાં જોવા મળી હતી. આ બાબતે આઈસીડીએસ શાખાને જાણ કરીને યોગ્ય કાર્યવાહી કરવા માટે જણાવ્યું છે.
કુંભારીયા ગામ ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મેડિકલ ઓફિસર સહિતનો સમગ્ર સ્ટાફ ગેરહાજર જોવા મળ્યો હતો, થોરિયારી ગામના આયુષ્માન આરોગ્ય મંદિરની મુલાકાત દરમિયાન ત્યાં પણ સીએચઓ ફરજ પર હાજર ન હોવાનું સામે આવ્યું હતું. આ ઉપરાંત થોરિયારી પ્રાથમિક શાળાની મુલાકાત દરમિયાન શાળા વહેલી છૂટી ગયેલી જોવા મળી હતી.
શ્રી આહીરે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા પ્રજાને ગુણવત્તાસભર સેવાઓ ઉપલબ્ધ કરાવવા માટે અનેક યોજનાઓ અને સુવિધાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે, પરંતુ કર્મચારીઓની બેદરકારી અને ગેરહાજરીને કારણે સામાન્ય નાગરિકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આવી બેદરકારી કોઈપણ સંજોગોમાં સહન કરવામાં આવશે નહીં. તાલુકામાં આ પ્રકારની અચાનક તપાસની કાર્યવાહી હવે સતત ચાલુ રહેશે અને પ્રજાના હિતને અસર કરતી કોઈપણ બેદરકારી સામે કડક વલણ અપનાવવામાં આવશે.
---------

Comments