Trending News
સ્થાનિક સમાચાર

વરસાદ ખેંચાતા કચ્છમાં પાણી અને ઘાસચારાની તંગી સર્જાઈ

11 July


કચ્છમાં પશુધન - ઘાસચારા કટોકટી જાહેર કરવા માંગ કરાઈ 

ભુજ - કચ્છઉદય : વરસાદ ખેંચાતા કચ્છમાં સર્જાયેલી ગંભીર પાણી અને ઘાસચારા કટોકટી, ગૌચર જમીનો પરના દબાણો તથા માલધારી - પશુધનના અસ્તિત્વના પ્રશ્ને તાત્કાલિક કચ્છ પશુધન - ઘાસચારા કટોકટી જાહેર કરી યુદ્ધના ધોરણે રાહત કામગીરી શરૂ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. કચ્છ જિલ્લા કિસાન કોંગ્રેસ સમિતિ ચેરમેન અને રાષ્ટ્રીય કિસાન પરિષદ મહામંત્રી યોગેશભાઈ પોકારે મુખ્યમંત્રી, કૃષિમંત્રી અને કલેકટરને કરેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે,  કચ્છમાં વરસાદ ખેંચાતાં માલધારીઓ, પશુઓના જીવન અને ગામડાંઓના અસ્તિત્વ સામે ગંભીર સંકટ ઊભું થયું છે. કચ્છના લાખો પશુઓ માટે પાણી અને ઘાસચારો જીવન - મરણનો પ્રશ્ન બની રહ્યો છે. બીજી તરફ ગૌચર જમીનો પર વર્ષોથી થયેલા દબાણો, ઘટતું ચરિયાણ અને પાણીના સ્ત્રોતોની અછતને કારણે પરિસ્થિતિ વધુ વિકટ બની રહી છે. જેથી તાત્કાલિક કચ્છમાં તાત્કાલિક સર્વે કરીને ગંભીર અસરગ્રસ્ત વિસ્તારોમાં “પશુધન અને ઘાસચારા કટોકટી” જાહેર કરવામાં આવે, દરેક તાલુકામાં સરકારી સહાયથી ઘાસચારા ડેપો તાત્કાલિક શરૂ કરી પૂરતા જથ્થામાં સબસિડીયુક્ત અથવા જરૂરિયાતમંદ માલધારીઓને નિઃશુલ્ક ઘાસચારો ઉપલબ્ધ કરાવવામાં આવે, જરૂરિયાત મુજબ કેટલ કેમ્પ/ઢોરવાડા શરૂ કરી પાણી, ઘાસચારો, છાંયડો અને પશુચિકિત્સાની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવે, ગામેગામ પશુઓ માટે ટેન્કર દ્વારા પાણી પહોંચાડવા વિશેષ પશુ-પાણી રાહત યોજના તાત્કાલિક અમલમાં મૂકવામાં આવે, કચ્છની તમામ ગૌચર જમીનોનું સમયમર્યાદામાં ડિજિટલ સર્વે અને સીમાંકન કરીને ગેરકાયદેસર દબાણો સામે નિષ્પક્ષ કાર્યવાહી કરવામાં આવે, ગૌચર જમીનો પર થયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવા જિલ્લા કક્ષાની વિશેષ ટાસ્ક ફોર્સ બનાવવામાં આવે, ઉદ્યોગો, સરકારી પ્રોજેક્ટો કે અન્ય હેતુ માટે લેવાયેલી ગૌચર જમીનના બદલામાં કાયદેસર ધોરણે વૈકલ્પિક ગૌચર જમીન ઉપલબ્ધ કરાવવામાં આવે, દરેક તાલુકામાં ઘાસચારા અને પાણીની ઉપલબ્ધતાની દૈનિક સમીક્ષા માટે કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવે, પશુઓમાં ભૂખમરો, કુપોષણ અને રોગચાળો અટકાવવા મોબાઇલ પશુચિકિત્સા ટીમો તાત્કાલિક કાર્યરત કરવામાં આવે, કચ્છ માટે લાંબા ગાળાની “કચ્છ ઘાસચારા અને પશુ-જળ સુરક્ષા નીતિ” ઘડી કાયમી ચારા બેંક અને પાણીના અનામત સ્ત્રોત ઊભા કરવામાં આવે, તળાવો, ચેકડેમો, પરંપરાગત જળસ્ત્રોતો અને પશુઓ માટેના અવાડાઓને તાત્કાલિક ભરવા અને પુનર્જીવિત કરવા વિશેષ અભિયાન હાથ ધરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. 
આવેદનપત્ર મળ્યાના ૭ દિવસમાં જિલ્લા કક્ષાએ ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી નક્કર કાર્યવાહી અને જાહેર એક્શન પ્લાન રજૂ કરવામાં આવે. જો સમયસર અસરકારક પગલાં લેવામાં નહીં આવે અને પશુધનને નુકસાન થશે, તો તેની નૈતિક અને વહીવટી જવાબદારી સંબંધિત તંત્રની રહેશે. જરૂર પડ્યે કચ્છના માલધારીઓ, ખેડૂતો અને પશુપ્રેમીઓના હિતમાં લોકશાહી અને અહિંસક રીતે જિલ્લા કક્ષાનું જનઆંદોલન શરૂ કરવાની ફરજ પડશે તેવી માંગ કરી છે. 
------

Comments

COMMENT / REPLY FROM