Trending News
સ્થાનિક સમાચાર

કચ્છના દરિયાકાંઠે સર્વાંગી વિકાસ અને ખાનગી રોકાણને પ્રોત્સાહન આપવા રજૂઆત

11 July


 ભુજ ચેમ્બર દ્વારા રાજ્યના ઉપમુખ્યમંત્રી અને પ્રવાસન વિભાગના મંત્રી હર્ષ સંઘવીને કરાઈ રજૂઆત 


ભુજ - કચ્છઉદય : ભુજ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ફેડરેશન દ્વારા ગુજરાતના ઉપ મુખ્યમંત્રી અને પ્રવાસન વિભાગના કેબિનેટ મંત્રી હર્ષ સંઘવીને પત્ર લખીને કચ્છના દરિયાકિનારાના સર્વાંગી વિકાસ માટે રજૂઆત કરવામાં આવી છે. ભુજ ચેમ્બરના પ્રમુખ અનિલ ગોરે જણાવ્યું છે કે, ભૂકંપ પછી કચ્છે ઔદ્યોગિક, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પ્રવાસન ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે, પરંતુ જિલ્લાના સુંદર બીચોના વિકાસમાં હજુ પણ નોંધપાત્ર ખામી જોવા મળે છે. ગોવા, દીવ-દમણ અને દ્વારકાના શિવરાજપુર બીચની જેમ જ કચ્છના માંડવી, પિંગલેશ્વર, કોટેશ્વર, લખપત અને રાવળપીર જેવા દરિયાકાંઠાના વિસ્તારો કુદરતી રીતે વિશ્વસ્તરીય બીચ ટૂરિઝમ માટે સક્ષમ છે, પરંતુ પ્રવાસીઓ માટે ત્યાં પાયાની સુવિધાઓનો અભાવ છે.
કચ્છના દરિયાકિનારાની મોટાભાગની જમીન સરકારી હસ્તક હોવાથી ત્યાં ખાનગી હોટેલ કે રિસોર્ટ કંપનીઓ કાર્ય કરી શકતી નથી. આથી સરકારે યોગ્ય અને પારદર્શક નીતિ હેઠળ દીર્ઘકાલીન લીઝ અથવા પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ મોડેલ દ્વારા આ સરકારી જમીનો ખાનગી રોકાણ માટે ઉપલબ્ધ કરાવવી જોઈએ. દેશ-વિદેશની અગ્રણી હોટેલ ચેઇન અને રિસોર્ટ ડેવલપર્સ કચ્છમાં રોકાણ કરવા આગળ આવે તેવું વાતાવરણ ઊભું કરવાથી સ્થાનિક યુવાનો માટે હજારો રોજગારીની તકો ઊભી થશે અને હેન્ડીક્રાફ્ટ, કચ્છી આર્ટ તથા સ્થાનિક વેપાર-ઉદ્યોગને નવી ગતિ મળશે.
ભુજ ચેમ્બર દ્વારા સરકાર સમક્ષ માંગ કરવામાં આવી છે કે, લાંબા સમયથી ધીમી ગતિએ ચાલી રહેલી પ્રવાસન યોજનાઓને ઝડપથી પૂર્ણ કરવામાં આવે. ખાસ કરીને માંડવી રાવળપીર બીચ વિકાસ માટે જાહેર કરાયેલા અંદાજિત રૂ.૭૦ કરોડના પ્રોજેક્ટના માસ્ટર પ્લાનની પ્રક્રિયા વેગવંતી બનાવવામાં આવે અને પિંગલેશ્વર બીચ પ્રોજેક્ટને ટેન્ડર પ્રક્રિયામાંથી બહાર લાવીને સ્થળ પર તેનું ઝડપી અમલીકરણ કરાય. આ સાથે જ પાર્કિંગ, વોટર સ્પોર્ટ્‌સ, ફૂડ કોર્ટ, ટૂરિસ્ટ ફેસિલિટેશન સેન્ટર અને લખપત કોટેશ્વર વિસ્તારમાં સમુદ્રી સીમા દર્શન જેવી યોજનાઓ સમયસર શરૂ કરવામાં આવે. સંસ્થાના સેક્રેટરી જગદીશ ઝવેરીએ જણાવ્યું હતું કે, જો કચ્છ માટે વિશેષ બીચ ટૂરિઝમ રોકાણ નીતિ બનાવીને વર્ષોથી અટકેલી યોજનાઓની ઉચ્ચસ્તરીય સમીક્ષા કરવામાં આવશે, તો આગામી વર્ષોમાં કચ્છ વૈશ્વિક પ્રવાસન નકશા પર વધુ મજબૂત સ્થાન પ્રાપ્ત કરશે અને સ્થાનિક અર્થતંત્રને નવી દિશા મળશે.
------- 

Comments

COMMENT / REPLY FROM