પશ્ચિમ કચ્છના અબડાસા પંથકમાં બેન્ટોનાઇટનું બેફામ ગેરકાયદે ખનન
ગેરકાયદેસર ખનનથી ગ્રામીણ વિસ્તારોમાં પડ્યા મસમોટા ખાડા અને પર્યાવરણનું નિકંદન : સ્થાનિકોની વ્યાપક ફરિયાદો છતાં સ્થળ તપાસ ટાળતું વહીવટી તંત્ર અને માફિયાઓને મોકળું મેદાન : ઉચ્ચ સ્તરીય સઘન તપાસ થાય તો કરોડો રૂપિયાનું કૌભાંડ બહાર આવવાની પૂરેપૂરી સંભાવના
નુંધાતડ અને મુરચબાણ બન્યા ગેરકાયદેસર ખનનનું કેન્દ્ર : તંત્રની આંખ આડા કાન કરવાની નીતિથી જનતામાં રોષ
ભુજ - કચ્છઉદય : કચ્છ જિલ્લામાં ખનીજ ચોરીનું દૂષણ માત્ર પૂર્વ ભાગ પૂરતું સીમિત નથી, પરંતુ પશ્ચિમ કચ્છના સરહદી અને અંતરિયાળ વિસ્તારોમાં પણ આ કાળો કારોબાર અત્યંત ભયજનક સપાટીએ પહોંચી ગયો છે. પશ્ચિમ કચ્છના અબડાસા તાલુકામાં આવેલા નુંધાતડ અને મુરચબાણ જેવા ગ્રામ્ય વિસ્તારો હાલમાં કીમતી ગણાતા બેન્ટોનાઇટ ખનીજની ગેરકાયદેસર લૂંટનું મુખ્ય કેન્દ્ર બની ગયા છે. છેલ્લા કેટલાક સમયથી વહીવટી તંત્ર અને ખાણ-ખનીજ વિભાગ દ્વારા જિલ્લાના અન્ય ભાગોમાં નાના-મોટા દરોડા પાડીને માત્ર રેતી ચોરીના સામાન્ય કિસ્સાઓ પકડીને સંતોષ માનવામાં આવી રહ્યો છે. જ્યારે બીજી તરફ અબડાસાના આ સંવેદનશીલ વિસ્તારોમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ઊંચી કિંમત ધરાવતા કીમતી બેન્ટોનાઇટ ખનીજની બેફામ અને ખુલ્લેઆમ ચોરી થઈ રહી છે, જેના તરફ જવાબદાર તંત્ર જાણીજોઈને આંખ આડા કાન કરી રહ્યું હોવાનું ચિત્ર સ્પષ્ટ ઉપસી રહ્યું છે.નુંધાતડ અને મુરચબાણ ગામની સીમમાં તેમજ આજુબાજુના ગૌચર અને સરકારી જમીનો પર ખનીજ માફિયાઓ દ્વારા રાત-દિવસ રાક્ષસી કદના મશીનો ઉતારીને આડેધડ ખોદકામ કરવામાં આવી રહ્યું છે. કોઈપણ જાતની કાયદેસરની લીઝ કે મંજૂરી વિના થઈ રહેલા આ વ્યાપક ખનનને કારણે અબડાસાના હરિયાળા ગ્રામીણ વિસ્તારોમાં અત્યારે માઇલો સુધી મસમોટા અને જોખમી ખાડાઓ પડી ગયા છે. તદુપરાંત, કુદરતી જમીનનું સ્તર બગડવાના કારણે સ્થાનિક પર્યાવરણ અને ખેતીલાયક જમીનોને કાયમી નુકસાન પહોંચ્યું છે, જે ભવિષ્ય માટે અત્યંત ચિંતાનો વિષય છે.અબડાસાના જાગૃત નાગરિકો અને ખેડૂતો દ્વારા પોતાની જમીનો અને સરકારી સંપત્તિને બચાવવા માટે સ્થાનિક કક્ષાએથી લઈને જિલ્લા કલેક્ટર અને ભૂસ્તર વિજ્ઞાન વિભાગ સુધી વ્યાપક પ્રમાણમાં લેખિત ફરિયાદો કરવામાં આવી છે. સ્થાનિક રહેવાસીઓ દ્વારા અવારનવાર પુરાવાઓ સાથે રજૂઆત કરવા છતાં, જવાબદાર તંત્ર દ્વારા સ્થળ પર જઈને આકસ્મિક તપાસ કરવાની તસ્દી લેવામાં આવતી નથી. તંત્રની આ પ્રકારની શંકાસ્પદ નિષ્ક્રિયતા અને ઢીલી
નીતિના કારણે ખનીજ ચોરોને જાણે કાયદાનો કોઈ ડર જ ન રહ્યો હોય તેમ મોકળું મેદાન મળી ગયું છે. અધિકારીઓ કચેરીઓમાં બેસીને માત્ર કાગળ પરની કામગીરી બતાવે છે, જ્યારે વાસ્તવિક ધરાતલ પર પરિસ્થિતિ દિન-પ્રતિદિન વધુ વણસી રહી છે. અબડાસાના આ વિસ્તારોમાંથી ચોરી છૂપીથી કાઢવામાં આવતું કીમતી બેન્ટોનાઇટ ખનીજ કોઈ પાસ કે પરમિટ વગર મોટા મોટા ડમ્પરો અને ટ્રકો મારફતે અન્ય જિલ્લાઓમાં અને રાજ્ય બહાર પણ મોકલવામાં આવી રહ્યું છે. સ્થાનિક લોકો અને તટસ્થ વિશ્લેષકોનું માનવું છે કે જો રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ અથવા કોઈ સ્વતંત્ર એજન્સી દ્વારા આ સમગ્ર વિસ્તારમાં સઘન અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે, તો આ ખનીજ ચોરી પાછળ ચાલતું કરોડો રૂપિયાનું બહુ મોટું કૌભાંડ અને તેના આકાઓ ઉજાગર થઈ શકે તેમ છે. આ કાળા કારોબારમાં સ્થાનિક સ્તરેથી લઈને ઉચ્ચ કક્ષા સુધીના ભ્રષ્ટ તત્વોની સંડોવણી હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે, જેને ડામવા માટે હવે ગાંધીનગર કક્ષાએથી સીધા અને કડક પગલાં લેવાય તે સમયની તાતી
જરૂરિયાત છે.

Comments