Trending News
ક્રાઈમ

એસએમસીનો સપાટો : પંજાબથી મુંદરા આવતો પ૯.૭૩ લાખનો બિયર ઝડપાયો

11 July



મહેસાણા જિલ્લાના કડી પાસે થઈ કાર્યવાહી : પશુ આહારની આડમાં શરાબની થતી હતી હેરાફેરી : પશ્ચિમ કચ્છના મુંદરામાં અગાઉ પણ એસએમસીએ દરોડા પાડીને લાખોનો શરાબ પકડયો છે છતાં દારૂની રેલમછેલ યથાવત : સ્થાનીકે દારૂ મંગાવનારા બુટલેગરો સામે હજુ સુધી નક્કર પગલાં ન ભરાયા

ભુજ - કચ્છઉદય : પશ્ચિમ કચ્છમાં ખાસ કરીને મુંદરા અને માનકુવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં  દારૂની રેલમછેલ બાબતે અગાઉ એસએમસીએ ઘણી કાર્યવાહી કરી છે. કરોડો રૂપિયાનો શરાબ ઝડપી પાડવામાં આવ્યો છે. તેમ છતાં બુટલેગરોની કમર ભાંગી નથી. ત્યાં હવે મુંદરા આવતો દારૂ મહેસાણાના કડી પાસે પકડાયો હતો. જયાં સુધી સ્થાનીકના દારૂ મંગાવનારા સામે કડક પગલાં ભરવામાં નહીં આવે ત્યાં સુધી દારૂબંધીની કડક અમલવારી નહીં થાય તે વરવી વાસ્તવિકતા છે. એસએમસી દ્વારા અવારનવાર લાખોનો શરાબ ઝડપી પાડવામાં આવે છે. તો સ્થાનીક પોલીસને બાતમી કેમ મળતી નથી ? તે પણ એક મોટો સવાલ છે. આ અંગેની વિગતો મુજબ સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે મહેસાણા જિલ્લાના કડી-કલ્યાણપુર રોડ પર વિડજ ગામ નજીકથી પશુ આહારની આડમાં છુપાવેલો ૫૯.૭૩ લાખનો વિદેશી બિયરનો જથ્થો ઝડપી પાડયો હતો. પંજાબથી વિદેશી દારૂનો જથ્થો મુન્દ્રા લઈ જવામાં આવતો હોવાની બાતમીના આધારે પોલીસ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ ચૌહાણ અને તેમની ટીમે કડી ખાતે પેટ્રોલિંગ દરમિયાન રામદેવ હોટલ પાસે કેજીએન પંચરની દુકાન નજીક ઊભેલી ટાટા કંપનીની ટ્રક (જીજે ૦ર જીબી ૫૩૭૨)ને કોર્ડન કરી હતી. પોલીસે ટ્રકના ડ્રાઈવર સીટ પર બેઠેલા વ્યક્તિની પૂછપરછ કરતા તે ભાંગી પડ્યો હતો અને ટ્રકમાં બિયર હોવાની કબૂલાત કરી હતી. ટ્રકની પાછળ પ્લાસ્ટિકની તાલપત્રી હટાવતા, ઉપર પશુ આહારના ભૂસાની કોથળીઓ ગોઠવેલી હતી. આ કોથળીઓ હટાવતા નીચેથી વિદેશી બિયરના બોક્સ મળી આવ્યા હતા. ડ્રાઈવરે પોતાનું નામ હેમારામ તોગારામ જાટ (ઉંમર ૪૫, રહે. ધીરાસર, જી. બાડમેર, રાજસ્થાન) જણાવ્યું હતું. પોલીસે ટ્રકમાંથી પંજાબમાં વેચાણ માટે મંજૂરી ધરાવતા કિંગફિશર અને ટુબર્ગ બ્રાન્ડના ૫૦૦ એમએલના સીલબંધ ટીન જપ્ત કર્યા છે. જેમાં ૧૩,૧૮૯ નંગ કિંગફિશર સુપર સ્ટ્રોંગ બિયર (કિંમત ૩૦,૪૬,૬૫૯) અને ૧૨,૬૬૯ નંગ ટુબોર્ગ પ્રીમિયમ બિયર (કિંમત ૨૯,૨૬,૫૩૯)નો સમાવેશ થાય છે. આમ, કુલ ૨૫,૮૫૮ નંગ બિયર ટીન જપ્ત કરાયા છે, જેની કુલ કિંમત ૫૯,૭૩,૧૯૮ થાય છે. દારૂના જથ્થા ઉપરાંત, પોલીસે ૩૦ લાખની કિંમતનો ટાટા કંપનીનો ટ્રક, રોકડા ૧૬,૫૦૦ અને એક મોબાઈલ ફોન પણ જપ્ત કર્યો છે. આ સમગ્ર કાર્યવાહીમાં કુલ ૮૯,૯૫,૧૯૮નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે ટ્રક ડ્રાઈવરની ધરપકડ કરી છે અને આ નેટવર્ક સાથે સંકળાયેલા અન્ય સાગરીતો તથા મુખ્ય બુટલેગરો સહિત કુલ ૮ લોકો સામે કડી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સ્થાનીકે માલ મંગાવનારા, વેચનારા સહિતનાઓ સામે કાર્યવાહી થાય તો જ આ નેટવર્કને તોડી શકાશે.

 

Comments

COMMENT / REPLY FROM