Trending News
સ્થાનિક સમાચાર

ગાંધીધામના મીઠીરોહર પટ્ટામાં DPA ની જમીન પર ‘જશા ગેંગ’ ની બેફામ માટીચોરી?

11 July




કચ્છ કલેક્ટર સુધી ફરિયાદ બાદ મામલતદારના મોડી રાતના દરોડામાં ડમ્પર-મશીન પકડાયા હતા; ખાણખનિજ વિભાગે પેનલ્ટી ફટકારી સંતોષ માન્યો, માટીચોર જશો ફરી મેદાનમાં!“કરોડોની ખનીજચોરી છતાં પોલીસ અને ડીપીએ (કંડલા) ના એસ્ટેટ વિભાગની શંકાસ્પદ ચુપકીદી; પોલીસના કયા ભ્રષ્ટ વહીવટદારોની માટીચોરો સાથે ભાગીદારી? ગ્રામજનોમાં ભારોભાર આક્રોશ



મામલતદારશ્રીએ રેઈડ કરી મુદામાલ સોંપ્યો હતો, જેની માપણી સહિતની કાર્યવાહી પૂર્ણ કરી દેવાઈ છે અને ૧૦ લાખની પેનલ્ટીની નોટીસ ફટકારાઈ ગઈ છે, પેનલ્ટી નહી ભરે તો આગળની વધુ કડક કાર્યવાહી કરવામા આવશે : શ્રી કેયુર પંડયા (સિનિયર ભુસ્તરશાસ્ત્રી, પૂર્વ કચ્છ ખાણ ખનિજ વિભાગ)




ગાંધીધામઃ ગાંધીધામ તાલુકાના મીઠીરોહર વિસ્તારમાં દીવા તળે અંધારું હોય તેમ ડીપીએ-કંડલા હસ્તકની કરોડો રૂપિયાની સરકારી જમીન પર ખનીજ માફિયાઓ દ્વારા બેફામ માટીચોરીનો કાળો કારોબાર ધમધમી રહ્યો છે. સ્થાનિક સ્તરે ‘જશા ગેંગ‘ તરીકે ઓળખાતી આ ટોળકી કાયદાના કોઈ પણ ભય વિના સરકારી સંપત્તિને આડેધડ ખોદીને મીઠીરોહર ય્ૈંડ્ઢઝ્ર ના ગોડાઉનો સહિતના સ્થળોએ મોટા 
પાયે માટીનો બારોબાર સપ્લાય કરી રહી હોવાની વ્યાપક ચકચાર જાગી છે. ડીપીએ કંડલાની કીંમતી જમીનો પર આડેધડ માટી ચોરી કરી અને જશા આણી ટોળકીએ મોટા પ્રમાણમાં અહી ખાડાઓ કરી દીધા છે, કરોડોની રોયલ્ટી ચોરી કરી લીધી છે, અહીથી ઉસેડવામા આવતી માટી આસપાસના બની રહેલા અથવા તો બની ગયેલા અમુક ગોડાઉનોમાથી સપ્લાય કરવામા આવી રહી હોવાની ચકચાર છે. મામલતદારશ્રીએ કલકેટરશ્રીની સુચના બાદ મીઠીરોહરમાં દરોડો પડાયો હતો અને હવે ખાણખનિજ વિભાગે પણ ૧૦ લાખની પેનલ્ટી ફટકારી છે. જાણકારો કહી રહ્યા છે કે આ પેનલ્ટી ભરાય કે નહી પરંતુ મામલતદારશ્રીના દરોડા દરમ્યાન બે દીવસ બંધ રહ્યા બાદ ફરીથી જશાની માટીચોરી આ જ પટ્ટામાં બેફામ રીતે ધમધવા લાગી ગઈ છે. બીજીતરફ આ બાબતે પૂર્વ કચ્છ ખાણખનિજના સિનિયર ભુસ્તરશાસ્ત્રી શ્રી કેયુર પંડયાને પુછતા તેઓએ કહ્યુ હતુ કે, મામલતદારશ્રીએ કરેલી કાર્યવાહી બાદ માપણી પૂર્ણ થઈ ગઈ છે અને દસ લાખની પેનલ્ટીની નોટીસ ફટકારાઈ ગઈ છે જો પેનલ્ટી નહી ભરે તો આગળની ધોરણસરની કાર્યાવહી હાથ ધરવામાં આવશે.

...................

માત્ર પેનલ્ટી નહીં, 
સીધી FIR જ એકમાત્ર ઈલાજ




ગાંધીધામ : સ્થાનિકો અને જાગૃત નાગરિકોની ઉગ્ર માંગ છે કે જશા ગેંગ સામે ખાણખનિજ વિભાગ માત્ર ૧૦ લાખ જેવી નજીવી પેનલ્ટી ફટકારીને સંતોષ ન માને, કારણ કે આ માફિયાઓ પેનલ્ટી ભરીને ફરી કરોડોની ચોરી આદરી દે છે. જો મીઠીરોહર વિસ્તારમાં આ બેનામી કાળા ધંધાઓને કાયમ માટે અટકાવવા હોય, તો તંત્રએ જશા ટોળકી સામે કડક કલમો હેઠળ સીધી પોલીસ ફરિયાદ દાખલ કરીને જેલના સળિયા પાછળ ધકેલવો જોઈએ, તો જ આ ખનીજચોરી પર પૂર્ણવિરામ આવશે.



.................

ખાણખનિજે ૧૦ લાખની પેનલ્ટી ફટકારી


ગાંધીધામ : આ બેફામ ખનીજચોરી અંગેની ઉચ્ચ સ્તરીય ફરિયાદો કચ્છ કલેક્ટર સુધી પહોંચતા જ તંત્ર એક્શનમાં આવ્યું હતું. થોડા સમય પહેલાં મોડી રાત્રે ગાંધીધામ મામલતદારની ટીમે મીઠીરોહરના આ પટ્ટામાં અચાનક ત્રાટકીને મોટો દરોડો પાડ્યો હતો. સ્થળ પરથી માટીચોરીમાં ગળાડૂબ ડમ્પર અને હિટાચી/જેસીબી જેવા મશીનો ઝડપી પાડી કાયદેસરનું પંચનામું કરવામાં આવ્યું હતું. મામલતદારની ટીમે આ તમામ મુદ્દામાલ પૂર્વ કચ્છ ખાણખનિજ વિભાગને સોંપ્યો હતો. જે બાદ ખાણખનિજ વિભાગે સ્થળની માપણી કરીને સંબંધિત પાર્ટી (જશા) ને રૂ. ૧૦ લાખની 
પેનલ્ટી નોટિસ ફટકારી દીધી છે. નિયમ મુજબ જો આ પેનલ્ટી ભરાઈ જશે તો આગળની કાર્યવાહી અટકી જશે, નહીં તો ધોરણસરના 
પગલાં લેવાશે તેવું ચર્ચાઈ રહ્યું છે.


................

DPA ના ચોકીદારો છતાં કરોડોની ચોરી, પોલીસની ચુપકીદી કેમ?


ગાંધીધામ : આ સમગ્ર કૌભાંડમાં સૌથી મોટો સવાલ એ છે કે, મીઠીરોહર પટ્ટામાં જે જમીન પર માટી ઉસેડીને મોટા-મોટા ભયાનક ખાડાઓ કરી દેવાયા છે, તે જમીન ડીપીએ કંડલાની માલિકીની છે. અહી ડીપીએ દ્વારા જમીનની સુરક્ષા માટે સ્પેશિયલ ચોકીદારો પણ તૈનાત રાખવામાં આવ્યા છે, તેમ છતાં તેમની નજર સામે કરોડોનું ખનીજ ચવાય ગયું! મામલતદાર અને ખાણખનિજ વિભાગ પોતાની કામગીરી કરી રહ્યા છે, પરંતુ સ્થાનિક પોલીસ અને ડીપીએ-કંડલાનું એસ્ટેટ વિભાગ કેમ લાલ આંખ કરવાને બદલે રહસ્યમય ચુપકીદી સાધીને બેઠું છે? લોકમુખે ચર્ચાતા સવાલો મુજબ, ખાખીના કયા ભ્રષ્ટ વહીવટદારો અને તત્વોની આ ‘જશા’ સાથે સીધી ભાગીદારી છે, જેના કારણે આ ગેરકાયદેસર ખનન અટકવાનું નામ નથી લઈ રહ્યું? 


...................

જશો’ ફરી મેદાનમાંઃ કોઈનો ભય નથી, ઝભ્ભાલેંગાવાળાઓની આણ!


ગાંધીધામ : મામલતદારની રેઇડ બાદ ‘જશા ગેંગ‘ની માટીચોરી માત્ર બે-ચાર દિવસ જ બંધ રહી હતી. કાયદાનો કોઈ જ ખૌફ ન હોય તેમ આ ખનીજમાફિયા જશાએ ફરીથી મીઠીરોહર પટ્ટામાં મોટા પાયે માટીચોરી ધમધમતી કરી દીધી છે. સ્થાનિક ગ્રામજનોએ પણ જશા ગેંગની આ હરકતો સામે ભારોભાર આક્રોશ વ્યક્ત કર્યો છે. ગ્રામજનોએ આ માટીચોર જશાને અહીં મોટા ખાડા ન કરવા અને ખનીજચોરી બંધ કરવા મોઢામોઢ ચેતવણી આપી હોવા છતાં, તે કોઈને ગાંઠતો નથી. રાજકીય ઓથ ધરાવતા કયા ‘ઝભ્ભાલેંગાવાળા’ નેતાઓ અને ભ્રષ્ટ અધિકારીઓના જોરે જશો આટલો ફાટીને ધુમાડે ગયો છે અને તેને તંત્રનો કોઈ ભય જ નથી, તે તપાસનો વિષય બન્યો છે.

 

Comments

COMMENT / REPLY FROM