Trending News
સ્થાનિક સમાચાર

ભુજમાં ‘આપ’ દ્વારા દેશલસર તળાવની દુર્દશા અંગે ચીફ ઓફિસરને રજૂઆત

10 July



ભુજ - કચ્છઉદય : ભુજના ઐતિહાસિક અને રાજશાહી સમયના વારસા સમાન દેશલસર તળાવની હાલત આજે અત્યંત દયનીય બની ગઈ છે. આ તળાવમાં ગટરનું ગંદુ પાણી છોડવામાં આવી રહ્યું છે તેમજ કચરો પણ ઠાલવવામાં આવતો હોવાથી તળાવનું અસ્તિત્વ અને પર્યાવરણ ગંભીર જોખમમાં મુકાયા છે. આ ગંભીર સમસ્યા અંગે ભુજ નગરપાલિકા અને વહીવટી તંત્ર દ્વારા પૂરતું ધ્યાન આપવામાં ન આવતા આમ આદમી પાર્ટી (આપ) પશ્ચિમ કચ્છ જિલ્લા દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરવામાં આવી હતી.
આમ આદમી પાર્ટીના વિધાનસભા સંગઠન મંત્રી ખલીફા મોહમદ હુસેનએ જણાવ્યું હતું કે, દેશલસર તળાવમાં આવતા તમામ પાણીના આવક-જાવકના નાળા હાલ બંધ હાલતમાં છે, જ્યારે ગટરનું ગંદુ પાણી સતત તળાવમાં છોડાઈ રહ્યું છે. આ ઉપરાંત તેમણે પ્રિ-મોન્સૂન કામગીરી સામે પણ સવાલો ઉઠાવ્યા હતા કે ભુજના અલગ-અલગ વિસ્તારોમાંથી આવતા પાણીના નાળાઓમાં કચરો ભરાયેલો પડ્યો છે. તંત્ર દ્વારા માત્ર હાઈવે પર દેખાતા બે-ત્રણ નાળાઓની સફાઈ કરી, ફોટો શૂટ કરાવીને સંતોષ માની લેવામાં આવે છે. ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને અધિકારીઓ માત્ર ફોટો શૂટ પૂરતી જ કામગીરી કરી રહ્યા છે અને વાસ્તવિકતામાં પ્રિ-મોન્સૂન કામગીરી શૂન્ય છે. વધુમાં તેમણે ચિંતા વ્યક્ત કરી હતી કે ભુજની જીવાદોરી સમાન મુખ્ય હમીરસર તળાવમાં પણ ગટરનું પાણી આવવાનું શરૂ થઈ ગયું છે, જે ભવિષ્યમાં દેશલસર તળાવ જેવી જ ગંભીર સ્થિતિ સર્જી શકે છે.
આપના હોદ્દેદારો જ્યારે આ બાબતે રજૂઆત કરવા નગરપાલિકાએ પહોંચ્યા ત્યારે ચીફ ઓફિસર મીટિંગમાં વ્યસ્ત હોવાના કારણે દોઢ કલાક સુધી રાહ જોવા છતાં રજૂઆત સાંભળવા માટે સમય આપ્યો ન હતો. તંત્રના કોઈ પણ અધિકારી કે પ્રમુખ પાસે પ્રજાની વાત સાંભળવાનો સમય ન હોવાથી પક્ષના કાર્યકરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આપ દ્વારા માગણી કરવામાં આવી છે કે દેશલસર તળાવ માટે તાત્કાલિક જરૂરી બજેટ ફાળવીને તેની સંપૂર્ણ સફાઈ કરવામાં આવે, ગટરનું ગંદુ પાણી બંધ કરવામાં આવે અને બંધ નાળાઓને ફરી કાર્યરત કરાય. જો વહેલી તકે કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં નહીં આવે, તો ભુજવાસીઓ મજબૂરીવશ જનસહયોગ અને ભિક્ષા એકત્ર કરીને પોતાના ઐતિહાસિક દેશલસર તળાવની સફાઈ કરવાનો સંકલ્પ કરશે તેવું તેમણે વધુમાં ઉમેર્યું હતું. આ રજૂઆત વેળાએ આમ આદમી પાર્ટી પશ્ચિમ કચ્છના કાર્યકર્તાઓ સાથે જોડાયા હતા.
------ 

Comments

COMMENT / REPLY FROM