Trending News
સ્થાનિક સમાચાર

ભુજના વોર્ડ નંબર ૮માં પાણીની ગંભીર કટોકટી : સ્થાનિકોમાં રોષ

10 July



ભુજ - કચ્છઉદય : ભુજ શહેરના વોર્ડ નંબર ૮ માં આવેલા ગણેશનગર અને સચ્ચિયાર મા કોલોની વિસ્તારના રહેવાસીઓ લાંબા સમયથી પીવાના પાણીની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે. સ્થાનિક મહિલાઓના જણાવ્યા અનુસાર, તેઓ છેલ્લા અગિયાર વર્ષથી આ વિસ્તારમાં રહે છે પરંતુ હજુ સુધી તેમને પાણી, ગટર કે પાકા રોડ જેવી પ્રાથમિક સુવિધાઓ મળી નથી. નગરપાલિકામાં વારંવાર રજૂઆતો કરવા અને પાણીના પૈસા ભરવા છતાં પણ વહીવટી તંત્ર દ્વારા કોઈ યોગ્ય ઉકેલ લાવવામાં આવતો નથી, જેથી સ્થાનિકોએ મોંઘા ભાવના ટેન્કરો મંગાવવાની ફરજ પડે છે.
આ બાબતે આમ આદમી પાર્ટીના ભુજ શહેર પ્રમુખ દિલીપ ગઢવીએ પણ સ્થાનિકોના સમર્થનમાં નગરપાલિકાની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે. તેમણે આક્ષેપ કર્યો છે કે, માત્ર બસો મીટરના અંતરે આવેલા અન્ય વિસ્તારોમાં નિયમિત પાણી મળે છે જ્યારે સામાન્ય જનતા વસતી હોય તેવા આ વિસ્તારોને સુવિધાઓથી વંચિત રાખવામાં આવી રહ્યા છે. સ્થાનિકો જ્યારે પણ નગરપાલિકામાં રજૂઆત કરવા જાય છે ત્યારે માત્ર આશ્વાસન આપીને અરજીઓ લઈ લેવામાં આવે છે પરંતુ ગ્રાઉન્ડ લેવલ પર કોઈ નક્કર કામગીરી થતી નથી. લાંબા સમયથી ચાલતી આ સમસ્યાને કારણે સમગ્ર વિસ્તારના લોકોમાં તંત્ર પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે. વોર્ડ નંબર ૮ ના રહેવાસીઓ દ્વારા નગરપાલિકા કચેરીએ ઉગ્ર રજૂઆતો કરી સમસ્યાના તત્કાલિક સમાધાન માટે ભારપૂર્વક માંગ કરાઈ હતી.
--------

Comments

COMMENT / REPLY FROM