Trending News
સ્થાનિક સમાચાર

ભુજના ભૂતનાથ મહાદેવ મંદિરે સામૂહિક સત્યનારાયણ કથાનું આયોજન કરાયું 

10 July



ભુજ - કચ્છઉદય : ભુજમાં ખારી નદી કિનારે આવેલા પવિત્ર ભૂતનાથ મહાદેવ મંદિર મધ્યે ભૂતનાથ મહિલા સત્સંગ મંડળ દ્વારા શુક્રવારે સાંજે ૪ કલાકે સામૂહિક સત્યનારાયણ કથાનું ભક્તિસભર આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા પાંચ વર્ષથી સફળતાપૂર્વક ધાર્મિક પ્રવૃત્તિઓ ચલાવતા આ મંડળ દ્વારા ચાલુ વર્ષે સતત છઠ્ઠા વર્ષે આ સામૂહિક કથાનું સુંદર આયોજન થયું હતું, જેમાં અંદાજે ૫૦ થી ૬૦ જેટલી બહેનો શ્રદ્ધાપૂર્વક જોડાઈ હતી. મંડળના મુખ્ય આયોજક રીનાબેન માણેકે જણાવ્યું હતું કે લોકોમાં ધાર્મિક અને ભક્તિભાવ કાયમ જળવાઈ રહે તેમજ સમાજના લોકો એકબીજા સાથે સુમેળભર્યા વાતાવરણમાં જોડાયેલા રહે તેવા ઉમદા હેતુથી આ ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે રીનાબેને કાર્યક્રમને સફળ બનાવવા માટે મંડળની તમામ બહેનો સહિત ભૂતનાથ મંદિરના ટ્રસ્ટી મંડળ અને સભ્યો દ્વારા મળેલા સાથ-સહકાર બદલ સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. ધાર્મિક માહોલમાં સંપન્ન થયેલી આ કથામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ દર્શન અને પ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.
---------- 

Comments

COMMENT / REPLY FROM