દરિયાઈ સુરક્ષા મજબૂત કરવા નારાયણ સરોવર ખાતે ફીશરમેન અવેરનેશ કાર્યક્રમ યોજાયો
ભુજ - કચ્છઉદય : કચ્છ જિલ્લાના સરહદી નારાયણ સરોવર ગામ ખાતે ગુજરાત પોલીસના મરીન સેક્ટર દ્વારા દરિયાઈ સુરક્ષાની તકેદારી અને જનસંપર્ક વધારવાના હેતુથી એક વિશેષ માછીમાર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અધિક પોલીસ મહાનિદેશક અમિતકુમાર વિશ્વકર્મા અને દરિયાઈ સુરક્ષાના અધિક પોલીસ મહાનિરીક્ષક એ.એમ. મુનિયાની સૂચના તેમજ મરીન સેક્ટર કમાન્ડર એસ.જે. પરમારના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષક બી.કે. ઝાલા, પી.આઈ. આર.ડી. ઝાલા, નારાયણ સરોવરના પી.આઈ. જે.બી. કુણીયા અને મરીન કમાન્ડોની ટીમ દ્વારા આ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો હતો.
કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે કાંઠા વિસ્તારના માછીમારો દરિયાઈ સુરક્ષામાં ’ફ્રન્ટલાઈન સર્વેલન્સ’ તરીકે અત્યંત મહત્વની ભૂમિકા ભજવી શકે છે. માછીમારી કરતી વખતે દરિયામાં કોઈ અજાણી કે શંકાસ્પદ બોટ, સ્મગલિંગની પ્રવૃત્તિઓ, ડ્રગ્સના પેકેટ, બિનવારસી બેગ, ડ્રોન અથવા તો કોઈ શંકાસ્પદ શખ્સોની હિલચાલ નજરે ચડે, તો માછીમારોએ તુરંત જ સુરક્ષા એજન્સીઓને જાણ કરવી જોઈએ. આ તકેદારીના કારણે કોઈપણ ગેરકાનૂની પ્રવૃત્તિ મોટું સ્વરૂપ લે તે પહેલાં જ તેને શરૂઆતથી ડામી શકાય છે.
આ ઉપરાંત, ફિશરીઝ વિભાગના દીપુભા ગોહિલ અને નારાયણ સરોવર માછીમાર સંગઠનના પ્રમુખ અશરફ ભાડલા દ્વારા માછીમારોને કાયદાકીય અને સુરક્ષા વ્યવસ્થા અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. જેમાં મર્ચન્ટ શિપિંગ એક્ટ અને મત્સ્યઉદ્યોગ કાયદો અંતર્ગત બોટ રજિસ્ટ્રેશન તેમજ લાયસન્સ પ્રક્રિયા, ઓનલાઈન ટોકન મેનેજમેન્ટ સિસ્ટમ હેઠળ બોટની હિલચાલ, બોટ ટ્રેકિંગ માટે ટ્રાન્સપોન્ડર્સનો ઉપયોગ, ફિશરીઝ ગાર્ડ તેમજ માછીમારી દરમિયાન રાખવાની થતી અન્ય સુરક્ષા અને સાવચેતીની આવશ્યક બાબતો વિશે માછીમારોને માર્ગદર્શન પૂરું પાડીને અવગત કરવામાં આવ્યા હતા.
------

Comments