Trending News
ક્રાઈમ

પોક્સો કેસમાં નાસતા ફરતા આરોપીને પુણેથી ઝડપી પાડતી માંડવી પોલીસ

10 July



ભુજ - કચ્છઉદય : પશ્ચિમ કચ્છના માંડવી પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા પોક્સો અને એટ્રોસિટી સહિતના ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા અને લાંબા સમયથી નાસતા ફરતા આરોપીને મહારાષ્ટ્રના પુણે ખાતેથી પકડ વોરંટના આધારે ઝડપી પાડવામાં સફળતા મળી છે. મુંદરા વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષક ગૌતમ વિવેકાનંદનના માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમે આ ઓપરેશન પાર પાડ્યું હતું.
આ કેસની વિગત મુજબ, પશ્ચિમ કચ્છ ભુજ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં આઇપીસી કલમ ૩૭૬(૨)(એન), પોક્સો એક્ટ, એટ્રોસિટી એક્ટ તેમજ ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય સુધારા એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ મામલે ખાસ પોક્સો કોર્ટ ભુજ ખાતે પોક્સો કેસથી કાનૂની કાર્યવાહી ચાલુમાં છે. આ કેસના ટ્રાયલ દરમિયાન મૂળ મહારાષ્ટ્રના પુણે જિલ્લાના ઇન્દાપુર તાલુકાના કાલઠન-૧ ગામનો વતની ૨૨ વર્ષીય આરોપી જીયાદ ઉર્ફે સમીર લતીફ શેખ અદાલતમાં હાજર ન રહીને નાસતો ફરતો હતો. આથી કોર્ટ દ્વારા તેની સામે બિનજામીનપાત્ર પકડ વોરંટ જારી કરવામાં આવ્યું હતું. આ વોરંટની બજવણી કરવા માટે માંડવી પોલીસ સ્ટેશનના પીઆઇ સી.વાય. બારોટ, હેડ કો. ભાવિક ભરતભાઇ કોઠારી અને મહેન્દ્ર દેવાભાઇ રાવળની એક ટીમની રચના કરવામાં આવી હતી. આ પોલીસ ટીમ આરોપીના વતન મહારાષ્ટ્રના પુણે ખાતે પહોંચી હતી અને ત્યાં ખાનગી રાહે તપાસ તેમજ ટેકનિકલ સોર્સિસની મદદ મેળવીને આરોપી જીયાદ ઉર્ફે સમીર લતીફ શેખને દબોચી લીધો હતો. માંડવી પોલીસે સરાહનીય કામગીરી કરીને કાયદાના સકંજામાંથી ભાગતા ફરતા ગંભીર ગુનાના આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.
------ 

Comments

COMMENT / REPLY FROM