સ્થાનિક કમિટીઓને બાજુ પર રાખવાના શ્રીજી સત્સંગ ટ્રસ્ટ - ભુજના પ્રયાસ સામે કચ્છનો સત્સંગ સમાજ એકજૂટ
કચ્છના સત્સંગ કેન્દ્રોની એકતા : પારદર્શિતા અને યથાસ્થિતિ જાળવવા મક્કમ માંગ કરાઈ
ભુજ - કચ્છઉદય : કચ્છ જિલ્લાના અંજાર, આદિપુર, ગાંધીધામ, ભચાઉ, માધાપર, ભુજ સહિતના સંયુક્ત સત્સંગ કેન્દ્રોના હરિભક્તો તરફથી જણાવવામાં આવ્યું છે કે, તારીખ ૪/૭ના રોજ પ્રથમ આદિપુર સત્સંગ હૉલ અને ત્યારબાદ ગાંધીધામ સત્સંગ હૉલ ખાતે શ્રીજી સત્સંગ ટ્રસ્ટે નિર્મિત સત્સંગ હોલોના સ્થાનિક કમિટી સભ્યોની નિમણૂક કરેલ અને જેઓ વર્ષોથી નિષ્ઠાપૂર્વક આ સત્સંગ હોલોનું સંચાલન કરી રહ્યા છે તે સ્થાનિક કમિટીને કોઈ પણ જાતની જાણ કર્યા વિના મનસ્વી અને એકતરફી રીતે બાજુ પર રાખી, દબાણ અને ઘર્ષણભરી પરિસ્થિતિ સર્જી, સ્થાનિક કમિટીને સોંપેલ વહીવટ પર કબજો જમાવવાનો કથિત પ્રયાસ થયો હોવાની ગંભીર ફરિયાદો સામે આવી રહી છે.સંયુક્ત નિવેદનમાં જણાવ્યા અનુસાર આ ઘટનાઓથી કચ્છના સમગ્ર સત્સંગ સમુદાયમાં ઊંડી ચિંતા અને વ્યથાની લાગણી ફેલાયેલ છે. સ્થાનિક કમિટીઓ દ્વારા વર્ષોથી નિભાવવામાં આવેલ સેવા અને જવાબદારીને અવગણી બળજબરીથી નિયંત્રણ મેળવવાનો કોઈપણ પ્રયાસ સત્સંગની પવિત્ર પરંપરા અને શિસ્તને અનુરૂપ નથી. આ સંદર્ભે અંજાર મધ્યે કચ્છના બહોળા સત્સંગ સમુદાયની ઉપસ્થિતિમાં એક સંયુક્ત બેઠક યોજાઈ હતી, જેમાં સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો હતો કે, આ સમગ્ર બાબતે ટ્રસ્ટના પ્રતિનિધિઓ દ્વારા ભ્રામક પ્રચાર કરવામાં આવી રહેલ છે તે સંબંધિત આદિપુર અને ગાંધીધામ પોલીસ સ્ટેશનનો રૂબરૂ સંપર્ક કરી સત્ય હકીકતથી વાકેફ કરવામાં આવેલ. સત્સંગ કેન્દ્રો અને સમુદાયના હિતોના રક્ષણ માટે એક "રક્ષણ સમિતિ"નું ગઠન કરવામાં આવ્યું હતું. આ રક્ષણ સમિતિ મારફતે સંબંધિત પ્રશાસનિક સત્તાધિકારીઓ સમક્ષ યોગ્ય આવેદનપત્ર સહ રજૂઆત કરવામાં આવે.અત્રે ઉલ્લેખનીય છે કે, કચ્છના સંયુક્ત સત્સંગ કેન્દ્રો પુનઃ સ્પષ્ટ કરે છે કે, તેમનો આશય કોઈ વિવાદ ઊભો કરવાનો નથી, પરંતુ સત્સંગની પવિત્રતા, સ્થાનિક કમિટીઓના યોગ્ય હક્કો અને સમાજમાં શાંતિ - યથાસ્થિતિ જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવાનો છે સાથે સ્થાનિક હરિભક્તો દ્વારા બંધાવાયેલ હોલનો વહીવટનો ભોગવટો કે કબજો એકતરફી અને ગેરબંધારણીય રીતે ન મેળવી શકે અને હરિભક્તો નિયમિત સત્સંગ કરી શકે તથા ખોટી શંકા ન ફેલાવે તે અર્થે તમામ સંબંધિત પક્ષોને ધીરજ, સંવાદ અને કાયદેસર માર્ગ અપનાવવા અપીલ કરવામાં આવી છે. આ બાબતે અગાઉ પણ શ્રીજી સત્સંગ ટ્રસ્ટના હોદેદારોને નિરાકરણ લાવવા તેમજ સ્પષ્ટતા આપવા લેખિત જાણ કરેલ છે તેમજ રાજકોટ અને ભુજના ચેરીટી કમિશનર સમક્ષ પણ જાણ કરેલ હોઈ આ સમગ્ર વિવાદ સબ જ્યુડિસ છે. આમ કોઈ પણ બાબતે તેનો પ્રત્યુતર આપ્યા વિના સીધા સત્સંગ હોલનો કબજો મેળવવા બહારથી લોકોને બોલાવી કબજો લેવાની કોશિશ કરાવી સત્સંગમાં કલુષિત વાતાવરણ ઊભું કરાવી રહેલ છે.
---------

Comments