Trending News
સ્થાનિક સમાચાર

યુવાઓમાં કૌશલ્ય વર્ધન એ જ આત્મનિર્ભરતાની સાચી ચાવી

10 July


શારદા સ્કિલ હાઉસ દ્વારા વિવિધલક્ષી કોર્સના પ્રમાણપત્ર વિતરણનો કાર્યક્રમ યોજાયો

ભુજ - કચ્છઉદય : શારદા સંસ્કૃતિ ટ્રસ્ટ સંચાલિત શારદા સ્કિલ હાઉસ દ્વારા તાજેતરમાં વિવિધ કૌશલ્યવર્ધન તાલીમી કોર્સ પૂર્ણ કરનાર તાલીમાર્થીઓ માટે પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 
આ કાર્યક્રમ અંતર્ગત કોર્સ ઓન કમ્પ્યુટર કન્સેપ્ટ (સીસીસી), મડ વર્ક, મહેંદી આર્ટ તેમજ નર્સિંગ આસિસ્ટન્ટ જેવા રોજગારલક્ષી કોર્સ સફળતાપૂર્વક પૂર્ણ કરનાર તાલીમાર્થીઓને સર્ટિફિકેટ એનાયત કરાયા હતા. આ પ્રસંગે માધાપર કન્યા પ્રાથમિક શાળાના આચાર્ય નેહાબેન મહેતા, દશરથભાઈ બોખાણી, યશભાઈ જોશી, ઇલાબેન ગોસ્વામી, આરતીબેન ગઢવીના હસ્તે તાલીમાર્થીઓને પ્રમાણપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
નેહાબેન મહેતાએ તાલીમાર્થીઓને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે, આ પ્રમાણપત્ર એ તમારા પરિશ્રમ અને શિસ્તની સફળતાનું પરિણામ છે. દશરથભાઈ બોખાણીએ જણાવ્યું હતું કે, આપણી પરંપરાગત ગુરુકુળ શિક્ષણ પ્રણાલી હંમેશાં કૌશલ્ય વર્ધનને સાથે રાખીને જ ચાલી છે. હવે સરકારની નવી શિક્ષણ નીતિમાં પણ સ્કીલ ડેવલપમેન્ટને વિશેષ મહત્વ અપાયું છે, જેના કારણે વર્તમાન સમયમાં માત્ર ડિગ્રી પૂરતી નથી, પરંતુ તેની સાથે વિવિધલક્ષી સ્કીલ્સ હોવી ખૂબ જ જરૂરી બની ગઈ છે. કાર્યક્રમને સફળ બનાવવા માટે સેન્ટરના તાલીમાર્થીઓ ભૂમિ મહેશ્વરી, પાયલ મહેશ્વરી, રેશમા સાડ અને પ્રિયા મહેશ્વરીએ વ્યવસ્થા સંભાળી હતી.
-------

કૌશલ્યથી સપનાઓને મળી પાંખો : નિશા વરચંદ

ઉખડમોરા ગામની દીકરી નિશા વરચંદ બારમું ધોરણ પૂર્ણ કર્યા બાદ પાંચ વર્ષથી ઘરે જ બેસી રહી હતી. આગળ શું કરવું એ દિશા નિશ્ચિત થતી નહોતી. એવામાં તેને શારદા સ્કિલ હાઉસ દ્વારા ચાલતા નર્સિંગ આસિસ્ટન્ટના તાલીમ વિશે જાણ થતાં એડમિશન લીધું હતું, જે એના જીવનનો ટર્નિંગ પોઇન્ટ સાબિત થઈ. તેની તાલીમ પૂર્ણ થાય તે પહેલાં નોકરી મળી ગઈ. આજે નિશામાં આત્મવિશ્વાસનો સંચાર થયો છે અને તે જણાવે છે કે, નર્સિંગ હવે મારું સપનું બની ગયું છે. હું પોતે કમાઈને નર્સિંગ ક્ષેત્રે ઉચ્ચ અભ્યાસ કરીશ. 
------

Comments

COMMENT / REPLY FROM