Trending News
સ્થાનિક સમાચાર

કચ્છમાં ઓછા વરસાદની સ્થિતિ વચ્ચે ખરીફ વાવેતરનું વૈજ્ઞાનિક આયોજન કરવા ખેડૂતોને અપીલ

10 July


અર્ધ-શુષ્ક આબોહવામાં પાણીની બચત સાથે વધુ ઉત્પાદન મેળવવા કૃષિ વૈજ્ઞાનિકોએ આપ્યું માર્ગદર્શન


ભુજ - કચ્છઉદય : કચ્છ જિલ્લાની ખેતીનો મુખ્ય આધાર ચોમાસાના વરસાદ પર નિર્ભર હોવાથી કુલ ખેતી વિસ્તારના અંદાજે ૭૫ થી ૮૦ ટકા વિસ્તાર બિનપિયત એટલે કે વરસાદ આધારિત છે, જ્યારે માત્ર ૨૦ થી ૨૫ ટકા વિસ્તાર જ પિયત હેઠળ ઉપલબ્ધ છે. જિલ્લામાં સરેરાશ વાર્ષિક વરસાદ આશરે ૩૪૦ થી ૩૮૦ મિલીમીટર જેટલો જ થાય છે. તેમાં પણ વરસાદની અનિયમિતતા અને અસમાન વિતરણને કારણે દર વર્ષે સ્થાનિક ખેતી સમક્ષ મોટા પડકારો ઉભા થાય છે. ભચાઉ સ્થિત વિભાગીય સંશોધન કેન્દ્રના વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, કચ્છની આબોહવા અર્ધ-શુષ્ક અને ગરમ-શુષ્ક પ્રકારની હોવાથી હવે ઓછા પાણીમાં વધુ ઉત્પાદન આપતા અને દુષ્કાળ સહન કરી શકે તેવા પાકોનું આયોજન કરવું એ સમયની મુખ્ય જરૂરિયાત બની ગઈ છે. વરસાદની શરૂઆત થયા બાદ જો લાંબો વિરામ આવે તો ખેડૂતોએ ગભરાવાની જરૂર નથી, પરંતુ વૈજ્ઞાનિક ખેતી વ્યવસ્થાપન અપનાવીને પાકના નુકસાનને નોંધપાત્ર રીતે ઘટાડી શકાય તેમ છે.કૃષિ નિષ્ણાતો દ્વારા ખેડૂતોને સૌપ્રથમ જમીનની ભેજનું સંરક્ષણ કરવા માટે વિશેષ અનુરોધ કરવામાં આવ્યો છે. વરસાદ પડ્યા પછી સમયસર નીંદામણ નિયંત્રણ કરવું, હળવી આંતરખેડ કરવી, પાકના અવશેષોનો ઉપયોગ કરીને મલ્ચિંગ એટલે કે આચ્છાદન કરવું, ખેતરના પાળા મજબૂત બનાવવા તેમજ વરસાદી પાણીનો સંગ્રહ કરવા જેવી પદ્ધતિઓ અપનાવવાથી જમીનમાં રહેલો ભેજ લાંબા સમય સુધી જળવાઈ રહે છે. આ ઉપરાંત ખેતર તલાવડી, ફાર્મ પોન્ડ, ચેકડેમ અને પાણી સંચયના અન્ય ઉપાયોથી પાણીનું સંરક્ષણ કરીને આગામી સુકા સમયગાળામાં પાકને જીવનદાયી સિંચાઈ પૂરી પાડી શકાય છે. કચ્છની વર્તમાન પરિસ્થિતિમાં ટપક સિંચાઈ પદ્ધતિ પાણી બચાવવાનો સૌથી અસરકારક વિકલ્પ સાબિત થઈ શકે તેમ છે. આ પદ્ધતિ દ્વારા ૩૦ થી ૫૦ ટકા સુધી પાણીની બચત થવાની સાથે પાકના ઉત્પાદનમાં પણ વધારો કરી શકાય છે. ખાસ કરીને પાકમાં જ્યારે ફૂલ આવવાની અને દાણા ભરાવાની અવસ્થા હોય ત્યારે આપવામાં આવતી એક સમયસરની સિંચાઈ પણ પાક ઉત્પાદન બચાવવામાં ખૂબ મહત્વપૂર્ણ સાબિત થાય છે.જો ચાલુ વર્ષે વરસાદ મોડો પડે અથવા પૂરતો ન થાય તો ખેડૂતોએ લાંબા ગાળાના પાકોને બદલે ટૂંકા ગાળાના, ઓછા પાણીમાં ઉગતા અને દુષ્કાળ સહનશીલ પાકોની પસંદગી કરવી જોઈએ. કચ્છની આબોહવા માટે બાજરી, રજકા બાજરી, જુવાર, ગુવાર, તલ, મગ, મઠ, તુવેર, એરંડો અને ઘાસચારાના પાકો સૌથી વધુ અનુકૂળ માનવામાં આવે છે. આ પાકોની અવધિ ૬૦ દિવસથી લઈને ૧૮૦ દિવસ સુધીની હોય છે અને તેમને ૨૦૦ થી ૬૦૦ મિલીમીટર સુધીના વરસાદની જરૂરિયાત રહે છે. ખેડૂતોને વિવિધ પાકો માટે સરકાર દ્વારા પ્રમાણિત અને ભલામણ કરાયેલ બિયારણોનો જ ઉપયોગ કરવા સલાહ અપાઈ છે. જેમાં બાજરી માટે જીએચબી-૫૩૮, જીએચબી-૧૧૨૯, બાયોફોર્ટીફાઈડ જીએચબી-૧૩૦૫ અને જીએચબી-૧૨૯૪ જેવી જાતો તેમજ ઘાસચારા માટે જીએએફબી-૪, જીએફબી-૫ અને સ્થાનિક મહુડો બાજરો ઉત્તમ છે. જુવાર માટે જીજે-૪૪, જીજે-૪૫ અને જીએફએસ-૬ તથા ગુવાર માટે જીજી-૧ અને જીજી-૩ યોગ્ય છે. તલ માટે જીટી-૩ અને જીટી-૭ જ્યારે મગ માટે જીએમ-૪, જીએમ-૬ અને જીએમ-૯ ભલામણ કરાયેલ છે. મઠ માટે જીએમઓ-૨, તુવેર માટે જીટી-૧૦૭, જીટી-૧૦૮ અને જીટી-૧૧૦, એરંડા માટે જીસી-૪, જીસીએચ-૭ અને જીસીએચ-૮ તેમજ બિનપિયત કપાસ માટે જીએડીસી-૩ અને જીએડીસી-૪ જેવી જાતો કચ્છની પરિસ્થિતિ માટે એકદમ સાનુકૂળ ગણાય છે.વૈજ્ઞાનિકોના મતે અનિશ્ચિત વરસાદની સ્થિતિમાં આંતરપાક અને મિશ્ર પાક પદ્ધતિ એ ખેડૂતો માટે જોખમ ઘટાડવાનો શ્રેષ્ઠ વિકલ્પ છે. બાજરી સાથે ગુવાર, એરંડા સાથે મગ અથવા જુવાર સાથે કઠોળ પાકો વાવવાની પદ્ધતિ અપનાવવાથી જો કોઈ એક પાકને નુકસાન થાય તો પણ બીજા પાકમાંથી આવક મેળવી શકાય છે. વળી, કઠોળના પાકો જમીનમાં નાઈટ્રોજનનું સ્થિરીકરણ કરીને જમીનની ફળદ્રુપતા પણ જાળવી રાખે છે. આ સાથે જ ખેડૂતોને પાક ઉત્પાદનની સાથે બાગાયતી અને પશુપાલન આધારિત સંકલિત ખેતી પદ્ધતિ અપનાવવા પણ ભલામણ કરાઈ છે. કચ્છની ધરતી પર ખારેક, દાડમ, બોર, સીતાફળ અને ડ્રેગન ફ્રૂટ જેવા ફળબાગાયતની સાથે ઘાસચારો અને પશુપાલનને ખેતી સાથે સાંકળવાથી ખેડૂતોની આવકમાં સ્થિરતા આવે છે અને વરસાદની અનિશ્ચિતતાની નકારાત્મક અસરો ઓછી થાય છે. ખેડૂતોએ બિનપિયત તેમજ એકાદ પિયતની સગવડ હોય ત્યારે તુવેર, એરંડા કે અડદ જેવા પાકો પસંદ કરવા જોઈએ અને બિનપિયત સાથે ઓછું રોકાણ કરવું હોય તો તલ, મગ, મઠ, બાજરી કે કારીગડા જેવા પાકો ઉત્તમ રહેશે. જો વરસાદ વધુ મોડો પડે તો તુવેર, એરંડા કે દેશી કપાસની વાવણી કરવી હિતાવહ છે. ભચાઉ વિભાગીય સંશોધન કેન્દ્ર દ્વારા તમામ ખેડૂતોને ભારતીય હવામાન વિભાગની આગાહી, કૃષિ યુનિવર્સિટીની ભલામણો અને સ્થાનિક કૃષિ નિષ્ણાતોના માર્ગદર્શન હેઠળ જ સમયસર યોગ્ય નિર્ણયો લેવા અનુરોધ કરાયો છે.
------- 

Comments

COMMENT / REPLY FROM