કલા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કરતી સંસ્થાઓ માટે ટાઉનહોલનું ભાડું ઘટાડો
કચ્છના કલાકારો માટે ભુજના ટાઉનહોલ અને ઓપન એર થિયેટરના પ્રશ્નો અંગે ’સપ્તરંગ’ સંસ્થા દ્વારા નગરપાલિકાને આવેદનપત્ર અપાયું : વર્ષોથી પડતર પ્રશ્નો અંગે માત્ર આશ્વાસન મળતા કલાકારોમાં રોષ : ભાડું ઘટાડવા અને સુવિધાઓ સુધારવા કારોબારી ચેરમેન કમલભાઈ ગઢવીને રૂબરૂ રજૂઆત કરાઈ
ભુજ - કચ્છઉદય : ભુજના અવેતન અને સ્થાનીય કલાકારોને પોતાની કલા પ્રદર્શિત કરવા માટે શહેરમાં માત્ર એકમાત્ર ટાઉનહોલની સુવિધા ઉપલબ્ધ છે, પરંતુ આ ટાઉનહોલમાં હાલ ઘણી અસુવિધાઓ વ્યાપેલી છે. આ ઉપરાંત અત્રેનું ઓપન એર થિયેટર પણ વર્ષોથી બિસ્માર હાલતમાં પડ્યું છે. કલાકારોના આ પડતર પ્રશ્નો લાંબા સમયથી વણઉકેલાયેલા હોવાથી ભુજની જાણીતી કલા સંસ્થા ’સપ્તરંગ’ દ્વારા ભુજ નગરપાલિકાના કારોબારી ચેરમેન કમલભાઈ ગઢવીને રૂબરૂ મળીને એક વિસ્તૃત આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. સંસ્થાના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે, સપ્તરંગ સંસ્થા છેલ્લા ઘણા વર્ષોથી આ તમામ પ્રશ્નોની રજૂઆત જે તે સમયે કરતી આવી છે, પરંતુ તંત્ર દ્વારા માત્ર આશ્વાસનો જ આપવામાં આવે છે અને આજ દિન સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી.
આ આવેદનપત્રમાં કલાકારોની વિવિધ મુશ્કેલીઓ અને માંગણીઓ વિગતવાર રજૂ કરવામાં આવી છે. સંસ્થાએ મુખ્ય પ્રશ્ન તરીકે ટાઉનહોલના અસહ્ય ભાડાનો મુદ્દો ઉઠાવ્યો છે. કોઈ પણ જાતના આર્થિક ઉપાર્જન વગર માત્ર કલા અને સંસ્કૃતિના મનોરંજન માટે કાર્યક્રમો કરતી સપ્તરંગ જેવી સંસ્થાઓ માટે ટાઉનહોલનું ભાડું અંદાજે રૂપિયા ૧,૧૦,૦૦૦ જેટલું વસૂલવામાં આવે છે જે ખૂબ જ અયોગ્ય છે. અગાઉ કલાકારોની માંગણીને ધ્યાને રાખી વર્ષ ૨૦૨૨માં આ ભાડું ઘટાડીને રૂપિયા ૩૧,૧૦૦ કરવામાં આવ્યું હતું અને નગરપાલિકાના તત્કાલીન પદાધિકારીઓએ બાકીનું ભાડું માફ કરવાની ખાતરી આપી હતી, તેમ છતાં કલાકારોને પ્રોત્સાહન આપવાના બદલે ગેરકાયદેસર રીતે ફરીથી રૂપિયા ૧૦,૦૦૦ જેટલું ભાડું વસૂલીને કલાકારો સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે. આથી સંસ્થાએ માંગ કરી છે કે કલા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કરતી સંસ્થાઓ માટે ટાઉનહોલનું ભાડું અગાઉની જેમ જ માત્ર રૂપિયા ૫,૦૦૦ રાખવામાં આવે અને શાળાઓના કાર્યક્રમો માટે પણ અન્ય સંસ્થાઓની જેમ જ ભાડું વસૂલવામાં આવે.
ભાડા ઉપરાંત ટાઉનહોલની આંતરિક અસુવિધાઓ અંગે પણ આવેદનમાં ગંભીર ધ્યાન દોરવામાં આવ્યું છે. ટાઉનહોલના સીનિયર સિટિઝન પ્રેક્ષકો માટે વી.આઈ.પી. ગેટ પાસે વ્હીલચેર તથા તેને ચલાવવા માટે રેમ્પની સુવિધા ઉપલબ્ધ કરાવવી અત્યંત જરૂરી છે જેથી મોટી ઉંમરના લોકો સરળતાથી અવરજવર કરી શકે. આ સાથે જ હોલની અંદર સ્ટેજની સામે જરૂરી લાઈટિંગની વ્યવસ્થા ન હોવાથી નાટક અને અન્ય કાર્યક્રમો રજૂ કરવામાં ભારે મુશ્કેલી પડે છે, માટે સ્ટેજની સામે પ્રેક્ષક ગૃહમાં કાયમી માસ્ટર લાઈટ અને ફોકસ લાઈટની વ્યવસ્થા ગોઠવવી અનિવાર્ય છે. નાટકના કલાકારો માટે સ્ટેજ પાછળ બે ગ્રીન રૂમ આવેલા છે પરંતુ ત્યાં એસી, માસ્ટર આરીસો અને કલાકારો માટે ટોયલેટ-બાથરૂમની પૂરતી સુવિધા નથી જેના કારણે સ્ત્રી અને પુરુષ કલાકારોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ટાઉનહોલના પ્રેક્ષક ગૃહમાં સોફા અને સીટો પણ બિસ્માર હાલતમાં છે તેમજ હોલની અંદર યોગ્ય સાઉન્ડ સિસ્ટમ ન હોવાથી કલાકારોને બહારથી સાઉન્ડ સિસ્ટમ ભાડે લાવવી પડે છે, જેથી આ તમામ સુવિધાઓ ત્વરિત ધોરણે સુધારવા માંગ કરાઈ છે. ટાઉનહોલના પેસેજમાં અવારનવાર પાણી ભરાઈ જવાની સમસ્યા રહે છે જેના કારણે શોર્ટ સર્કિટ થવાનો કે કોઈ ભયાનક અકસ્માત થવાનો ભય રહે છે, વળી થિયેટરના પેસેજમાં પીવાના શુદ્ધ પાણીની કોઈ વ્યવસ્થા નથી જે કલાકારો અને પ્રેક્ષકો માટે ચિંતાનો વિષય છે.
ભુજના ઓપન એર થિયેટરની દુર્દશા અંગે કલાકારોએ ભારે દુઃખ વ્યક્ત કર્યું છે. હાલ આ થિયેટર તદ્દન જર્જરિત અને ખંઢેર હાલતમાં ફેરવાઈ ગયું છે જે કલા જગત માટે શરમજનક બાબત છે. આ અગાઉ સાંસદ વિનોદભાઈ ચાવડાએ ઓપન એર થિયેટરની મુલાકાત લીધી હતી અને તેની બાજુમાં જ ૨૦૦ થી ૩૦૦ પ્રેક્ષકો બેસી શકે તેવું એક નાનું ઓડિટોરિયમ બનાવવાની જાહેરાત કરી હતી, પરંતુ આ કામગીરી હજુ સુધી માત્ર કાગળ પર જ સીમિત રહી છે અને પ્રત્યક્ષ રીતે કોઈ કાર્ય શરૂ થયું નથી. ભુજની કલા અને સાંસ્કૃતિક વારસાને જીવંત રાખવા માટે નગરપાલિકા પ્રશાસન આ પડતર પ્રશ્નોની અવગણના ન કરે અને આ બાબતોનો તાત્કાલિક ધોરણે સકારાત્મક ઉકેલ લાવે તેવી કલા જગત વતી અપીલ કરવામાં આવી છે.
કારોબારી ચેરમેન કમલભાઈ ગઢવીને આવેદનપત્ર આપતી વખતે સપ્તરંગ સંસ્થાના પ્રમુખ ઝવેરીલાલ સોનેજી, ઉપપ્રમુખ જગદીશ ભટ્ટ, સંકલન મંત્રી બિપિન દવે, તેમજ રસિકભાઈ મકવાણા, ભગીરથભાઈ ધોળકિયા, ભરતભાઈ સોની અને રશ્મિકાંત કતીરા સહિતના અગ્રણીઓ જોડાયા હતા. રજૂઆત દરમિયાન કારોબારી ચેરમેન કમલભાઈ ગઢવીએ કલાકારોના પ્રશ્નો પ્રત્યે ખૂબ જ હકારાત્મક વલણ દર્શાવ્યું હતું અને ટૂંક સમયમાં જ આ તમામ સમસ્યાઓનું યોગ્ય નિરાકરણ લાવવામાં આવશે તેવી ખાતરી આપી હતી.
-------

Comments