મનપાની નોટિસને પણ ગણકાર નહીં : ગાંધીધામમાં કોન્ટ્રાક્ટરની મનમાનીથી પ્રજાજનોની સુરક્ષા પર ફરી જોખમમાં : વરસાદી નાળામાં પોલમપોલ ખુલી.!
સુંદરપુરી ટાંકાથી અપના નગર ચાર રસ્તા સુધી રોડ કામમાં નિયમોનું ઉલ્લંઘન, નાળાની બાજુએ જ ઠાલવાયો મલબો : ડિવાઈડરમાં કાળી માટીના બદલે રેતાળ માટી ભરવાનો આક્ષેપ : ગુણવત્તા સામે ગંભીર સવાલો
મનપાએ નોટિસ ફટકારી છતાં કાર્યવાહી નહીં, કોન્ટ્રાક્ટર સામે લોકોમાં આંતરીક રોષ : મલબાનો ઠેકેદાર દ્વારા આડેધડ નિકાલ કરવાથી વરસાદમાં આખોય વીસ્તાર જળબંબાકાર સર્જાઈ જશે : કોણ લેશે તે વખતે જવાબદારી? : ભોગગ્રસ્તોમાથી ઉઠતા સવાલો
નોટીસ ફટકારેલી છે, છતા પણ નિયમોની અવગણના કરાતી હશે તો નહી ચલાવી લેવાય : શ્રી રામાનુજ(ડે.કમિશ્નર ગાંધીધામ મહાનગરપાલીકા) : મારી તબિયત હાલમાં બરાબર નથી, કંઈ પણ વાતચીત કરવા અસર્થમ છું :શ્રી નારૂભાઈ રાજાણી(કોન્ટ્રાકટર)
ગાંધીધામઃ ગાંધીધામના સુંદરપુરી ટાંકાથી અપના નગર ચાર રસ્તા સુધી ચાલી રહેલા રોડના કામમાં કોન્ટ્રાક્ટરની બેદરકારી અને મનમાની સામે ગંભીર સવાલો ઊભા થયા છે. રોડના નિર્માણ દરમિયાન નીકળેલો હજારો ટન મલબો નિયમોને નેવે મૂકીને વરસાદી નાળાની બિલકુલ બાજુમાં જ ઠાલવી દેવામાં આવ્યો છે. સ્થાનિકોમાં એવી ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે કે વરસાદ પડતાં જ આ મલબો સીધો નાળામાં ગરકાવ થઈ જશે, જેના કારણે વરસાદી પાણીના નિકાલમાં મોટો અવરોધ સર્જાશે અને સમગ્ર વિસ્તારમાં જળબંબોળની સ્થિતિ સર્જાઈ શકે છે. બીજી તરફ, કોન્ટ્રાક્ટની શરતો મુજબ રોડના મધ્યમાં આવેલા ડિવાઈડરમાં નિયમ મુજબ કાળી માટી ભરવાની જોગવાઈ હોવા છતાં કોન્ટ્રાક્ટર દ્વારા ત્યાં હલકી કક્ષાની રેતાળ માટી ભરવામાં આવી રહી હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે. જેના કારણે કામની ગુણવત્તા અને ભવિષ્યમાં રોડની મજબૂતાઈ સામે પણ અનેક સવાલો ઊભા થયા છે. જનતાના ટેક્સના પૈસાનો આ પ્રકારે સરેઆમ દુરુપયોગ થતો જોઈને સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
મળતી માહિતી મુજબ, આ સમગ્ર ગેરરીતિ મામલે ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટરને સત્તાવાર નોટિસ પણ આપવામાં આવી હતી. તેમ છતાં કોન્ટ્રાક્ટર દ્વારા મનપાની આ નોટિસને સદંતર અવગણીને કામની પદ્ધતિમાં કોઈ જ સુધારો કરવામાં આવ્યો નથી. નોટિસ આપ્યા પછી પણ ઠેકેદાર પોતાની મનમાની ચાલુ રાખતા સ્થાનિકોમાં એવો સવાલ ઉઠી રહ્યો છે કે મહાનગરપાલિકા આવા કોન્ટ્રાક્ટર સામે કેમ લાલઆંખ ભરીને કડક કાર્યવાહી નથી કરતી? સ્થાનિક જનતા અને સામાજિક અગ્રણીઓની ઉગ્ર માંગ છે કે લોકહિત સાથે ચેડાં કરતા અને તંત્રને ઘોળીને પી જતા આવા ઠેકેદારો સામે માત્ર નજીવો દંડ ફટકારીને સંતોષ ન માનવો જોઈએ. આવા તત્વો સામે દાખલારૂપ પગલાં ભરીને તેમને તાત્કાલિક ધોરણે ‘બ્લેકલિસ્ટ’ કરવા જેવી કડક કાનૂની કાર્યવાહી જ થવી જોઈએ, જેથી ભવિષ્યમાં કોઈ કોન્ટ્રાક્ટર પ્રજાના પૈસાની વેઠ ઉતારવાની હિંમત ન કરે. હવે જોવાનું એ રહે છે કે મનપાના જવાબદાર અધિકારીઓ ક્યારે જાગે છે અને આ કોન્ટ્રાક્ટર સામે કેવા પગલાં ભરે છે.આ સદર્ભે ગાંધીધામ નગરપાલીકાના ડે.કમિશ્નરશ્રી સંજય રામાનુજની સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યુ હતુ કે, આ સંદર્ભે નોટીસ અપાઈ છે, ખુલાસો પુછાયો છે, નોટીસની જો અવગણના કામમાં થઈ હશે તો એ નહી ચલાવી લેવાય. ફેર તપાસ કરી અને જરૂરી કાર્યવાહી કરીશુ. તો વળી કામ રાખનાર ઠેકેદાર નારૂભાઈ રાજાણીની તબિયત નાદુરસ્ત હોવાથી તેઓએ વાતચીત કરવા અસમર્થતા દર્શાવી હતી.
.................
જનતા પૂછી રહી છે આ તીખા સવાલો...
’
ગાંધીધામ : સવાલ ૧ઃ મનપાની સત્તાવાર નોટિસને પણ કચરાપેટીમાં નાખી દેવાની હિંમત કોન્ટ્રાક્ટરમાં ક્યાંથી આવી? તેને કોની રહેમનજર મળી રહી છે?સવાલ ૨ઃ નિયમ મુજબ કાળી માટીના બદલે હલકી ગુણવત્તાની રેતાળ માટી ભરીને પ્રજાના ટેક્સના પૈસાનું
પાણી કેમ કરાઈ રહ્યું છે?સવાલ ૩ઃ વરસાદી નાળાની બાજુમાં મલબો ઠાલવવાની મંજૂરી કોણે આપી? જો ચોમાસામાં આખો વિસ્તાર ડૂબશે તો તેનો જવાબદાર કોણ?સવાલ ૪ઃ મહાનગરપાલિકા માત્ર કાગળ પર નોટિસો ફટકારીને કેમ સંતોષ માની રહી છે? હજુ સુધી લાલઆંખ કરીને કડક કાર્યવાહી કેમ નથી કરાઈ?સવાલ ૫ઃ પ્રજાના હિત સાથે ચેડાં કરતા આવા બેફામ ઠેકેદારને માત્ર દંડ કરવાના બદલે તાત્કાલિક ‘બ્લેકલિસ્ટ’ કેમ કરવામાં આવતો નથી?

Comments