વનવિભાગની કામગીરી સામે સવાલો ઈંટોના ભઠ્ઠા દેખાયા, પણ મીઠાના ગેરકાયદે અડીંગા કેમ ન દેખાયા?
અભ્યારણ્યની જમીનો પર માફિયાઓનો કબ્જો : તંત્ર કેમ અંધારામાં કે આંખમિંચામણા થાય છે?
અહી સવાલ થવા પામી રહ્યા છે કે જો વનવિભાગ માત્ર ઈંટોના ભઠ્ઠા પર જ લાલઆંખ કરશે અને મીઠાના મોટા મગરમચ્છોને છોડી દેશે, તો ગેરકાયદેસર પેશકદમી ક્યારેય અટકશે ખરી : ભુલવું ન જોઈએ કે, મીઠાના ગેરકાયદર દબાણો મામલે જ તો આ પટ્ટામાં લોહીયાળ સંઘર્ષ અને હિંસક અથડામણો થવા પામી ચુકી છે
ભચાઉઃ “ભચાઉ, કડોલ સહિતના વિસ્તારોમાં વનવિભાગની કામગીરી સામે હવે ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે. તાજેતરમાં વનવિભાગ દ્વારા ઈંટોના ભઠ્ઠા પર જે કાર્યવાહી કરવામાં આવી, તેને જાણકારો માત્ર ‘હિમશીલાની ટોચ‘ સમાન ગણાવી રહ્યા છે. સવાલ એ ઊઠી રહ્યો છે કે વનવિભાગને ઈંટોના ભઠ્ઠા તો દેખાયા, પરંતુ અભ્યારણ્યની ગરદન દબાવીને બેઠેલા મીઠાના બની બેઠેલા માફિયાઓના ગેરકાયદે અડીંગા કેમ ન દેખાયા?સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, ભચાઉ અને કડોલ સહીતના પંથકના અલગ-અલગ વિસ્તારોમાં અમુક વગદાર મીઠાના માફિયાઓએ મોટા પાયે ગેરકાયદેસર કબ્જો જમાવ્યો છે. ચોંકાવનારી વાત એ છે કે, પર્યાવરણ અને વન્યજીવો માટે આરક્ષિત રાખવામાં આવેલા આખેઆખા અભ્યારણ્યો આ માફિયાઓ દબાવીને બેઠા છે. વનવિભાગ માત્ર ઈંટોના ભઠ્ઠાવાળા સામાન્ય તત્વો સામે સમ ખાવા પૂરતી જ કાર્યવાહી કરીને સંતોષ માની રહ્યો હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. અહી સવાલ થવા પામી રહ્યા છે કે જો વનવિભાગ માત્ર ઈંટોના ભઠ્ઠા પર જ લાલઆંખ કરશે અને મીઠાના મોટા મગરમચ્છોને છોડી દેશે, તો ગેરકાયદેસર પેશકદમી ક્યારેય અટકશે ખરી?આ પટ્ટામાં મીઠાના અગરો અને જમીનો પચાવી પાડવાની હુંસાતુન્સી કોઈ નવી વાત નથી. જમીન પર કબ્જો જમાવવાની આ આંધળી દોટમાં ભૂતકાળમાં લોહીયાળ અને હિંસક અથડામણો પણ થઈ ચૂકી છે. કાયદો અને વ્યવસ્થા જોખમાય તેવી સ્થિતિ હોવા છતાં વનવિભાગના અધિકારીઓ મીઠાના ગેરકાયદે અગરો સામે આંખ આડા કાન કેમ કરી રહ્યા છે, તે સમજાતું નથી.
.................
રાજકીય દોરીસંચારની આશંકા’
ગાંધીધામ : જાણકારોના મતે, મીઠાના આ ગેરકાયદેસર અડીંગાઓ પાછળ ક્યાંક ને ક્યાંક ‘ઝભ્ભા-લેંગાવાળાઓ’ એટલે કે રાજકીય નેતાઓનો સીધો કે પરોક્ષ દોરીસંચાર હોવાની પ્રબળ શક્યતાઓ છે. મોટા માથાઓની છત્રછાયા હેઠળ જ આ સેંકડો એકર સરકારી અને અભ્યારણ્યની જમીન પર પેશકદમી ફાલીફૂલી છે. જો વનવિભાગ કોઈ પણ રાજકીય દબાણ વગર નિષ્પક્ષ તપાસ કરે, તો આ કૌભાંડના તાર બહુ ઊંચે સુધી ખુલી શકે તેમ છે.
...............
મુખ્ય મુદ્દાઓ જે વનવિભાગની નેમ સામે સવાલ ઉઠાવે છે
ગાંધીધામ : ઈંટોના ભઠ્ઠા પર ત્વરિત એક્શન, પણ મીઠાના ગેરકાયદે અગરો પર રહેમનજર કેમ? કરોડોની સરકારી જમીનઃ જો મીઠાના અગરો સામે કડક પગલાં લેવાય, તો સેંકડો એકર સરકારી અને અભ્યારણ્યની જમીન મુક્ત થઈ શકે તેમ છે.ગુનાખોરીને પ્રોત્સાહનઃ જમીનની ખેંચતાણમાં હિંસક વળાંકો આવ્યા હોવા છતાં વનવિભાગ મૌન કેમ છે?હવે જોવાનું એ રહે છે કે, વનવિભાગ પોતાની નબળી કામગીરીની છાપ ભૂંસીને આ મીઠાના બની બેઠેલા ભૂમાફિયાઓ સામે ખરેખર લાલઆંખ કરે છે કે પછી ઈંટોના ભઠ્ઠા જેવી નાની કાર્યવાહીઓ પાછળ મોટા મગરમચ્છોને છાવરવાનું ચાલુ રાખે છે.
........................
ભચાઉમાં વન વિભાગનું મેગા ઓપરેશન :
૪૦ હેક્ટર અનામત જંગલની જમીન દબાણમુક્ત
૬ ઈસમોએ ઈંટોના ભઠ્ઠા અને ઓરડીઓ બનાવી સરકારી જમીન પર જમાવ્યો હતો ગેરકાયદે કબ્જો : નોટિસ બાદ પણ દબાણ ન હટાવતા આખરે વન વિભાગ, પોલીસ અને મહેસૂલ તંત્રએ સંયુક્ત કાર્યવાહી કરી બુલડોઝર ફેરવ્યું
ભચાઉ - કચ્છઉદય : કચ્છ પૂર્વ વન વિભાગ હેઠળ આવતી ભચાઉ રેન્જમાં સરકારી અનામત જંગલની કરોડોની કિંમતની જમીન પરથી ગેરકાયદેસર દબાણો દૂર કરવાનું એક મોટું ઓપરેશન વહીવટી તંત્ર દ્વારા સફળતાપૂર્વક હાથ ધરવામાં આવ્યું છે. આ વ્યાપક ઝુંબેશ અંતર્ગત તંત્ર દ્વારા આશરે ૪૦ હેક્ટર જેટલી વિશાળ સરકારી જમીનને ભૂમાફિયાઓ અને દબાણકારોના પંજામાંથી મુક્ત કરાવવામાં આવી છે.પ્રાપ્ત વિગતો અનુસાર, ભચાઉ વન રેન્જ હેઠળ મોજે ભચાઉ ગામના સર્વે નંબર ૨૦૦૦/૨૧૨/૨ ની સેક્શન ૨૦ હેઠળની રીઝર્વ ફોરેસ્ટ એટલે કે અનામત જંગલ તરીકે જાહેર થયેલી જમીન પર મોટા પાયે ગેરકાયદે પ્રવૃત્તિઓ ચાલી રહી હતી. ભચાઉના જ ૬ જેટલા સ્થાનિક ઈસમો દ્વારા વન વિભાગની આ પ્રતિબંધિત અનામત જંગલની જમીન પર ગેરકાયદેસર રીતે કબ્જો જમાવી દેવામાં આવ્યો હતો. આ તત્વો દ્વારા જમીન પર ઈંટો બનાવવા માટેના મોટા-મોટા ભઠ્ઠા શરૂ કરી દેવાયા હતા, તેમજ ત્યાં કામ કરતા મજૂરો અને લેબરોને રાખવા માટે પાકા અને કાચા મકાનો તથા ઓરડીઓનું પણ અનધિકૃત બાંધકામ કરી દેવામાં આવ્યું હતું.આ સમગ્ર ગેરકાયદે પ્રવૃત્તિ અને દબાણ બાબતે વન વિભાગ દ્વારા અગાઉથી જ કડક વલણ અપનાવવામાં આવ્યું હતું. ભચાઉ રેન્જ ઓફિસ તરફથી આશરે એક મહિના પહેલા જ તમામ દબાણકારોને કાયદેસરની નોટિસો ફટકારવામાં આવી હતી અને જમીનની માલિકી અંગેના પુરાવા રજૂ કરવા જણાવાયું હતું. જો કે, આ ઈસમો દ્વારા કોઈ પણ પ્રકારના વહીવટી કે કાયદાકીય દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા ન હતા, જેથી વન વિભાગે તેમની સામે ગુનો દાખલ કરી ત્વરિત દબાણ ખાલી કરવા આદેશ કર્યો હતો. વારંવારની લેખિત અને મૌખિક નોટિસો તેમજ પૂરતી તક આપવા છતાં પણ દબાણકારો દ્વારા સ્વેચ્છાએ આ જગ્યા પરથી કબ્જો હટાવવામાં આવ્યો ન હતો.આખરે દબાણકારોની સામે તંત્રએ લાલ આંખ કરી હતી અને ગુરુવાર, ૯ જુલાઈના રોજ કચ્છ પૂર્વ વન વિભાગ, ભુજ, કચ્છ પૂર્વ પોલીસ ડિવિઝન તેમજ સ્થાનિક મહેસૂલ તંત્ર દ્વારા એક સંયુક્ત મેગા ઓપરેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. કાફલા સાથે ઘટનાસ્થળે પહોંચેલા વહીવટી તંત્રે બુલડોઝર ફેરવીને તમામ ગેરકાયદેસર ભઠ્ઠા અને ઓરડીઓ જમીનદોસ્ત કરી દીધા હતા અને અંદાજિત ૪૦ હેક્ટર જેટલી જમીન સંપૂર્ણપણે ખાલી કરાવી લીધી હતી.

Comments