Trending News
ક્રાઈમ

કુંદરોડી હત્યાકાંડનો કલાકોમાં ભેદ ઉકેલાયો, પ્રાગપર પોલીસે બે આરોપીઓને દબોચ્યા

10 July



૭૩ વર્ષીય અબ્દુલ્લા હુસેન પઠાણની હત્યા કેસમાં ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સના આધારે ઝડપી કાર્યવાહી, બંને આરોપીઓ ઝડપાયા

ગાંધીધામ : પશ્ચિમ કચ્છ પોલીસને વધુ એક મોટી સફળતા મળી છે. પ્રાગપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા કુંદરોડી ગામમાં ૭૩ વર્ષીય અબ્દુલ્લા હુસેન પઠાણની હત્યાના ગંભીર ગુનાનો ભેદ પ્રાગપર પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી બે આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક વિકાસ સુંડા તથા મદદનીશ પોલીસ અધિક્ષક ગૌતમ વિવેકાનંદનના માર્ગદર્શન હેઠળ પ્રાગપર પોલીસ સ્ટેશનના પીઆઈ એ.કે. ભરવાડ અને મુંદરા મરીનના પીઆઈ ડી.એમ. ઝાલાના નેતૃત્વમાં પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સના આધારે સઘન તપાસ હાથ ધરી હતી.
તપાસ દરમિયાન આરોપી ઇમ્તીયાઝ કાસમ હાલેપૌત્રા (ઉ.વ. ૨૪) અને હરદિપસિંહ અજીતસિંહ સોઢા (ઉ.વ. ૩૦), બંને રહે. કુંદરોડી, તા. મુંદરાને ઝડપી પાડવામાં આવ્યા હતા. આરોપીઓએ મૃતકના માથા, આંખ, કાન તેમજ હાથ-પગ પર લોખંડના પાઇપ વડે જીવલેણ હુમલો કર્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.આ બનાવ અંગે પ્રાગપર પોલીસ સ્ટેશનમાં ગુનો નં. ૦૩૫૯/૨૦૨૬ હેઠળ ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૦૩(૧), ૫૪ તેમજ જી.પી. એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
આ સમગ્ર ઓપરેશનમાં પ્રાગપર પોલીસ, મુંદરા મરીન પોલીસ અને એલ.સી.બી.ની સંયુક્ત ટીમે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી, જેના કારણે હત્યાના આરોપીઓને ભાગી છૂટવાની તક મળે તે પહેલાં જ કાયદાના સકંજામાં લાવવામાં સફળતા મળી હતી.

Comments

COMMENT / REPLY FROM