પલાસવા મર્ડર કાંડ : પૂર્વ કચ્છ પોલીસ પર એક બુટલેગર ભારે? દારૂના ૨૯ ગુના ધરાવતો હત્યારો કુખ્યાત ‘પુનો’ હજુય ફરાર.!
કાયદાના રક્ષકો નબળા કે ગુનેગાર શક્તિશાળી?
મર્ડર બાદ પણ પરિવારને ધમકાવતો કુખ્યાત બુટલેગર પુનો ધરતી ખાઈ ગઈ કે આકાશ ગળી ગયું? : સોર્સની હત્યા કરીને પોલીસ તંત્રને ખુલ્લો પડકાર ફેંકનાર આરોપીને કાયદાના સકંજામાં લેવામાં થઈ રહેલા વિલંબથી જનતામાં ભારે આક્રોશ
ખાખીનો ખોફ ખતમ? યુવકની ઘાતકી હત્યા કરનાર આરોપી ‘પુનો’ પોલીસને કેમ જડતો નથી? : બાતમીદારીની અદાવતમાં આશાસ્પદ યુવાનને મોતને ઘાટ ઉતારનાર બુટલેગર પુનાને પકડવા મુંબઈ-રાજસ્થાન સુધી દોડતી પોલીસના હાથ હજુય ખાલી! : ગુનાહિત સામ્રાજ્યનો ખૌફ તોડવા આઈજી અને એસપી ખુદ મેદાને આવે તેવી ઉઠતી માંગ
ફરિયાદ કરશો તો આખા પરિવારને પતાવી દઈશ તેવી ધમકી આપનાર માથાભારે તત્વ સામે દાખલો બેસે તેવી કડક કાર્યવાહીની લોકમાંગ વચ્ચે તેને પકડવામાં પણ વિલંબ થતો હોવાથી ભોગગ્રસ્ત વર્ગમાં વધ્યો છે કચવાટ
ગાંધીધામ : “પૂર્વ કચ્છના પલાસવા ગામે સનસનાટી મચાવનારા આશાસ્પદ યુવકના અપહરણ અને મર્ડર કાંડને દિવસો વીતી ગયા હોવા છતાં, કાયદો અને વ્યવસ્થા જાળવતી પોલીસના હાથ ટૂંકા સાબિત થઈ રહ્યા છે. દારૂના ધંધાકીય હિસાબ અને પોલીસ બાતમીદારીની શંકા રાખીને એક નિર્દોષ યુવકને મોતને ઘાટ ઉતારી દેનારો કુખ્યાત બુટલેગર અને હત્યારો પુનો હજુ સુધી પૂર્વ કચ્છ પોલીસના સકંજામાં આવ્યો નથી. આ ઘટનાથી સમગ્ર પંથકમાં ભયનો માહોલ છે અને સવાલ ઉઠી રહ્યો છે કે શું પૂર્વ કચ્છ પોલીસ પર એક માથાભારે બુટલેગર ભારી પડી રહ્યો છે? પલાસવાના આશાસ્પદ યુવકનું પુના સહિતની ગેગ દ્વારા અપહરણ કરી જઈ અને રાજસ્થાનમાં લઈ જઈ અને ધાંધકીય હિસાબ અથવા તો બાતમી આપ્યાનુ મનદુખ રાખી અને અતિ ઘાતકી રીતે મર્ડર નિપજાવવામા આવ્યુ હતુ. આ સમગ્ર પ્રકરણમાં પૂર્વ્ કચ્છ એસપીશ્રીએ સમયસુચકતા અને સતકર્તા દાખવી પુના સહિતના શખ્સો સામે ફરીયાદ દાખલ કરાવી છે નહી તો પુના આણી ટોળકી અ આખાય ઘટનાક્રમને અકસ્માતમા ખપાવવાની તૈયારી ચરી ચુકી હતી અને પડદો જ પડી જવાનો હતો. આ કેસમાં ફરીયાદ તો દાખલ કરાઈ છે પરંતુ મુખ્ય સુત્રધાર પુનો હજુ સુધી હાથે ન લાગતા સવાલો ખડા થવા પામી રહ્યા છે. પોલીસના સોર્સનું જો કથિત રીતે મર્ડર કોઈ બુટલેગર પોલીસને બાતમી આપ્યાનુ મનદુખ રાખીને કરી દે અને તે ગુનેગારને પકડવામાં વધારે વિલંબ થતો જણાય તો પછી આગામી સમયમાં પોલીસની મદદે આવવાની પહેલ કરશે કોણ? શું હ્યુમન રીસોર્સ વિના પોલીસ મજબુત અને ઝડપી કાર્યવાહી બાદમાં કરી શકશે ખરી? પલાસવા યુવક મર્ડરની ઘટના અતિ ગંભીર છે તેને આઈજીશ્રી અને એસપીશ્રી ખુદ આગેવાનીમાં લઈ અને ટીમોને જરૂરી સચોટ માગૃદર્શન આપે અને આ ઘટનાક્રમને ક્રુરતા પૂર્વક અંજામ આપનારા નરાધમોને ન માત્ર જેલના સળીયા ગણતા કરે પરંતુ તેમની સામે ધાક બેસાડતી કાર્યવાહી કરે તે અતિ જરૂરી બની રહ્યુ છે.
....................
અતિ ક્રૂર અને ઘાતકી હત્યા :
પોલીસ સોર્સ હોવાની અદાવત રાખી“
ગાંધીધમા : ચર્ચાતી વિગતો મુજબ, આ ઘટના કોઈ સામાન્ય ગુનો નથી. જે યુવકની ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી છે, તે પોલીસનો સોર્સ (બાતમીદાર) હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. કુખ્યાત બુટલેગર
પુનાએ પોતાના ગેરકાયદેસર દારૂના કાળા કારોબારમાં આ યુવક નડતરરૂપ હોવાની અને બાતમી આપતો હોવાની અદાવત રાખી હતી. આ જ મનદુઃખમાં આશાસ્પદ યુવકનું અપહરણ કરી, તેને છેક રાજસ્થાન લઈ જઈ અતિ ઘાતકી અને ક્રૂર રીતે રહેંસી નાખવામાં આવ્યો હતો. પોતાના સોર્સનું મર્ડર કરીને પુનાએ સીધો પોલીસ તંત્રને પડકાર ફેંક્યો છે.
.................
ગુનાહિત સામ્રાજ્યનો ખૌફઃ પરિવારને આપી જાનથી મારવાની ધમકી
દારૂના ધંધાની આડમાં આ પ્રકારનું આતંકવાદી વલણ અપનાવનાર શખ્સને કાયદા કે ખાખીનો કોઈ જ ભય ન હોવાની દર્શાય છે ચિંતાજનક સ્થિતી
ગાંધીધામ : હત્યારો પુનો કોઈ નાનો-મોટો ગુનેગાર નથી, તેની સામે અગાઉથી જ અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં ર૯થી વધુ જેટલા પ્રોહીબીશનના (દારૂના) મોટા ગુનાઓ દાખલ થયેલા છે. આ ઘાતકી કૃત્ય આચર્યા બાદ પણ તેની હિંમત એટલી ખૂલી ગઈ છે કે તેણે મૃતકના પરિવારજનોને ખુલ્લી ધમકી આપી છે કે, જો કોઈએ પોલીસમાં ફરિયાદ કરી કે વચમાં આવ્યા તો ઘરના બીજા સભ્યોને પણ પતાવી દઈશ. દારૂના ધંધાની આડમાં આ પ્રકારનું આતંકવાદી વલણ અપનાવનાર શખ્સને કાયદા કે ખાખીનો કોઈ જ ભય ન હોય તેવી ગંભીર સ્થિતિ પૂર્વ કચ્છમાં સર્જાઈ છે.
...................
આઈજીશ્રી અને એસપીશ્રી ખુદ માર્ગદર્શન આપી લાલઆંખ કરે
ગાંધીધામ : ગુનાહિત સામ્રાજ્યમાં પોતાનું એકચક્રી શાસન સ્થાપવા અને લોકોમાં ખૌફ ઉભો કરવાના ઈરાદે આચરાયેલા આ જઘન્ય અપરાધને સહેજ પણ હળવાશથી લઈ શકાય તેમ નથી. પૂર્વ કચ્છમાં કાયદાનું શાસન
પુનઃ સ્થાપિત કરવા અને ગુનેગારોમાં ખાખીનો ખોફ પેદા કરવા માટે હવે બોર્ડર રેન્જના આઈજી અને પૂર્વ કચ્છના એસપી ખુદ આ કેસની તપાસમાં સીધું માર્ગદર્શન આપે તે અત્યંત જરૂરી બન્યું છે. ઉચ્ચ અધિકારીઓ આ કેસમાં અંગત રસ લઈ, ખાસ એક્શન પ્લાન બનાવીને પુના જેવા રાક્ષસી માનસિકતા ધરાવતા બુટલેગરને વહેલામાં વહેલી તકે જેલના સળિયા પાછળ ધકેલે અને અન્યો માટે દાખલો બેસે તેવી કડક નશ્યત પાઠવે તેવી લોકમાંગ બુલંદ બની છે.
.................
ટીમોના આંટાફેરા છતાં પરિણામ ‘શૂન્ય’ઃ પુનાને ધરતી ખાઈ ગઈ કે આકાશ ગળી ગયું?
ગાંધીધામ : યુવકની હત્યા થયાને દિવસો વીતી ગયા, પોલીસ દ્વારા અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે, તપાસના દાવા કરાઈ રહ્યા છે, અને પોલીસની ટીમો રાજસ્થાનથી લઈને મુંબઈ સુધી આંટાફેરા પણ કરી આવી છે. આમ છતાં, આટલો મોટો અને જાણીતો ગુનેગાર
પોલીસને કેમ જડતો નથી? શું તે ધરતીમાં ગરકાવ થઈ ગયો કે આકાશ ગળી ગયું? પોલીસ પકડમાં થઈ રહેલા વિલંબને કારણે જનતામાં જાતભાતની ચર્ચાઓ અને આક્રોશ ફાટી નીકળ્યો છે. આવા તત્વો જો ખુલ્લેઆમ ફરશે તો સમાજમાં કાયદાની ધાક સંપૂર્ણપણે ખતમ થઈ જશે.

Comments