નખત્રાણા પોલીસે ભડલી નજીક ૩.૮૩ લાખના વિદેશી દારૂ સાથે બૂટલેગરને દબોચ્યો : એક ફરાર
ભુજ - કચ્છઉદય : પશ્ચિમ કચ્છ જિલ્લાના નખત્રાણા સ્માર્ટ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ દ્વારા પ્રોહિબિશનના કેસો શોધી કાઢવા માટે હાથ ધરાયેલા પેટ્રોલિંગ દરમિયાન પોલીસને એક મોટી સફળતા સાંપડી છે. નખત્રાણા પોલીસ સ્ટેશનના એ.એસ.આઇ. વિરેન્દ્રસિંહ જાડેજા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ સોઢાને સંયુક્ત રીતે મળેલી ચોક્કસ ખાનગી બાતમીના આધારે પોલીસે ભડલીથી ભુજ તરફ જતા માર્ગ પર વોચ ગોઠવી હતી. બાતમી મુજબ ભડલી તરફથી આવી રહેલી એક સિલ્વર કલરની મારુતિ સુઝુકી સ્વિફ્ટ કારને અટકાવીને જ્યારે તલાશી લેવામાં આવી ત્યારે તેની ડીકીમાંથી મોટા પ્રમાણમાં ભારતીય બનાવટનો પરપ્રાંતિય ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી દારૂના જથ્થા અને કાર સાથે એક આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસના હાથે ઝડપાયેલા આરોપીની ઓળખ જયદિપસિંહ વિરેન્દ્રસિંહ ઉર્ફે વિનુભા જાડેજા (ઉંમર વર્ષ ૩૪, રહે. નવી રાવલવાડી, લાભ-શુભ સોસાયટી, ભુજ) તરીકે થઈ છે. જ્યારે આ ગુનામાં સંડોવાયેલા અન્ય એક આરોપી વિપુલસિંહ સોઢા ( રહે. ચંદ્રનગર, તા. નખત્રાણા) ને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
આ સફળ દરોડા દરમિયાન પોલીસે રાજસ્થાનમાં જ વેચાણ માટે મંજૂરી ધરાવતી ગ્રીન લેબલ બ્લેન્ડેડ વ્હિસ્કીના ૧૮૦ એમએલના કુલ ૪૭૬ નંગ ક્વાર્ટર (કિંમત રૂ. ૭૩,૭૮૦) અને ૮ પીએમ સ્પેશિયલ રેર વ્હિસ્કીના ૪૮ નંગ ક્વાર્ટર (કિંમત રૂ. ૬,૭૨૦) જપ્ત કર્યા છે. આ સાથે જ દારૂની હેરફેર માટે ઉપયોગમાં લેવાયેલી ૩,૦૦,૦૦૦ રૂપિયાની કિંમતની મારુતિ સુઝુકી સ્વિફ્ટ ગાડી નંબર જીજે૧૨ ડી.એમ. ૮૯૮૫ તથા સેમસંગ કંપનીનો એફ૧૨ મોડલનો મોબાઈલ ફોન મળીને કુલ ૩,૮૩,૫૦૦ રૂપિયાનો પ્રોહિબિશન મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.
આ સમગ્ર કામગીરી નખત્રાણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ. પટેલના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. જયંતીભાઇ માજીરાણા, એ.એસ.આઇ. વિરેન્દ્રસિંહ જાડેજા, એ.એસ.આઇ. સબીરઅલી બાયડ તેમજ પોલીસ હેડ કોન્સ્ટેબલ મોહનભાઇ આયર, નરેન્દ્રસિંહ સોઢા અને મીતકુમાર પટેલ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી.
------

Comments