ભુજમાં આધાર-પુરાવા વગરના એલ્યુમિનિયમના વાયરો સાથે ત્રણ ઝડપાયા
ભુજ - કચ્છઉદય : પશ્ચિમ કચ્છ જિલ્લામાં ચોરીના વધતા જતા બનાવો અટકાવવા તેમજ આધાર પુરાવા વગરની શંકાસ્પદ ચીજવસ્તુઓની થતી હેરફેર રોકવા માટે સરહદી રેન્જના પોલીસ મહાનિરીક્ષક અને પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ અધિક્ષક દ્વારા આપવામાં આવેલી કડક સૂચનાઓના પગલે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને એક મોટી સફળતા મળી છે. એલ.સી.બી. પશ્ચિમ કચ્છ ભુજની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે એક શંકાસ્પદ વાહનને અટકાવીને રેડ કરી હતી. આ તપાસ દરમિયાન વાહનના પાછળના ભાગેથી મોટા પ્રમાણમાં એલ્યુમિનિયમના વાયરોના ગૂંચળા ભરેલા મળી આવ્યા હતા. પોલીસે વાહનમાં સવાર ત્રણ ઇસમોની કડકાઈથી પૂછપરછ કરી આ સામાન અંગેના જરૂરી આધાર પુરાવા કે બિલ માંગતા તેઓ કોઈ પણ કાયદેસરના દસ્તાવેજો રજૂ કરી શક્યા ન હતા.
પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ આરોપીઓ એલ્યુમિનિયમના વાયરોના ગૂંચળા ચોરી અથવા છળકપટથી મેળવીને ભુજ ખાતે વેચવા માટે જઈ રહ્યા હતા. બાતમી મુજબના શંકાસ્પદ મુદ્દામાલ સાથે રંગેહાથ પકડાઈ જતાં પોલીસે ત્રણેય ઇસમોની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલા આરોપીઓમાં ૩૦ વર્ષીય ઇમરાન આમદ કેવર, ૨૬ વર્ષીય સોયબ સુલેમાન સમેજા અને ૨૨ વર્ષીય રિઝવાન સુલેમાન સમેજાનો સમાવેશ થાય છે, જે તમામ ભુજ તાલુકાના સુમરાસર (શેખ) ગામના રહેવાસી છે.
આ સફળ દરોડા દરમિયાન પોલીસે આરોપીઓ પાસેથી અંદાજે ૭૫,૦૦૦ રૂપિયાની કિંમતનો ૫૦૦ કિલોગ્રામ એલ્યુમિનિયમનો વાયર તેમજ હેરફેર માટે ઉપયોગમાં લેવાયેલી ૩,૦૦,૦૦૦ રૂપિયાની કિંમતની મહિન્દ્રા લોડિંગ પીકઅપ ગાડી સહિત કુલ ૩,૭૫,૦૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ સમગ્ર પ્રશંસનીય કામગીરી પશ્ચિમ કચ્છ એલ.સી.બી. શાખાના પીએસઆઈ એમ.એચ. શીણોલ, એએસઆઈ અનિરૂધ્ધસિંહ રાઠોડ, એએસઆઈ નિલેશભાઇ ભટ્ટ, યુએચસી ધર્મેન્દ્રભાઇ રાવલ, યુએચસી શક્તિસિંહ ગઢવી અને યુએચસી જીવરાજભાઇ ગઢવી સહિતની પોલીસ ટીમ દ્વારા પાર પાડવામાં આવી હતી.
---------

Comments